________________
૧૩૮
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
દાદાશ્રી : મચ્છરદાની રાખવા માટે વાંધો નથી. પ્રશ્નકર્તા : એ વાંધો નહીં ?
દાદાશ્રી : ના, એનો વાંધો નહીં. તમે એને મારો તો વાંધો છે. નહીં તો આખી રાત જાગતા રહીને માંકણને કાઢો તો વાંધો નહીં. આખી રાત જાગતા રહો, તો માંકણ જતા રહે. હવે એમાં કંઈ મચ્છરદાની છે નહીં, માંકણમાં શી રીતે લાવશો? પેલી મચ્છરદાની બાંધજો નિરાંતે, અમે કંઈ એવું નથી કહેતા કે તમે મચ્છરદાની બાંધતા નહીં. કારણ કે આ કાળના મનુષ્યોની તાકાત નહીં ને આ બધું સહન કરવાની ! સહન કરવાનીય પાછી શક્તિ જોઈએ ને ! એને શું કહે છે ? તિતિક્ષા.
પથારીમાં મૂકતાય ના કરડે, તે થયો હિસાબ પૂરો
પ્રશ્નકર્તા : આપણે જાત્રામાં ગયા ત્યારે આપના ડબ્બામાં તો કેટલા બધા માંકણ હતા !
દાદાશ્રી : હા, તોય મને અડતા નહોતા. જેટલા લોક આ માંકણ મારવાની હિંસા કરે છે ને, તેમને જેટલા માંકણ કરડે છે તેટલા મને નથી કરડ્યા. તમારી પથારીમાં માંકણ મૂકે ને તમને ના કરડે તો જાણવું કે એની સાથેનો તમારો હિસાબ ચૂકતે થઈ ગયો.
આ માંકણ બિચારા કેટલા બધા ડાહ્યા છે ! આ અમારી ઉપર ફરે છે તે કરડતા નથી, કારણ તે જાણે છે કે આ મારવાના નથી.
જમવાનું પૂરું થયું ને મહેમાન આવ્યા પ્રશ્નકર્તા: નાના હતા ત્યારે બાએ તમને સમજણ પાડી, એવું મોટા થયા પછી તમે બાને સમજણ પાડી એવું બન્યું હતું ?
દાદાશ્રી : હા, એક વખત એવું બન્યું હતું. તે વખતે હું પચ્ચીસછવ્વીસ વર્ષની ઉંમરનો હતો. ત્યારે અમારે ઘેર એક વખત એવું બનેલું કે બપોરના બાર-સાડા બાર થઈ ગયેલા. તે એવા ટાઈમે અમે બધા જમવા બેઠા હતા. ઘરમાં તે દહાડે અમે ત્રણ જ જણ હું, મારા વાઈફ