________________
અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમ કે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય, તેનો કોઈને વિષે ક્ષય પણ ન હોય નહીં. ત્રીજું પદ :- આત્મા કર્તા છે ઃ સર્વ પદાર્થ અર્થક્રિયાસંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયાસંપન્ન છે. ક્રિયાસંપન્ન છે માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે; પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજસ્વરૂપનો કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે. ચોથું પદ :- આત્મા ભોક્તા છે ઃ જે જે કંઈ ક્રિયા છે તે સર્વ સકૂળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ; સાકર ખાવાથી સાકરનું ફળ; અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ; હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કર્તા હોવાથી ભોક્તા છે.
પાંચમું પદ :- મોક્ષપદ છે. જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોક્તાપણું નિરૂપણ કર્યું. તે કર્મનું ટળવાપણું પણ છે; કેમ કે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે, તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે.
છઠ્ઠું પદ :- તે મોક્ષનો ઉપાય છે : જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય, તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં; પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્ત્યાદિ સાધન પ્રત્યક્ષ છે; જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષપદના ઉપાય છે. (૧.૪૯૩ માંથી)
૩૬૨
છ પર્યાપ્તિ :આહાર, શરીર, ઈંદ્રિય, ભાષા, શ્વાસોચ્છવાસ, અને મન. (૨) આહાર, શરીર, ઈન્દ્રય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન એ છ પર્યાપ્તિ, જીવ ગર્ભમાં આવ્યા પછી અંતર્મુહર્ત પૂર્ણ કરે.
છ પર્યાપ્તિઓ :આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મન એ છ પર્યાપ્તિઓ કહેવાયા છે.
છ સામાન્ય ગુણોનું પ્રયોજન :
(૧) કોઈ દ્રવ્યની કદી ઉત્પત્તિ કે નાશ નથી, માટે કોઈ કોઈનો કર્તા નથી-એમ અસ્તિત્વગુણ સૂચવે છે.
(૨) દરેક દ્રવ્ય નિરંતર પોતાની જ પ્રયોજનભૂત ક્રિયા કરે છે તેથી કોઈ દ્રવ્ય એક સમય પણ પોતાના કામ (કાર્ય) વિના નકામું હોતું નથી-એમ વસ્તુત્વગુણ બતાવે છે.
(૩) દરેક દ્રવ્ય નિરંતર પ્રવાહક્રમે પ્રવર્તતી પોતાની નવી નવી અવસ્થાઓને સદાય
પોતે જ બદલે છે, માટે કોઈના કારણે પર્યાય પ્રવર્તે કે રોકાય એવું પરાધીન કોઈ દ્રવ્ય નથી-એમ દ્રવ્યત્વગુણ બતાવે છે.
(૪) દરેક દ્રવ્યમાં જણાવા યોગ્યપણું હોવાથી જ્ઞાનથી કોઈ અજાણ્યું (ગુપ્ત) રહી શકે નહિ, તેથી કોઈ એમ માને કે અલ્પજ્ઞને નવ તત્ત્વો શાં ? આત્મા શું ? ધર્મ શું ? એ ન જણાય; તો તેની તે માન્યતા ખોટી છે; કેમ કે જો યથાર્થ સમજવાનો પુરુષાર્થ કરે તો સત્ય અને અસત્યપણું સ્વરૂપ (સમ્યગ્ મતિશ્રુતજ્ઞાનનો વિષય હોવાથી) તેના જ્ઞાનમાં અવશ્ય જણાય-એમ પ્રમેયત્વગુણ બતાવે છે.
(૫) દરેક દ્રવ્યની દ્રવ્યતા કાયમ વ્યવસ્થિત રહે છે, તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ; પર્યાય દ્વારા પણ કોઈ બીજા ઉપર અસર, પ્રભાવ, પ્રેરણા, લાભ-નુકસાનાદિ કાંઈ કરી શકે નહિ.
દરેક દ્રવ્ય પોતાના ક્રમબદ્ધ ધારાવાદી પર્યાય વડે પોતાનામાં જ વર્તે છે. એ રીતે દરેક દ્રવ્ય પોતામાં વ્યવસ્થિત નિયત મર્યાદાવાળું હોવાથી કોઈ દ્રવ્યને બીજાની જરૂર પડતી નથી, એમ અગુરુલઘુત્વગુણ બતાવે છે.