________________
૧૦૨
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
જાય પાછું. આપણને પોતાને સમજાય કે આ કટેવ ખોટી છે સળગતી નાખવાની, એની પર જાગૃતિ રાખવી પડે.
પાતાની રમતમાં છેતરાયા પૈસાના લોભે પ્રશ્નકર્તા : દાદા, તમે ભૂલો કરી પણ પછી એના ઉપર ખૂબ વિચાર કર્યા છે, જાગ્રત રહ્યા છો, પછી તો એવી કંઈક ભૂલો થઈ હોય ને પાછા તેમાંથી બહાર નીકળી ગયા હોય તેવા પ્રસંગો કહો ને !
દાદાશ્રી : હું નાનપણમાં નડિયાદ ગામમાં સૌથી પહેલાં આવ્યો હતો. તે વખતે અગિયાર-બાર વર્ષની ઉંમર મારી.
પ્રશ્નકર્તા : એટલે પહેલીવાર નડિયાદ આવેલા ?
દાદાશ્રી : હા, પહેલી વખત નડિયાદ. ત્યારે નડિયાદ આવું ન હતું, જંગલ જેવું હતું. નડિયાદ જાનમાં આવેલો. ત્યાં આગળ દસ દહાડા રહ્યો હતો. જાનમાં ગયેલો તે પણ મને યાદ છે બધું !
પ્રશ્નકર્તા : જાનમાં ગયેલા ?
દાદાશ્રી : જાનમાં, ત્યારે બીજા શેમાં જવાનું ? તે જાનમાં ગયેલો. ત્યાં પત્તા રમતા છેતરાયેલો. પેલા ચકરડામાં પાના રમે છે ને ? તે તીનપત્તી રમ્યો ને હારી ગયો.
પ્રશ્નકર્તા : તીનપત્તી રમતા હતા તે વખતે ?
દાદાશ્રી : હા. ત્યારે તીનપત્તી રમતા'તા. તે દહાડે રમવા ગયેલો. મિત્રોય કોઈ દેવ જેવા હતા ? તીર્થકરને તો બધા દેવલોકો મિત્રો થઈને આવે અને અમારે મિત્રો તો પત્તા, પાના કાઢે એવા હતા. પાના રમે છે ત્યારે અહંકાર ઈન્ટ્રસ્ટ (રસ)થી તેમાં સાચું-જૂઠું હઉ કરે. મિત્રોના સંગમાં પણ મૂળ માલ તો મહીંનો જ ને !
ત્યાં આગળ તીનપત્તીમાં છેતરાઈ ગયેલો. પંદર રૂપિયા, તે દહાડે પંદર રૂપિયા ઘરના નહીં, પાછા એક જણે દસ-બાર રૂપિયા આપ્યા હતા, કશુંક લાવવા. મારી પાસે તો બે-ચાર જ રૂપિયા હતા, બીજા પેલાના