________________
[૩] એ જમાનામાં કરી મોજમજા
૮૧
પ્રશ્નકર્તા : સાડા અગિયાર.
દાદાશ્રી : હા... સસ્તા નાસ્તા ને હૉટલો ફર્સ્ટ ક્લાસ અને આ આવું નહીં, આ બધું ગંધારું નહીં ! તે પછી મેં કહ્યું, “શું કરીશું હવે ? સવારમાં ઊઠાય નહીં તો ગાડી ચૂકી જઈશું અને કાલે સવારમાં વહેલી ગાડીમાં ગયા વગર છૂટકો નથી.”
એટલે બાવીસ વર્ષની ઉંમર ને તોફાની જિંદગી, એટલે પછી મેં કળા ખોળી કાઢી. મેં કહ્યું, ‘નળ ખુલ્લો રાખો અને ડોલ ઉપર એક થાળી મૂકો.” તે મેં તો એક થાળી આમ મૂકી અને નળ ઊઘાડો મૂક્યો, ગગડાટ થાય એટલે.
તે ડોલની ઉપર થાળી મેલીને, તે સવારે થાળી પર પાણીનો ધડ ધડ ધડ ધડ અવાજ થયો. તેય પાણીનો સમય પૂરો થતા બંધ થઈ ગયો ને પછી હું પા-અડધો કલાક થયો ત્યારે જાગ્યો. સાડા સાતે ઊઠ્યો બળ્યો, તે ગાડી જતી રહી. થાળી મૂકેલી તે ઘણો અવાજ થયો પણ જાગે તેને ને ! સવારમાં ચૂકી ગયા અને ભાઈ એકલા પડ્યા એટલે નિરાંતે સૂર્યનારાયણ આવ્યા પછી ઊઠ્યા.
અખતરા તો બધાય કરી જોયેલા. હવે થાળીમાં આવો ખખડાટ થયો તોય ના ઊઠાયું તો ઘડિયાળની પેલી ઘંટડી વાગે એનો શો હિસાબ તે ? અને પહેલાં આ ઘડિયાળ ઘંટડી ફરે ને, એવા ઘંટડીવાળા ઓછા આવતા. પહેલાંના એ ચાવીવાળા ઘડિયાળ નહીં. પહેલાં તો ઘડિયાળ ગજવામાં રાખતા'તા, એ પેલા ઘડિયાળો. એ કામ લાગે નહીં. જવાનીમાં બાવીસ વરસની ઉંમર અને એ તો સવારની ઊંઘ કેવી ભારે હોય ?
હવે તે દહાડે જાણેલું નહીં કે પાંચ વખત પમ્પિંગ મારેલું હોત કે સવારમાં વહેલું ઊઠવું જ છે, ઊઠવું જ છે' એવું પમ્પિંગ મારીને સૂઈ ગયા હોય તો પંપ ફૂટત. નક્કી કરીને સૂઈ જાને કે મારે છની ગાડીમાં જવું છે. તે પાંચ વાગે ઊઠી જવું છે” એવું નક્કી કરીને પાંચ વખત બોલ બોલ કર અને પછી સૂઈ જા છાનોમાનો ઓઢીને. એ પછી ઝબકીને જાગી જશે. પહેલું બોલ્યો છે તેનું રિએક્શન આવશે, નહીં બોલો તો નહીં આવે.
પ્રશ્નકર્તા : એવું થાય જ છે, બરાબર છે.