________________
૧૦૬
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
પ્રશ્નકર્તા : એનું તો નુકસાન થયું ને ?
દાદાશ્રી : જબરજસ્ત નુકસાન, કહ્યા-કર્યા વગર એની તો બિચારાની વરિયાળી તોડી નાખી ને ? તે પાછળથી કેટલાય પસ્તાવા કર્યા ત્યારે ચોખ્ખું થયું બળ્યું. તે પાછળ મોટી ઉંમરમાં પસ્તાવા થાય એના કરતા આપણે નાની ઉંમરમાં જ ચોખ્ખા થઈએ, તે શું ખોટું ?
ભરેલા મોહે કરાવી વીંટીની ચોરી
પ્રશ્નકર્તા : દાદા, આપે પેલું કહ્યું હતું ને વીંટીનું, એ શું હતું ? દાદાશ્રી : એ તો, એક વીંટી ચોરી લીધી'તી, તે હજુય ખટક્યા કરે છે મહીં.
મેં તો વીંટી ચોરેલી તે કેવી રીતે ચોરી’તી, તમે તો નહીં જાણો એ. પણ કરાંઠી ઓળખો, કરાંઠીઓ ? લાકડાં બાળવાની કાઠીઓ, કરાંઠીઓ આવે છે. આ તુવેરની કરાંઠી આવે છે તમે જોયેલી ? કરાંઠી કહે. એટલે એ કાંઠીના પૂળા હતા. તે એક માણસને ત્યાં વેચાતા લીધેલા થોડા પૂળા. તે એને ત્યાં લેવા ગયેલો. તે હું એક મજૂર લઈને દેખાડવા ગયો'તો, પૂળા ગણવા માટે, ફાધરે કહેલું તે પ્રમાણે.
પેલો માણસ ઉપરથી નાખે અને હું ગણું. હું ગણું અને નોકરને તેડીને લઈ ગયેલો, તે બાંધીને લઈ જાય. તે પછી પેલાએ નાખતી વખતે પૂળા નાખ્યા. તેમાં એની આ વીંટી એની આંગળીમાંથી ખસી ગઈ. હવે એ મને ખબર નહોતી કે એની વીંટી ખસી ગઈ એટલે આમ થયું કે ગમે તેમ પણ એના પૂળો નાખવાની સાથે વીંટી નીચે પડી. હવે એની ખસી ગયેલી વીંટી પડી કે કો'કની પહેલાંની પડેલી હતી તે પડી, પણ એક વીંટી નીચે પડી.
તે અમારો પેલો માણસ પૂળા લેવા આવ્યો'તો ને, તેને મેં અવળી સાઈડમાં ખસેડ્યો. મેં પેલા નોકરને કહ્યું, તું પેલા પૂળા ગણી લે. પેલા પૂળા બાંધવા માંડ. ત્યાર હોરુ મેં એની પર પગ મૂકીદીધો.
પ્રશ્નકર્તા : કેટલા વરસની ઉંમર હતી ત્યારે ?