________________
(૧) આ ચારે કષાયને જીતવાનો ઉપાય શ્રીમદે અપૂર્વ અવસરની ૭મી કડીમાં બતાવ્યો છે. જલ્દી અસર કરનાર અને જલદી નાશ પામે તેવો કષાય તે ક્રોધ છે. ચારે કષાયમાં સહેલાઇથી જીતી રકાય તેવો કષાય ક્રોધ હોવાથી શ્રીમલે સૌ પ્રથમ તેનો નાશ કરવો ઇચ્છયો છે. માણસનું જયારે કંઇ ધાર્યુ ન થાય, કંઇ પ્રતિકૂળ બને ત્યારે તેને તરત જ ક્રોધ આવે છે. આ ક્રોધ અન્ય વ્યકિતને બાળે તે પહેલાં તો તે ક્રોધ કરનારને જ બાળે છે. તેથી તેનો નાશ કરવો યોગ્ય છે. તેનો નાશ કરવાનો ઉપાય ક્રોધનો ઉદય પ્રતિ ક્રોધ કરવો તે છે. એમ કઇ રીતે થઇ શકે તે સમજાવતાં શ્રીમદે ઉપદેશ નોંધ પૃ.૬૭૮માં જણાવ્યું છે કેઃ=
ક્રોધાદિનો કષાયનો ઉદય થાય ત્યારે તેની સામા થઇ તેને જણાવવું કે તે અનાદિ કાળથી મને હેરાન કરેલ છે. હવે હું એમ તારું બળ નહિ આલવા દઉં, હું હવે તારા સામે યુધ્ધ કરવા બેઠો છું. ક્રોધ એ આત્માનો સ્વભાવ નહિ પણ વિભાવ છે, તેથી તેનો ઉદય આવે ત્યારે તેને પોતાના કર્મનો ઉદય સમજાવાથી તેની સાથે લડવાની શકિત સાધકમાં આવે છે.
(૨) માન એ ક્રોધ કરતાં પણ મહાન શત્રુ છે. એ અનેક પ્રકારે જીવમાં પ્રવર્તતું જોવા મળે છે. જીવને પોતાનાં રૂપ, વિદ્યા, જ્ઞાન, સંપત્તિ, ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ આદિનું માન હોવા ઉપરાંત મને માન નથીનું માન પણ તેને હોય છે. મુનિ પણ આ માનની જાળમાં ઘણી વખત લપટાઇ જાય છે. માનથી કેવી હાનિ થાય છે. તેનું ઉદાહરણ સનત્કુમાર ચક્રવર્તી તથા બાહુબળની કથામાં મળે છે. આવા માનનો નાશ કરવા માટેનો ઉપાય “દીનપણાનું માન’ સેવવાનો છે. તીર્થંકર પ્રભુના રૂપ, ગુણ, જ્ઞાન આદિ પાસે પોતાનાં રૂપ, ગુણ, જ્ઞાન આદિ સિંધુમાં બિંદુ સમાન છે. તેની પ્રતીતિ પોતાનું માન ગાળવા સાધકે રાખવાની હોય છે. પૂ.શ્રી કાનજી સ્વામી જણાવે છે તેમઃ
૭૮૪
સાધકને પૂર્ણ શુધ્ધ પરમાત્મ સ્વરૂપની પ્રતીતિ અંતરમાં વર્તે છે. તેથી જાણે છે કે મારી વર્તમાન દશામાં હજુ અસ્થિરતાની નબળાઇને લીધે હું પામર છું, એટલે કે પૂર્ણ સ્વરૂપનો દાસાનું દાસ છું એવો વિવેક હોવાથી વીતરાગી સત્ પુરુષનું બહુમાન કરે છે. પરમાર્થે પોતાના સ્વરૂપની તે ભક્તિ છે. મારો પૂર્ણ સ્વભાવ હજુ ઊઘડ્યો નથી માટે અભિમાન કેમ કરું ? એમ જ જાણતો થકી તે સ્વરૂપની મર્યાદામાં વર્તે છે.
શ્રી તીર્થંકર પ્રભુની મહાનતા પાસે પોતાની પામરતા વિચારવી એ જ માન ગાળવાનો શ્રેષ્ઠ ઉપાય છે.
(૩) માયા-એ ક્રોધ તથા માન કરતાં પણ વધુ સૂક્ષ્મ છે. પોતામાં માયા પ્રવેશી છે તેનો ખ્યાલ પણ કેટલીક વાર જીવને આવતો નથી. કોઇ પણ જાતનો લાભ લેવા માટે, મનમાં હોય તેથી વિરૂધ્ધ બોલવું કે આચરવું તે માયા કહેવાય છે. મન, વચન, અને કાયાની એકતા ન હોય ત્યાં માયાનો પ્રવેશ સિધ્ધ થાય છે. પોતાની ભૂલ કોઇ ન જાણે અને જાણે તો ઘણા નાના સ્વરૂપમાં જાણે, તેવી જાતની ઇચ્છા પણ માયાને લીધે થાય છે. આમ માયા એ આત્માનો વિભાવ છે. અને તેના થકી બીજા કેટલાય દુર્ગુણો આત્મામાં પ્રવેશે છે. તેથી માયાનો નાશ કરવો ઉચિત છે. માયાનો નાશ કરવાનો સૌથી અસરકારક ઉપાય તેની સામે સાક્ષી ભાવે-ઉપેક્ષાવૃત્તિથી રહેવું તે છે. માયા થાય તો તેને કોઇ જાતનું મહત્વ ન આપવુ અંતે થાકીને તે નાશ પામશે. માયા સામે નિષ્કપટપણું તથા સરળપણું સાક્ષીભાવે અજમાવવાની શ્રીમદ્ની નેમ છે.
(૪) લોભ= ચોથા કષાય તે લોભ છે. તે સૌથી સૂક્ષ્મ અને સૌથી ચીકણો એટલે કે સૌ પહેલાં પ્રવેશે અને સૌની અંતે જાય તેવો આ કષાય છે. સૂક્ષ્મ લોભ તો દશમાં ગુણસ્થાન સુધી પ્રવર્તે છે. લોભમાંથી બીજા કષાયોની પણ વૃધ્ધિ થાય છે.