Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૭૫૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
ધરવા કંઈ નથી.'
શિષ્યની તૈયારી કેવી છે તે “આજથી' શબ્દ દ્વારા સૂચિત થાય છે. શિષ્યના અંતરમાં પૂર્ણ પદ સાધવાની તીવ્ર લય લાગી છે અને તેથી અલ્પ સમયનો પણ વ્યય ન કરતાં આજથી જ પ્રભુની આજ્ઞાએ વર્તવાનો નિશ્ચય કરે છે અને તે અર્થે દેહ તથા ધન-વાડી વગેરે જે કંઈ પોતાનાં ગણાય છે તે શ્રીગુરુને અર્પણ કરે છે. તે શ્રીગુરુની આજ્ઞામાં દાસભાવે વર્તવાનો નિર્ણય કરે છે. આ ગાથાની બીજી પંક્તિમાં “દાસ' શબ્દ ત્રણ વખત વપરાયો છે. તેનું પ્રયોજન એમ જણાય છે કે શિષ્ય મન, વચન અને કાયા એમ ત્રણે પ્રકારે દાસત્વ સ્વીકારે છે. વળી, તેનો અર્થ એમ પણ કરી શકાય કે શ્રીગુરુના અનેક દાસમાંથી હું તો સૌથી નિમ્ન કોટિનો દાસ છું, અર્થાત્ શ્રીગુરુના દાસના દાસનો દાસ છું; અને આમ તે પોતાની દીનતાનો સ્વીકાર કરી અભિમાનનો ત્યાગ કરે છે. અહીં જે દૈન્યત્વનો ભાવ પ્રદર્શિત કર્યો છે તે લાચારીનો કે મજબૂરીનો ભાવ નથી, પરંતુ શ્રીગુરુની વિરાટતા અને પોતાની વામનતાના ભાનથી ઉત્પન્ન થયેલો લઘુતાનો ભાવ છે.
2 વર્તમાન હીણા કાળમાં નિષ્કારણ કરૂણાશીલ સદ્ગુરુનો યોગ થવો અત્યંત વિશેષાર્થ [કાવાવ, દુર્લભ છે. પૂર્વના મહાપુણ્યના કારણે જો તેવો યોગ સંપ્રાપ્ત થાય તો તેની કિંમત કોઈ પણ પ્રકારે થઈ શકે એમ નથી. વિદ્યમાન સન્દુરુષનો યોગ થવો એ આત્માર્થી જીવ માટે, જેનું કોઈ પ્રકારે મૂલ્ય ન થઈ શકે તેવો ઉપકારી પ્રસંગ છે, કેમ કે નિઃસ્પૃહતાધારી સદ્ગુરુ જીવને આત્મકલ્યાણનો માર્ગ દર્શાવી તેના ઉપર મહાન ઉપકાર કરે છે.
જીવે પરપદાર્થમાં નિજબુદ્ધિ કરી હોવાથી તે પરિભ્રમણદશા પામ્યો છે, પણ જો નિજને વિષે નિજબુદ્ધિ કરે તો તેની પરિભ્રમણદશા ટળે છે. જેના ચિત્તમાં નિજમાં નિજબુદ્ધિ કરવાનો વિચાર ઊગે છે, તેણે તે જ્ઞાન જેમના આત્મામાં પ્રકાશ પામ્યું છે એવા સદ્દગુરુની દાસાનુદાસપણે ભક્તિ કરવી એ પરમ શ્રેય છે. સદ્ગુરુ પ્રત્યેની ભક્તિથી જ જીવ મંગળ સિદ્ધિને વરે છે. સદ્ગુરુ પ્રત્યેની નિષ્કામ ભક્તિ જીવને તેના અંતરના પ્રભુનો ભેટો કરાવે છે.
આત્મા પ્રાપ્ત કરવા માટે ભક્તિ એ ઉત્તમ સાધન છે. ભક્તિ એટલે પુરુષના દિવ્ય સ્વરૂપની ઓળખાણ. ભક્તિ એટલે સદ્ગુરુની આત્મદશાની સાચી રીતે ઓળખાણ અને તેના પ્રત્યે હૃદયથી પ્રીતિ. ભક્તિ એટલે સદ્ગુરુના લોકોત્તર ગુણોનું દર્શન અને તે ગુણોની પ્રાપ્તિ અર્થે તેમની સાથે દિવ્ય પ્રેમ સંબંધ જોડવાની ચેષ્ટા. ભક્તિ એટલે પ્રીતિના બળથી હૃદય ઝળહળી ઊઠતાં પ્રશસ્ત રાગયુક્ત ભાવોર્મિનું ઊછળવું અને તે ભાવોર્મિનું અનુપમ શબ્દ દ્વારા પ્રકાશિત થવું. ભક્તિ એટલે ભાવવિભોર દશામાં કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org