________________
૮૬
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
દાદાશ્રી : ચણા છેય ખરા. વેચનારાય છે, બધુંય છે પણ કાળ બદલાયો. શું થયું ? ચણાવાળાની દુકાને જઈને આપણે બૂમ પાડીએ કે “ભઈ, ચણા આપો.' તો કહે, “સવારે આવજે, ભઈ અત્યારે ના હોય કાળ.” એવું આ કાળ બદલાય ને ! મહાવીર ભગવાનને ગયે પચ્ચીસો વર્ષ પૂરા થવા આવ્યા ત્યારે જ્ઞાની પુરુષ નથી ભેગા થયા. થયું કોઈ ? કારણ કે કાળ બદલાયો છે હવે. પણ એકદમ દુનિયા બદલાય-પલટાઈ ના જાય. એ પછી એની અસરો થયા કરે. હવે અવળી અસરો થયા કરે.
પછી બીજો વિચાર આવ્યો કે “શું આમ જ થવાનું છે. આ હિન્દુસ્તાનનું? શું આ વિચારનો ઉપાય છે આપણી પાસે? કોઈ સત્તા છે આપણી પાસે ? કોઈ સત્તા તો છે નહીં, તો આ વિચાર આપણા કામનો નથી. સત્તા હોય તો એ વિચાર કામનો. જે વિચાર સત્તાની બહાર હોય અને એની પાછળ મથ્યા કરીએ એ તો ઈગોઈઝમ છે.”
એકાંતમાં બેસતા મહીંથી મળ્યો જવાબ પછી એક જગ્યાએ એકાંતમાં બેસીને વિચાર કર્યા, બહુ ખેંચ્યું, ત્યાર પછી મહીંથી જવાબ મળ્યો. પછી એમાંથી મને જડ્યું. મહીંથી મને ધક્કો લાગ્યો કે ના, એવું નથી.
તે દહાડે અમને જ્ઞાન નહોતું, જ્ઞાન તો ૧૯૫૮માં થયેલું. ૧૯૫૮માં જ્ઞાન થયું તે પહેલાં અજ્ઞાન તો ખરું જ ને ! કંઈ અજ્ઞાન કોઈએ લઈ લીધેલું ? પણ ત્યારે અજ્ઞાનમાં એ ભાગ દેખાયો કે “જે અવળું જલદી પ્રચાર કરી શકે છે, તે સવળું પણ એટલી જ ઝડપથી પ્રચાર કરશે. માટે સવળાના પ્રચારને માટે એ સાધનો બહુ સારામાં સારા છે. જે સાધનો સ્પીડી કળિયુગ લાવે, એ સાધનો સ્પીડી કળિયુગને કાઢી નાખે.”
જે બગાડનાર સંયોગ છે એ જ સુધારે જોડે જોડે એમેય વિચાર આવ્યો’તો કે જે વસ્તુ આટલી બધી સ્પીડથી સંસ્કારહીન કરી નાખે છે દેશને, એ જ વસ્તુ પછી એટલી જ સ્પીડથી સંસ્કારવાળું કરી નાખે. જે બગાડનાર સંયોગ છે એ જ સુધારે.