________________
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
છે, તે આજે ત્રીજું મૂકીને બનાવજે. પાનવાળો કહે, ‘ફાવશે?” મેં કહ્યું, ફાવશે.” તે ત્રણ પાનવાળું બીડું લીધું. પછી તેમાંથી એક પાન કાઢીને બીજા કાથો ચોપડેલા પાન સાથે ઘસીને બીજું પાન બનાવ્યું ને ભાઈબંધને આપ્યું. અમે નાનપણથી જાગૃતિપૂર્વક રહેતા. કાચના પ્યાલા ના ફૂટે અમારાથી એવી રીતે રહેતા.
ઊડ્યો તો છાંટો કપડું ધોવામાં નાનપણમાં અમારે ત્યાં ખેતરોમાં પંપ મૂકતા, બોઈલરનું પાણી ઠંડું કરવાનું. તે ગરમ પાણી નીકળે, ફ્રી ઑફ કૉસ્ટ. ગરમ નીકળે એટલે ત્યાં કપડાં લઈ જઈને ધોઈ નાખીએ. પછી એક જ રહ્યું છેલ્લે (પહેરેલું હોય કપડું તે), તે છાંટા-બાંટા ના ઊડે એવી રીતના પાણી ધીમું કરીને એક બાજુમાં લાવીને ધોઈ નાખીએ. જરાય છાંટા ના ઊડે. આમ આમ થોડું નીચે રાખીને છાંટા પણ ના ઊડે એવું, નાહવા-ધોયેલા. સાબુના છાંટા ઊડ કે પાછું ધોવું પડે. એ તો ત્યાં સત્તર વર્ષેય બુદ્ધિ હોય એટલી તો. એટલી બુદ્ધિ ના હોય તો શું કામનું? પણ આમાં (વ્યવહારમાં) હોય, એ જ રીત અહીં (જ્ઞાનમાંય) છે આ.
બધા કપડાંને ધોઈ નાખે એ પછી, નાહ્યા પછી એક કપડું રહ્યું તેય ધોવું તો પડે જ ને? પણ છાંટા ના ઊડે એવી રીતે સાચવીને ધોઈ નાખવું. પહેલાં, બીજા કપડાં ધોઈ નાખ્યા સાબુ ઘાલીને, માર ધાંધલ ધાંધલ કરીને. ત્યારે માથામાં સાબુ ઊડે તોય વાંધો નહીં, પણ નાહ્યા પછી સાબુ ના ઊડે એવી રીતે આ છેલ્લું કપડું ધોઈ નાખે. ના ધોવું પડે ?
વહેલા ઊઠવા કરેલી કળા પ્રશ્નકર્તા : બીજા અખતરા શું કરતા તમે ?
દાદાશ્રી : એક ફેરો હું છે તે બાવીસ-ત્રેવીસ વર્ષનો હતો, ત્યારે બહારગામ જવાનું હતું. ઘેર કોઈ નહીં, એકલો હતો. મારે વહેલું ગાડીમાં જવાનું હતું. વડોદરાથી સાડા છ-પોણા સાતે ગાડી ઊપડે એમાં. અને અમારે તો સવારે ઊઠવામાં ભાંજગડ બધી. ઠેઠ સાડા અગિયાર સુધી નાસ્તા ચાલે રાતના, તે સવારમાં ઊઠાય નહીં.