________________
[૩] એ જમાનામાં કરી મોજમજા
૮૫
પાછી સ્ટેનલેસ સ્ટીલની પડતી થશે ત્યારે નવી વસ્તુ ઊભી થશે. એવી આ દુનિયા ચાલ્યા જ કરે છે.
પછી મેં કહ્યું, “આ તો દુનિયા બગાડી નાખશે આ લોકો. સિનેમાવાળા તો દુનિયા ખલાસ કરી નાખશે.” મને ઊલટું એમ લાગે, આ કઈ જાતના મૂરખા માણસો, આવું શું શોધી કાઢ્યું? મને ફૂલિશ (મૂર્ખાઈભર્યું) લાગે. કેવા ફૂલિશ થઈ ગયા! આગળ વધવાના બદલે આમ ચાલ્યા !
આખા હિન્દુસ્તાનને આ માફક આવે એવી શોધખોળ છે ? આ તો નીચે ઉતારવાની શોધખોળ ! ત્યારે લોકો કહેતા કે હવે લોક બગડી જવાનું છે. ત્યારે હું પણ બોલવા લાગતો કે લોક બગડી જવાનું છે. પણ એ અમુક ટાઈમ સુધી, વર્ષ-બે વર્ષ રહ્યું હશે કે હિન્દુસ્તાનને ખરાબ કરનારી વસ્તુ છે આ.
કળિયુગ આગળ વધી રહ્યો છે પ્રશ્નકર્તા ઃ તે તમે સિનેમા જોવા ગયેલા ?
દાદાશ્રી : હું વીસ વર્ષનો હતો ત્યારે ૧૯૨૮માં એક ફેરો સિનેમા જોવા ગયેલો. તે વખતે સાયલન્ટ સિનેમા હતો, ટૉકીઝ નહોતો. ત્યાં મને આ પ્રશ્ન ઉત્પન્ન થયો હતો કે “અરેરે ! આ સિનેમાથી તો આપણા સંસ્કારનું શું થશે ? અને શી દશા થશે આ લોકોની?” સિનેમા જોવા તો ઘણાં વખત ગયેલો, પણ એક વખત વિચાર આવી ગયો’તો કે આ સિનેમા તો આપણા હિન્દુસ્તાનમાં આખું સંસ્કાર જ હીન કરી નાખશે !
પહેલાં હું સિનેમાનો વિરોધી હતો કે આનાથી તો લોકોમાં સંસ્કાર ખલાસ થતા જાય છે. સિનેમા ઉપર છે તે મનમાં ગુસ્સો રહ્યા કરતો'તો કે આ કળિયુગ ધસી રહ્યો છે, આગળ વધી રહ્યો છે આ સિનેમા ભાળીને. પછી સિનેમાઓ ફેલાવા માંડ્યા ને સિનેમાનો છે તે લોકરસ વધ્યો, એટલે હું સમજ્યો કે કળિયુગ ઝપાટાબંધ ધસી રહ્યો છે. રાત્રે ચણા લેવા મોકલો તો ના મળે ને, બે વાગે ?
પ્રશ્નકર્તા : બે વાગે ન મળે, બાર વાગ્યા સુધી મળે.