________________
[૧૨] નિર્દોષ ગ્રામ્યજીવન
૨૧
આવ્યો પણ ત્યારે અમારી જોડે એક બ્રાહ્મણ હતો, અંબાલાલ મૂળજીભાઈ કરીને.
પ્રશ્નકર્તા: એનું નામેય અંબાલાલ મૂળજીભાઈ ?
દાદાશ્રી : હા. હૉલમાં એનો નંબર લાગુ થયેલો. ત્યાર પછી મને કહે છે કે હૉલમાં તમારો નંબર છે ને મારો પેલી જગ્યાએ છે. ત્યારે મેં કહ્યું, ના, હૉલમાં તારો છે. તે જોઈ આવ. એટલે એ સમજી ગયો બિચારો કે હૉલમાં એનો છે. એટલે પછી હૉલમાં ગયોને, તો હૉલમાં ગયા પછી એને શું થયું? કે આ હૉલ કેટલો ઊંચો છે, એ જોયું. પછી ઘુમ્મટ-બુમ્મટ જોયા ને, પછી ત્યાં ને ત્યાં દિલ ઠરી ગયું એનું. આવું જોયેલું જ નહીં ને બિચારાએ. આવડો મોટો ઘુમ્મટ ! એની કલ્પનાની બહાર ઊડી ગયું અને એકાદ નસ ખેંચાઈ ગઈ, હં.
પ્રશ્નકર્તા: નસ ખેંચાઈ ગઈ ?
દાદાશ્રી : તે મૂઓ ઘનચક્કર જેવો થઈ ગયો ! બહાર નીકળ્યા પછી તે ઘેર મોકલવો પડ્યો એને. હા, એનું મગજ ખસી ગયું.
પ્રશ્નકર્તા : ખસી ગયું !
દાદાશ્રી : પરીક્ષા નહોતી અપાઈ બિચારાથી. જુઓને, ક્યાંથી નંબર ત્યાં લાગ્યો. તે આવું જોયેલું જ નહીં ને ! દુનિયા જ જોયેલી નહીં ને !
પ્રશ્નકર્તા : પછી જ્ઞાની અંબાલાલ, બીજા અંબાલાલને ફરી મળ્યા'તા, દાદા? પછી એમને ફરી તમે મળેલા ?
દાદાશ્રી : ના, પણ પછી એની ફરી પરીક્ષા લેવાયેલી, એની પ્રાઈવેટલી પરીક્ષા લીધેલી અને પછી રાગે પડી ગયું એને તો.