Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
અને પાષાણ જુદાં પડી શકે છે, તેમ જ્ઞાનાદિથી જીવ અને કર્મનો વિયોગ થઈ શકે છે. સુવર્ણ અને પાષાણનો અનાદિ સંબંધ છે, પણ તે સંયોગ સંબંધ હોવાથી કોઈ કારણવિશેષથી તેનો વિયોગ થઈ જ શકે છે. કનકપાષાણમાંકનક અને પાષાણનો અનાદિ સંયોગ છતાં કનકને પાષાણથી પ્રયત્ન વડે જુદું પાડી શકાય છે, તેવી જ રીતે પ્રયત્ન વડે જીવ-કર્મનો અનાદિ સંયોગ હોવા છતાં પણ જીવ જો સત્પુરુષાર્થ કરે તો તે પોતાથી કર્મને જુદું પાડી શકે છે. આત્મામાં બંધરૂપ કર્મસંયોગનો પ્રયત્ન વડે નાશ થઈ શકે છે અને તે જ જીવનો મોક્ષ છે.
ખાણમાં જ્યારે સોનું હોય છે ત્યારે માટીની સાથે મિશ્રિત હોય છે, સંયુક્ત હોય છે. તેને બહાર કાઢીને, ભઠ્ઠીમાં તપાવીને, બન્નેનો વિયોગ કરાવવો પડે છે. પ્રયોગ વડે માટી જુદી અને સોનું જુદું થાય છે. આ પ્રમાણે સુવર્ણ અને માટીનો ખાણમાં અનાદિનો સંયોગ હોવા છતાં અગ્નિના યોગ વડે તે સંયોગનો નાશ થાય છે. જેવી રીતે માટી અને સુવર્ણનો સંબંધ અનાદિ કાળનો હોવા છતાં અગ્નિ, ક્ષાર, સુવર્ણકા૨ વગેરેનો યોગ મળતાં તે અનાદિ સંબંધ છૂટે છે અને શુદ્ધ સુવર્ણ પ્રાપ્ત થાય છે; તેવી જ રીતે મનુષ્યભવ, સદ્ગુરુ વગેરેનો યોગ થતાં આત્મા પણ સત્પુરુષાર્થ વડે અનાદિ કર્મ સંબંધથી છૂટી, શુદ્ધ બની મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. જીવ અને કર્મનો વિયોગ થતાં મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે.
જેમ માટીથી છુટું પડેલું શુદ્ધ સોનું ૧૦૦ ટચનું હોય છે, તેમ મુક્ત અવસ્થામાં આત્મા પૂર્ણશુદ્ધ, સંપૂર્ણ કર્મમલરહિત હોય છે. આત્મા પુરુષાર્થ દ્વારા અષ્ટ કર્મનો ક્ષય કરી, સદા માટે કર્મસંબંધથી રહિત થઈ; શુદ્ધ, બુદ્ધ, મુક્ત, સિદ્ધ બની જાય છે. તે આઠે કર્મોનો ક્ષય કરી, કર્મનાં બંધનમાંથી સર્વથા છૂટીને સર્વદા સંસારનો ત્યાગ કરી લોકાએ બિરાજે છે.
આમ, સંતાન અનાદિ છે, તેથી તે અનંત પણ હોવું જ જોઈએ એમ કહી ન શકાય, કારણ કે જેમ બીજ-અંકુરનું સંતાન અનાદિ હોવા છતાં તેનો અંત થઈ શકે છે, તેમ કર્મસંતાન અનાદિ છતાં તેનો નાશ થઈ શકે છે. બીજ અને અંકુરમાંથી ગમે તે એકનો પોતાના કાર્ય પહેલાં જ જો નાશ થઈ જાય તો બીજ-અંકુરની પરંપરાનો અંત આવી જાય છે. તે જ પ્રમાણે જીવ અને કર્મનો સંયોગ અનાદિનો હોવા છતાં સત્પુરુષાર્થ દ્વારા તેનો અંત આવી શકે છે. જીવ-કર્મના અનાદિ સંયોગનો નાશ થઈ શકે છે અને બંધમાં પડેલો જીવ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. એ સ્પષ્ટ છે કે જીવ-કર્મનો અનાદિ સંયોગ હોવા છતાં વિયોગ ઘટે છે, તેથી જીવ અને કર્મનો સંબંધ નષ્ટ થવાથી મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે તે સ્વીકારવું જોઈએ. જે અનાદિ હોય તે અનંત પણ હોય જ એમ માનવું ન જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
–
www.jainelibrary.org