________________
ગાથા-૧૨૦
ભિન્ન છે, તેથી તે અજર છે. (૨) આત્મા અમર છે – આત્મા મરતો નથી, અર્થાત્ અમર છે. દેહનો સંયોગ મટી જાય પછી પણ આત્મા રહે છે. દેહના હોવા પહેલાં પણ આત્મા હતો, અત્યારે છે અને દેહના નાશ પછી પણ રહે છે.
આત્મા ત્રિકાળ શાશ્વત હોવાથી તે અનુત્પન્ન છે. જીવાત્મા કર્મના નિમિત્તથી એક શરીર છોડે છે અને બીજું શરીર ધારણ કરે છે. પુદ્ગલદ્રવ્ય શરીરરૂપે પરિણમે છે. આવા શરીરની ઉત્પત્તિને અજ્ઞાની જીવો પોતાની ઉત્પત્તિ માને છે. પુદ્ગલ રૂપી છે, તેથી તેના પરિણમનરૂપે બનેલી રૂપી પર્યાયને અજ્ઞાની જીવો પોતાની પર્યાય માને છે, અર્થાત્ શરીરરૂપ બનેલી પર્યાયને પોતાની પર્યાય માને છે. જેની ઉત્પત્તિ હોય તેનું મૃત્યુ અવશ્ય થાય છે. આત્મા અનુત્પન્ન છે, તેથી આત્માનું મૃત્યુ થતું નથી. મૃત્યુ શરીરનું થાય છે, જીવનું નહીં. મૂર્ત ઇન્દ્રિયોવાળા શરીરનો વિનાશ થવો તેને જ મૃત્યુ કહેવામાં આવે છે. શરીરના વિનાશ વખતે પણ અમૂર્ત આત્મા તો અસ્પૃશ્ય જ રહે છે. જેવી રીતે અગ્નિથી ઝૂંપડી સળગે છે, એની વચ્ચે રહેલ આકાશ સળગતું નથી; તેવી જ રીતે રોગરૂપી અગ્નિથી શરીરનું જ મૃત્યુ થાય છે, પરંતુ તેની વચ્ચે રહેલ આત્માનું મૃત્યુ થતું નથી. વળી, શરીરનો વિનાશ થાય એટલે તેનો સંપૂર્ણ અભાવ થયો એમ નથી. શરીરનાં પુદ્ગલપરમાણુનો કદી પણ નાશ થતો નથી, પરંતુ પુદ્ગલની જે શરીરરૂપી પર્યાય બની હતી તે પર્યાયનો લય થાય છે. શરીરનાં પુદ્ગલો અન્યરૂપે પરિણમી જાય છે, યુગલનો નાશ થતો નથી. પુદ્ગલદ્રવ્ય તો શાશ્વત જ રહે છે. આમ, શરીર જે પુદ્ગલ દ્રવ્યની પર્યાય છે તે મરે છે. આત્મા તો તે શરીરનો સંગ છોડી ચાલ્યો જાય છે. આત્માનું મરણ નથી. (૩) આત્મા અવિનાશી છે - આત્મા નાશરહિત છે. તે ત્રિકાળી સત્ છે. તે ત્રિકાળ આદિ-અંતરહિત છે. તે અનાદિ-અનંત નિત્ય છે. આત્મદ્રવ્ય સ્વતંત્ર રીતે સ્વયંસિદ્ધ છે. પરથી ન તો તેની ઉત્પત્તિ છે, ન તો તેનો નાશ છે, ન તેનું રક્ષણ થાય છે. તે પોતાની અનંત શક્તિ વડે સ્વયંરક્ષિત છે. તે ત્રણે કાળ આત્મારૂપે જ રહે તેવો શાશ્વત પદાર્થ છે. તેનો કદી નાશ થતો નથી.
આત્માની જે ઉત્પાદ-વ્યય-ધ્રુવત્વશક્તિ છે તે આત્માનો સ્વાધીન સ્વભાવ છે. દ્રવ્ય-ગુણ ધ્રુવ રહીને પર્યાયમાં ક્રમે ક્રમે પરિણમન થયા કરે છે. પર્યાયોનાં ઉત્પત્તિ-નાશ હોવા છતાં પણ દ્રવ્ય ત્રિકાળી, અવિનાશી, સ્થિર છે. ગાડાનું પૈડું ધરીના આધારે સતત ફરે છે. તે પૈડું આખો દિવસ ફરવા છતાં પણ ધરી તો એમ ને એમ ઊભી રહે છે. તે તો અંદર સ્થિર રહે છે - અચળ રહે છે. તેવી જ રીતે આત્મામાં પરિણમન થાય છે, પણ દ્રવ્ય તો સદા સ્થિર - સદા નિત્ય છે. અજ્ઞાની જીવ અસ્થિરતાને જુએ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org