________________
૨૬
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
ભણ-ભણ જ કરવાનું, બસ. પછી મા-બાપને શું થાય છે, તકલીફ શું છે કે મા-બાપ શેમાંથી કમાય છે, ખાય છે, એવું કશું જ જોવાનું નહીં. પૈસા
ક્યાંથી આવે છે એવું કશું નહીં. એ તો જાણે કે નળમાંથી આવે છે. નળ ઊઘાડીશું ને પૈસા આવશે. એટલે આ તો સારું છે કે આ કુદરતી આવા છોકરાં પાક્યા ને, ત્યારે હિન્દુસ્તાનનું ભલીવાર આવશે.
એકલું ભણ ભણ કરવાની દાનતમાં હોય, વેદિયો. ‘વેદિયો’ શબ્દ આપણા કહે ને મહીં ?
પ્રશ્નકર્તા: હા, હા, બુકવૉર્મ, ચોપડીનો કીડો.
દાદાશ્રી : ના, બુકવૉર્મ જુદા ને વેદિયા જુદા પાછા. વેદિયો એટલે શું? જે એક કામ ઝાલ્યું તેમાં જ મૂઓ હોય અને બુકવૉર્મ એટલે બુકમાં જ હોય છે. આ વેદિયો તો બધામાં વેદિયો હોય મૂઓ. અને જગત શું માગે છે ? સાત સમોલિયો માગે છે. વેદિયા નહીં. એવરી ડિરેક્શનવાળા (બધી દિશાવાળા) માગે છે. બધી ડિરેક્શનમાં જાગૃતિ જોઈશે. ત્યારે પહેલાંના લોકોને ભણતા આવડતું નહોતું. તમારા-મારા વખતમાં ભણતા આવડતું નહોતું ને બહુ ઓછા માણસો પાસ થતા હતા અને આજે ગમે તે માણસના છોકરાં, ગમે તે નાતના છોકરાઓ ગ્રેજ્યુએટ થાય છે, ડૉક્ટર થાય છે. તે મને એક જણે પૂછયું, “શું આ છોકરાંઓ હોશિયાર છે ? આ જમાનો કેવો !” ત્યારે મેં કહ્યું, ‘પહેલાં ડફોળ હતા એવું તું કહું છું ? અને તેમાંના અમે ? આજના છોકરાઓ હોશિયાર ? અમે નાપાસ થયા એટલે અમે ડફોળ ?” આ આજના છોકરાઓને ભાન જ નથી કંઈ. એક જ, ભણવાનું, ભણવાનું ને ભણવાનું. બીજું કશું ગણવાનું તો સમજ્યા જ નથી. એ ભણે જ છે, ગણેલા નથી એ અને આપણા વખતમાં તો ગણતર અને ભણતર બન્ને સાથે ચાલતું હતું. ગણતર વધારે ચાલતું હતું ઊલટું ! અને અત્યારે તો ભણતર, તેય એક જ લાઈન, પછી એ આવડી જ જાય ને ! એમાં બીજું શું કરવાનું?
ચાર વર્ષ સુધીનું બધુંય યાદ પ્રશ્નકર્તા: આવી નાનપણની આપની બીજી વાત કહો ને !