Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૨૪
૭૨૭ શિષ્યની બેડોળતા દૂર કરી સુંદર ઘાટ આપનાર સદ્ગુરુને આ બાબતમાં કુંભાર સાથે સરખાવી શકાય. માટીમાંથી પાત્ર બનાવતી વખતે કુંભાર પોતાનો એક હાથ અંદરની તરફ ધરી રાખી આધાર આપે છે અને બહારમાં બીજા હાથથી ટપલાં પણ મારતો રહે છે. આ રીતે સદ્ગુરુ પણ બને કાર્ય સાથે કરે છે. અલ્પ સમજવાળાને કુંભારનો અંદર રહેલો હાથ દેખાતો નથી, તેથી તેને એમ લાગે છે કે કુંભાર માત્ર ટપલાં મારીને જ ઘાટ ઘડી રહ્યો છે. કાચા શિષ્યને માત્ર સદ્ગુરુની ટકોર જ દેખાય છે અને તેથી તે નારાજ થઈ જાય છે. સાચા શિષ્યને જ્યારે સદ્ગુરુ ટકોર કરે છે ત્યારે તેમનામાં તેને તારણહારનાં દર્શન થાય છે. તે આ ટકોરથી નારાજ થતો નથી. જેને આત્મકલ્યાણ કરવું જ છે, તે તો સદ્ગુરુની ટકોરને આવકારે છે. જેને સદ્ગુરુ ઉપર સાચો પ્રેમ છે તે ટકોર મળતાં વિચારે છે કે “તેઓ મારું કેટલું ધ્યાન રાખે છે! જેમ કુંભારનાં ટપલાં તે માટીનું અપમાન નથી, પણ તેનું સન્માન જ છે; તેમ સદ્ગુરુદેવની ટકોર પણ મારા માટે તો ખુશીનું કારણ છે કે તેમણે મને ઘાટ ઘડવાને પાત્ર તો સમજ્યો!' આમ, સુશિષ્યને સદ્ગુરુના મારમાં પણ મહેરનો અનુભવ થાય છે.
સદ્ગુરુ યુક્તિથી, લાગણીથી, પ્રેમથી શિષ્યના દોષો કઢાવે છે. તેમનો પ્રેમ શિષ્યને જ્ઞાનના પંથે ચઢાવી, તેને કુચારિત્રમાંથી મુક્તિ અપાવે છે. તેઓ શિષ્યની સંભાળ લે છે પણ શિષ્યને પોતાના ઉપર ખોટી રીતે નિર્ભર થવા દેતા નથી. તેઓ જાણે છે કે વધુ પડતી સંભાળ અહિતકારી છે. જેમ નાની નાની વાતમાં બાળકનું વધુ પડતું ધ્યાન રાખનાર મા-બાપ પોતાના સંતાનનો વિકાસ રૂંધે છે, તેમ ડગલે ને પગલે અપાતા નિરાકરણથી પ્રારંભમાં ભલે સરળતા અનુભવાય, પણ આગળ જતાં તો તેના કારણે શિષ્યનો વિકાસ રૂંધાઈ જાય છે. જેવી રીતે કોઈને તરતા આવડતું ન હોય અને તે તરતાં શીખવનાર શિક્ષક પાસે શીખવા જાય તો સૌ પ્રથમ તો શિક્ષક તેને પાણીમાં એકલો જ ધકેલી દે છે કે જેથી તે જાતે જ હાથ-પગ હલાવીને તરતાં શીખી શકે. કોઈ સમસ્યા આવી પડે તો તેના નિરસન માટે તેઓ તૈયાર જ રહે છે, તેમજ હાથ-પગના હલન-ચલનમાં જે ભૂલ હોય તે તેઓ સુધારી આપે છે. આમ, જાતે પુરુષાર્થ કરીને તે તરણકળામાં પારંગત બને છે. સગુરુ પણ કંઈક આવું જ કરે છે. સાધનાપથ ઉપર શિષ્યને જાતે જ મથામણ કરી આગળ ધપવા દે છે. કંઈ પણ સમસ્યા ઉદ્ભવે તો તેઓ તેને માર્ગદર્શન આપે છે. ગુરુ તો શિષ્યની ત્વરિત પ્રગતિ અને સ્વતંત્ર અસ્મિતા જોવા ઇચ્છે છે, તેથી તેઓ કદાપિ તેને તૈયાર સાધનાપથ ચીંધતા નથી. સાધનાનો માર્ગ અંદરથી ખૂલવો જોઈએ, બહારથી નહીં. પોતાની સાધનાની કેડી શિષ્ય પોતે જ કંડારવી પડે છે. સદ્ગુરુ સાધનાપથ ઉપર તેને નિરંતર વિધવિધ પ્રકારે પ્રેરણા, ઉત્સાહ, બળ આપતા રહે છે. આ રીતે શિષ્યની યાત્રા શૂન્યથી શરૂ થઈ, સદ્દગુરુના પ્રતાપે સરળતાથી પૂર્ણતાને પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org