________________
૧૦૦
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
માણસ ના મળે તો છેવટે કોઈ છોકરાને શિખવાડું કે અલ્યા, પેલા ગધેડાની પાછળ ખાલી ડબ્બો બાંધજો.
અરે ! ગધેડાની પાછળ તો અમે બધા છોકરાઓ ભેગા થઈને ડબ્બા હઉ બાંધેલા. આખી રાત પછી પેલું ગધેડું કૂદાકૂદ જ કરે ને ! તે પછી આખી રાત ધમધોકાર. લોકોને સૂવા જ ના દે ને પછી ! લોકોને ઊંઘ ના આવે. એક તો લોકોને કામધંધો કશો નહીં, નવરા. સંભળાયું તે જુએ, આ શું થયું? અરે ! બધું આ તો ગધેડાની પાછળ ડબ્બો બાંધેલો!
ગધેડાની પૂંઠે ખાલી ડબ્બો બંધાવે ને પછી પેલા છોકરાઓ પાછળ હાંકે. તે આખા ગામમાં હો હો હો ચાલે. લોકો પછી ગાળો દે કે આ છોકરાંઓનું સત્યાનાશ જજો ! આવો તેવો બુદ્ધિનો દુરુપયોગ બધો થયેલો. તમને તો આવું ના આવડે ને ?
તે આ બધું એવું છે, આ સંસ્કાર બધા ગામડાનાને ! અને આપણે તો મૂળથી બધી આડી જાત, વઢમ્વઢા કરવા જોઈએ, લઢવાડ... આ તો જ્ઞાન મળ્યું, તે હવે એ રાગે પડી ગયું.
કુસંગતા રવાડે ચઢયા ભાઈબંધો સંગે પ્રશ્નકર્તા: દાદા, ખરાબ આદતો ખરી નાનપણમાં ?
દાદાશ્રી : હા, અમને પંદર વર્ષની ઉંમરે કુસંગમાં બીડી પીવાની ટેવ પડી ગઈ. એને સત્સંગ કહો કે કુસંગ કહો. અગર હું કુસંગી ને પેલાને કુસંગી કરાવ્યો હોય. આપણા લોક શું કહે છે ? મારો છોકરો કુસંગીઓમાં એ કુસંગી થયો, પણ અલ્યા મૂઆ, તારા છોકરાનો કુસંગ પેલાને અડ્યો કે પેલાનો તેને અડ્યો શી ખાતરી ? ઘણાં લોકો એમ કહે કે મારા છોકરાને કુસંગ છે બધો. ત્યારે મૂઆ, કુસંગી કોણ આમાં ? બધા છએ જણના બાપ કહે છે, મારા છોકરાને કુસંગ અડ્યો, આમાં કુસંગી કોણ ? જરા કંઈક તો તપાસ કરવી જોઈએ ને ? તેના કરતા આપણે કહીએ, કે મારો છોકરો કુસંગના રવાડે ચઢેલો છે, તો વાત જુદી છે. એવું કુસંગને રવાડે ચઢેલા. તે બીડી, સિગરેટ, હુક્કા પીએ તનતાન (તનતનાટ) બધા ભાઈબંધો પીતા.