________________
[૨.૨] મેટ્રિક ફેલ
૫૯
પ્રશ્નકર્તા: ફોર્મ ભરવાનું.
દાદાશ્રી : ફોર્મ ભરવાનું હોય છે કંઈક. તે ફોર્મને લાયક થયા હોય તે તો પરીક્ષા અપાઈ ગયેલી. તે સાહેબ ફોર્મ નહોતા આપતા ત્યાં.
પ્રશ્નકર્તા : દાદા, માસ્તરે તમને ફોર્મ આપવાની ના કેમ પાડેલી ?
દાદાશ્રી : શેનું ફોર્મ આપે પણ, મહીં સ્કૂલે આવે તો ને ? આબરૂદાર (!) બહુ એટલે ફોર્મ વહેલું આપે ને ! ઝઘડાખોર, તોફાનબોફાન બધુંય. તે ફોર્મ તરત આપી દે ને, નહીં ? લાગણી તો કંઈ હોય નહીં ને માસ્તરને ! કોઈ માસ્તરને લાગણી હોય નહીં, કારણ મને ભણવા ઉપર પ્રીતિ જ નહીં ને !
તે માસ્તર ત્યાં ફોર્મેય નહોતા આપતા. એટલે પછી જાહો બાંધીને (ધમકી આપીને) લીધું એમની પાસેથી. મેં કહ્યું કે જો ફોર્મ નહીં આપો તો બધાની વચ્ચે મારીશ. તે માસ્તરને મારવાની ધમકી આપી ત્યારે ફોર્મ આપ્યું. માર્યા વગર નહીં છોડું આપને, ફોર્મ નહીં આપો તો. એવી રીતે ફોર્મ લીધેલું. લો બોલો, આવા કેટલા અક્કલવાળા અમે ! અમારા કરતા શિંગડાવાળા સારાને ! એટલે આ તો બળદ જ છે, જ્યારે અહીં વગર બળદે અમારી બીક લાગે છે. એટલે ભારે તોફાન !
તે મહાપરાણે મારું ફોર્મ આપ્યું પેલા લોકોએ ગાળો દેતા, કે આ છોકરાને આપવાનું નથી છતાં એ ઝઘડાખોર છે, નકામો ઝઘડો કરશે, માટે આપો. એ જાણે કે આ મૂઓ કંઈક મારી દેશે. તે જુઓ ને, બિચારા એ જ માણસે બીકના માર્યું જેને મેં કહ્યું હતું ને, એણે જ મને ફોર્મ આપ્યું.
પ્રશ્નકર્તા : પછી પરીક્ષા આપવા વડોદરા ગયા'તા ને ?
દાદાશ્રી : હા, વડોદરા, આ આપણી કૉલેજમાં. આ અહીં ફોર્મ આપેલું ને, એટલે ત્યાં ગયેલા કૉલેજમાં, ત્યાં આપણી યુનિવર્સિટીમાં. એને શું કહે છે ?
પ્રશ્નકર્તા : એસ.એસ.સી. બોર્ડ,