________________
[૧૩] નાનપણથી ગણતર ઊંચું
૨૭
દાદાશ્રી : ચાર વર્ષે હું ખોવાઈ ગયો હતો બોરસદમાં. તે હજુય મને યાદ છે કે ખોવાઈ ગયેલ સ્થિતિમાં કેવું થયું'તું ને કેવું નહીં !
અમારા મોટાભાઈ મણિભાઈ ઘોડા પર આગળ બેસાડીને બોરસદ લઈ ગયેલા. ત્યાં એક ઓળખાણવાળા દુકાનદારને ત્યાં મને બેસાડ્યો ને પછી મણિભાઈ એમના કામે ગયા. દુકાનદારને ત્યાં કેટલી વાર ગમે ? એક-બે થોડી ગોળીઓ આપી હોય, તે ચાલે ત્યાં સુધી ગમે. પછી હું તો બહાર નીકળી પડ્યો, રમવા. દુકાનદારે ગોળીઓ આપેલી તે હજુય દેખાય મને, ગોળીઓ કેવી હતી તે !
બહુ વાર થઈ એટલે પછી મણિભાઈને ના દીઠા, કોઈ ઓળખાણવાળુંય ન દેખાયું એટલે રડવા માંડ્યો. એટલે પછી લોકો ભેગા થયા અને પછી પોલીસવાળા પોલીસ ગેટ ઉપર લઈ ગયા. પછી ત્યાંથી લોકોને ખબર આપી કે કોઈનો છોકરો ખોવાયો છે. તે એમ કરતા કરતા અમારા મોટાભાઈ મને લેવા માટે પાછા આવ્યા. તે બધું હજુય યાદ, ચાર જ વર્ષની ઉંમર ત્યારે.
મોહી જીવ તો ભૂલી જાય પ્રશ્નકર્તા : દાદા, આટલું જૂનું ચાર વર્ષના હતા ત્યારનું બધું આપને યાદ છે !
દાદાશ્રી : જ્ઞાન પહેલાં હું તમને પાંચ વરસનો હતો ત્યાં સુધીનું યાદશક્તિએ કરીને કહી આપું, કે અમુક દિવસે આવું થયું હતું ને અમુક દિવસે આવું થયું હતું, પણ પછી અમે વીતરાગ થઈ ગયા. એટલે પછી હવે બધું ભૂલી ગયા. હજુયે મહીં ઉપયોગ મૂકીએ તો દેખાય કે પાંચ વર્ષે આવું થયું હતું.
પ્રશ્નકર્તા : અમારા જેવાને તો ઉપયોગ ના હોય પણ તમને તો બહુ સારું દેખાય છે, ચોખેચોખ્ખું દેખાય છે !
દાદાશ્રી : બધાને યાદ ના રહે આ બધું, કારણ મોહી જીવડાને. રડવાને ટાઈમે રડે, પાછો હસવાને ટાઈમે હસેય ખરો. અલ્યા, શું થયું?