Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૪૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વધુ પ્રમાણમાં છૂટી ગયો છે, તે વ્યક્તિ વ્રતોનું પૂર્ણતઃ ગ્રહણ કરી મુનિ બને છે અને અનુક્રમે મોહનો આવેશ ઘટતાં, તે વ્યક્તિ પૂર્ણ વીતરાગ બને છે.
આમ, જેમ જેમ ચારિત્રમોહનીય કર્મનું પ્રભુત્વ ઘટતું જાય છે, તેમ તેમ જીવ ગુણસ્થાનક આરોહણ ક્રમમાં આગળ વધતા જાય છે. દરેક ગુણસ્થાનકે આત્મસ્થિરતામાં ફરક હોય છે. ચોથા ગુણસ્થાનકે અનંતાનુબંધી કષાયરૂપ ચારિત્રમોહનીય ક્ષીણ થતાં વીતરાગતાનો આંશિક સ્વાદ પ્રાપ્ત થાય છે. આ ભૂમિકામાં આવ્યા પછી છ મહિનાની અંદર ઓછામાં ઓછો એક વખત આત્માનુભવ અવશ્ય થાય છે. જો છ મહિનાની અંદર આત્માનુભવ ન થાય તો તે જીવ ચોથા ગુણસ્થાનકે ટકી શકે નહીં અને પરિણામોમાં પડતી આવવાથી ચોથા ગુણસ્થાનકથી પહેલા ગુણસ્થાનકે પહોંચી જાય છે. જો તેઓ જાગૃત થઈને પોતાનાં પરિણામોને ઊર્ધ્વ ગતિએ લઈ જાય તો પુનઃ ઉપર ચડે છે. ચોથા ગુણસ્થાનકમાં રહેલા સાધક જ્યારે આત્માનુભવ જલ્દી જલ્દી પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરે છે ત્યારે દેશસંયમરૂપ પરિણામોના વિરોધી અપ્રત્યાખ્યાનાવરણ કષાયો મંદ થવા લાગે છે. જ્યારે તેઓ પંદર દિવસમાં ઓછામાં ઓછો એક વાર આત્માનુભવ થવાની યોગ્યતાવાળા બને છે ત્યારે તેઓ પાંચમા ગુણસ્થાનકે આવે છે. આત્મબળ વધતાં આત્માનુભવની ક્ષણો વધતી જાય છે, સંયમવિરોધી પ્રત્યાખ્યાનાવરણ કષાય મંદ બને છે અને છેવટે તેનો અભાવ થાય છે ત્યારે તેઓ છટ્ટ ગુણસ્થાનકે આવે છે. હવે માત્ર સંજવલન કષાય બાકી રહે છે. આ ગુણસ્થાનકે તેઓ અંતર્મુહૂર્તે અંતર્મુહૂર્ત આત્માનો અનુભવ કરવાની યોગ્યતાવાળા હોય છે. મુનિ નિર્વિકલ્પ ઉપયોગમાં લીન રહે છે ત્યારે સાતમે ગુણસ્થાનકે હોય છે અને સવિકલ્પ અવસ્થામાં આવે છે ત્યારે છઠ્ઠા ગુણસ્થાનકે હોય છે. આત્મામાં વધતી સ્થિરતાના કારણે કર્મપ્રકૃતિઓનાં સ્થિતિ તથા અનુભાગ ક્ષીણ થતાં જાય છે અને સાધક સાતમા ગુણસ્થાનકથી આગળ વધે છે. તેમાં કેટલાક સાધક રાગાદિના પૂર્વસંસ્કારોનું ઉપશમન કરતા જાય છે, જ્યારે કેટલાક પૂર્ણ ક્ષય કરતા જાય છે. પહેલા પ્રકારના સાધક કષાયોનું ઉપશમન કરતાં કરતાં દસમા ગુણસ્થાનકને પાર કરી અગિયારમા ઉપશાંતમોહ ગુણસ્થાનકે આવે છે. આ ભૂમિકામાં મોહ ઉપશાંત થઈ જાય છે, પરંતુ દબાયેલા પૂર્વસંસ્કાર તેમને ત્યાં ટકવા દેતા નથી. તે દબાયેલા કષાયો ઊથલો મારતાં એવો ધક્કો લાગે છે કે અગિયારમા ગુણસ્થાનકે પહોંચેલા સાધક નીચલા ગુણસ્થાનકોમાં આવી જાય છે. બીજા પ્રકારના સાધક વિલયના માર્ગમાં છે, ઉપશમનના નહીં. તેઓ શુક્લધ્યાન દ્વારા સંજ્વલન કષાયોને ક્ષય કરતાં કરતાં આગળ વધે છે અને દસમા ગુણસ્થાનકના અંતે મોહનીયકર્મનો સર્વથા નાશ કરી કષાયરહિત - મોહરહિત એવા બારમાં ક્ષીણમોહ ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે. આ પ્રમાણે મોહનીય કર્મનો ક્ષય કરવા માટે આત્મબોધ તથા વીતરાગતા એ અચૂક ઉપાય છે. વિપરીત અભિપ્રાયરૂપ દર્શનમોહ અને સ્વરૂપમાં અસ્થિરતારૂપ ચારિત્રમોહ અનુક્રમે આત્મબોધ તથા વીતરાગતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org