________________
૧૩૦
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
માંકણને તો ભગવાને માણસ જાતિના કહેલા છે. માંકણને તિર્યંચમાં નથી ગણ્યા, મનુષ્ય દેહમાં ગણ્યા છે. (એને સ્વદજ કહેવાય.) તેમને અસંજ્ઞી મનુષ્યો કહે છે.
આહાર ફક્ત મનુષ્યનું લોહી આ માંકણ માણસમાંથી આવેલા છે ને તે માણસનું જ લોહી પીવે છે, બીજું ખાતા નથી એ. એમનો ખોરાક જ આ છે. આ આપણા લોકો જેવા નથી એ લોકો. આપણા લોકો તો જો કંઈક જમાડેને અને જો પેલો કહે, કે “જોઈતું હોય તો લઈ જાવ.” તો દસ-વીસ લાડવા હલ લઈ આવે એવા. આમને એવું કશું નહીં. ત્યારે ક્યાં જાય બિચારા એ ? એટલે માણસના બ્લડ (લોહી) સિવાય કોઈનું બ્લડ એમને ખપતું નથી.
પ્રશ્નકર્તા : બરાબર છે.
દાદાશ્રી : ક્યાં જાય છે, એમ કહો. કઈ કઈ એવી હૉટલો હોય કે ત્યાં આગળ એ જાય ? કારણ એમનો ખોરાક જ આ છે, બીજો કોઈ ખોરાક નથી. સ્પેશિઅલ ફૂડ જ આ છે. જો બીજું ફૂડ હોય તો આપણે લાવીને ખવડાવીએ. તે મનુષ્યનું લોહી પાછું, જાનવર-બાનવરનું લોહી નહીં ચાલે. મનુષ્યનું લોહી જ એમનો ખોરાક. જો ઘી-દૂધ ખાતા હોય તો હમણે આપીએ. પણ એ લે નહીં, અડે નહીં બિચારા. આપણી હૉટલ (દેહ)માં જે છે એ જ એનો ખોરાક, બીજે ક્યાં જાય એ ? આ બધા વિચારો કરી નાખેલા મેં. એક વિચાર કરવામાં બાકી નથી.
નિર્ભય કર્યા તે નિરાંતે જમાડતા એટલે પછી એમને ખોરાક જમવા દેતો હતો. ‘જમીને જાવ, આવ્યા છો તો. આ હૉટેલ સારી છે, જમીને જાવ નિરાંતે. ભય પામશો નહીં.” એ મારા હાથમાં આવે, પકડાઈ હઉ જાય. એક-એક મારા હાથમાં આવે, પણ ભય પામે નહીં. એ સમજી ગયેલા, આ ના મારે. બધુંય સમજે, આ જીવમાત્ર સમજે કે મને મારશે કે નહીં. તમારા ભાવને ઓળખી જાય. એક મનુષ્યો જ સામાના ભાવને ઓળખતા બહુ વાર લગાડે.