________________
[૨.૨]
મેટ્રિક ફેલ વિલાયત મોકલી સૂબા બતાવવાની ઈચ્છા પ્રશ્નકર્તા : દાદા, તમે બ્રિલિઅર (તેજસ્વી) હતા તો મેટ્રિક ફેલ (નાપાસ) કેમ થયા?
દાદાશ્રી : મને તો એક ક્ષણ પોસાતું નહોતું આ જગત. મને તેર વર્ષે એમ થયું'તું કે મારે બૉસ ના હોવો જોઈએ. અને પંદર વર્ષનો થયો ત્યારે બ્રધર કોન્ટ્રાક્ટનો ધંધો કરતા'તા બરોડામાં. તે ઘેર આવીને મોટાભાઈ ને અમારા પિતાશ્રી હતા, એ બે ભેગા થયા. મારા બ્રધર ફાધરને કહે છે, કે આ અંબાલાલ છે તે મેટ્રિક પાસ થઈ જાય સારી રીતે, એટલે એને વિલાયત ભણવા મોકલીએ. મારા ફાધર ને મોટાભાઈ વાત કરતા'તા, એ હું સાંભળતો હતો.
એટલે બ્રધર શું કહે છે, ભણાવવાનો ખર્ચો થોડો હું વધારે કરીશ, પણ આને આગળ ભણાવજો સારો. આપણે એ મેટ્રિક પાસ થઈ જાય એટલે ત્યાં જ મોકલવો છે સીધો જ ઈગ્લેન્ડ, લંડન મોકલી દઈએ. એક વર્ષ વધારે રાખીશું અને સૂબો થઈને આવે.
અમારા બ્રધર કોન્ટ્રાક્ટનો ધંધો કરે એટલે તે સારું કમાતા'તા. જરા કંઈક હાથમાં સગવડ ખરી, હિંમત ખરી. પૈસાની છૂટ થયેલી થોડી-ઘણી, પણ લાંબી નહીં. પણ એ જમાનામાં એમને છૂટ થયેલી. એટલે કંઈક