________________
८४
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
તે અમે નાટકનો કોન્ટ્રાક્ટ રાખેલો. ગામમાં નાટક કંપનીઓ આવે તેનો રોજના સો રૂપિયામાં કોન્ટ્રાક્ટ રાખી લેતો કે ‘ભાઈ, આજની રાતના છે તે સો રૂપિયા તને આપી દઈશું અને બધી જોખમદારી અમારી.” તે પાંચ-પચ્ચીસ મળે. ટિકિટો અમે ફાડીએ, તે લોકો આવે બધા. નફો થાય સારો. આ રાવજીભાઈ શેઠ હઉ ભાગીદાર !
તે નાટકમાં વિદુષકનો પાઠ ભજવવાવાળાય નીકળે. વિદુષક એટલે હસાવનારા પાછા ! નાટક અડધું ભજવે, પછી થોડીવાર હસાવનારા ભાઈ પાછા નીકળે ત્યાંથી. “હું ખાપરો, તું કોડિયો, જોડી વીંછું ને સાપની, છે બુદ્ધિ કોઈના બાપની.” આવું બધું બોલનારા વિદુષક હસાવે ત્યારે આ નાટકવાળા પૈસા કમાય. એમ ને એમ કંઈ દૂધ નથી પીતા, તે અહીં નાટકના પૈસા આપે કે ? ઘેર દૂધમાં કસર કરે.
પછી એક દહાડો વરસાદ ધોધમાર પડ્યો. એટલે બધાને કહેવડાવી દીધું કે આજે મફત, ચાલો, ચાલો, જલદી આવી જાવ. વરસાદ થયો તે કોઈ આવતું જ નહોતું. ત્યારે મેં કહ્યું, “બોલાવી લાવો, આજ સાદ પાડો.” તે રખેસરને કહ્યું, તે પછી સાદ પાડી આવ્યો. કહે, “આજે મફત છે, જેને નાટક જોવા આવવું હોય તો આવો !” આવું જગત છે બધું !
એક વખત તો પાંચ-પચ્ચીસ પ્રેક્ષકો જ આવેલા, ત્યારે ભારે થઈ પડેલી. પણ નાદારી કાઢે તે બીજા !
પહેલાં લાગ્યું કે સિનેમાથી હિન્દુસ્તાન બગડી જશે
પછી પેલો નાટકવાળો ગાય છે, “જોયો જમાનો આ કલિનો, પાપનો વિસ્તાર છે.” “હું ખાપરો, તું કોડિયો, જોડી વીંછું ને સાપની, છે બુદ્ધિ કોઈના બાપની ?’ હું સાપ જેવો છું ને તું વીંછું જેવો છું, એટલે છે કોઈના બાપની બુદ્ધિ ? એવો આ જમાનો ! આવું નાટકમાં બોલતા. અમે પચ્ચીસ વર્ષના થયા તે પહેલાં તો નાટક બધા ખલાસ થવા માંડેલા. બધો જમાનો ઊલટી ગયેલો, કારણ સિનેમા જાગૃત થઈ ગયેલા ને ! તે અરસામાં સિનેમા પેઠા. આ પેલાની પડતી થઈ ને આની ચડતી થઈ. તાંબુ-પિત્તળની પડતી થઈ, કાંસું અને સ્ટેનલેસ સ્ટીલની ચડતી થઈ. એ