________________
૬૪
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
નહીં પેસવા દે, એ અપમાન જ કરતા હશે તો આપણે પાનની દુકાન કાઢીશું.
જોડે જોડે મેં તો પછી નક્કી એ કરેલું, કે ફાધર કે બ્રધર (કોઈ) પૈસા નહીં આપે તો ? આપણે ભઈનું કંઈક ના માન્યું એટલે પછી ભઈ અડવા નહીં દે તો ? ભઈ જો કશુંય સહકાર નહીં આપે, અસહકાર કરશે તો મારા મિત્ર પાસેથી થોડા પૈસા લઈને, પચાસ રૂપિયા લઈને પાનની દુકાન કરીશ એવું નક્કી કર્યું હતું. એમને ધંધામાં ઘાલવો હશે તો ઘાલશે, નહીં તો આપણે પાનની દુકાન કાઢીશું.
જેની પાસે સંતોષરૂપી ધન છે બાળપણથી, એને શું દુઃખ હોય ? જ્ઞાન નહોતું તોય સંતોષરૂપી ધન હતું.
છૂટવા માટે સાંભળી લીધી કચકચ મેટ્રિકમાં ફેલ થયો એટલે પછી બ્રધર કહે છે, “ફેલ થઈ ગયો ? મેં કહ્યું, “હા.” પછી બ્રધરે કહ્યું, “કેમ તું ફેલ થયો ? મહેનત ના કરી તે ?” ત્યારે મેં કહ્યું, “મહેનત કરી પણ હવે પરિણામ ના આવ્યું તેનું હું શું કરું ? મગજ ચાલતું નથી. બ્રેઈન ખલાસ થઈ ગયું છે. હવે આવડતું નથી.” ત્યારે ભઈ કહે, “પહેલાં બહુ સારું આવડતું હતું. મેં કહ્યું, “ગમે તે હો પણ બ્રેઈન ખલાસ થઈ ગયું છે, કંડમ થઈ ગયું છે હવે.
એટલે મોટાભાઈ કહે, “લે, આ હારુ તને ના આવડ્યું. મૂઆ, નાપાસ થયો. તને કશું આવડતું નથી. બધા વર્ષો બગાડ્યા.” મેં કહ્યું, “જે થયું એ થયું, હવે તમે કહો એમ કરીએ.” તે મોટાભાઈ કહે છે, “તું તો નાપાસ થયો. હવે શું કરીશ ? તું હજુ આવતી સાલ આ પરીક્ષા દે. ખૂબ મહેનત કર ફરી, એ પાસ થઈ જા. આપણે વિલાયત જવાનું છે.”
મેં બ્રધરને કહ્યું, “મને આવડશે નહીં આમાં. ભલીવાર નહીં આવે. એટલે મને બીજા વર્ષનું નુકસાન થશે. પાંચ વર્ષ લાગશે તોયે પાસ નહીં થવાનો, ઊલટું ટાઈમ નકામો જશે.” એટલે પહેલાં તો થોડા દહાડા બ્રધર બોલ્યા, કચકચ કરી. ફાધરેય કચકચ કરી. આપણે જાણ્યું કે ભલે કચકચ કરી પણ આપણે છૂટ્યા ને !