Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
७७४
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
છે, તેથી વિરોધ પક્ષને જ પોતાનો પક્ષ સમજી તેની જ ફિકર કરવામાં આજ સુધી સમય ગુમાવ્યો છે.
ત્રાજવામાં જેમ બે જ પલ્લાં હોય છે, તેમ ભેદવિજ્ઞાનની પ્રક્રિયામાં પણ બે જ પક્ષ છે. ભેદવિજ્ઞાનમાં ત્રીજા પક્ષનું અસ્તિત્વ જ નથી. ત્રાજવાના એક પલ્લામાં હું આવે છે અને બીજા પલ્લામાં ‘અન્ય’, અર્થાત્ 'હું' સિવાયની વિશ્વની તમામ વસ્તુઓ આવે છે. હું એટલે નિહાત્મા અને અન્ય એટલે નિજથી ભિન્ન જે કાંઈ છે તે બધું જ. અન્યમાં પુદ્ગલાદિ પાંચ અચેતન પદાર્થ, અર્થાત્ પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ એ પાંચ અજીવ દ્રવ્યો; તે ઉપરાંત અન્ય સર્વ જીવોની પણ ગણના થાય છે. પર એટલે માત્ર જડ નહીં પણ નિજાત્માથી ભિન્ન એવા સર્વ જડ અને ચેતન પદાર્થ તે પર. જે કંઈ સ્વસીમાની બહાર છે તે બધું પર.
પરથી ભિન્ન સ્વની ઓળખાણ કરવા માટે પરને જાણવું આવશ્યક છે. પરને જાણવું એ પણ સ્વની ઓળખાણ માટે છે, કેમ કે પરથી ભિન્ન એવા નિજાત્માને અનુભવવો છે. પરને ન જાણે તો તેમાં આત્મબુદ્ધિ થઈ જવાનો સંભવ છે, તેથી આત્માને જેનાથી ભિન્ન અનુભવવો છે એને પણ જાણવું એટલું જ જરૂરી છે. આત્માને જાણવામાં ભૂલ ન થઈ જાય તે માટે જ પરને જાણવાનું છે.
સ્વની પ્રતીતિ, જ્ઞાન અને લીનતા કરવાથી જ મોક્ષની પ્રાપ્તિ છે, પરંતુ સ્વને ઓળખવા માટે પરને જાણવાની જરૂર છે. શાસ્ત્રોમાં પરનું - પુદ્ગલનું વર્ણન આપવાનું પ્રયોજન એ છે કે જીવ સમજી શકે કે “આ બધી પર્યાયો પરની - પુદ્ગલની છે, મારી નથી.' જીવ અનંત કાળથી પરમાં પોતાપણું સ્થાપીને બેઠો છે. હવે જો તેણે પરથી છૂટા થવું હોય તો પરનાં લક્ષણોનું યથાર્થ જ્ઞાન કરી લેવું જરૂરી છે. આ બધી પર્યાયો પરની - પુદ્ગલની છે એમ સમજાતાં જ મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે “તો પછી મારી પર્યાયો કઈ છે?' ‘આ પરની - પુદ્ગલની પર્યાયો છે, મારી પર્યાયો નથી' એમ સમજાતાં જ દૃષ્ટિ તેના ઉપર ટકતી નથી અને પોતાનું સ્વરૂપ કેવું છે તે જાણવાની તેને ઉત્સુકતા થાય છે. ઇન્દ્રિયો દ્વારા પરની – પુદ્ગલની પર્યાયો જાણવામાં રસ નથી રહેતો અને તેથી તે પોતાના સ્વરૂપને જાણવાને ઉત્સાહી થાય છે. પોતાનું સ્વરૂપ જાણવાથી ‘એ જ હું' એમ લક્ષણો દ્વારા ખાતરી થતાં ચિત્ત ત્યાં જ રમમાણ રહે છે અને સ્વની અનુભૂતિ થાય છે.
આમ, પરને જાણવું જરૂરી તો છે, પરંતુ ભેદવિજ્ઞાનની પ્રક્રિયામાં પર ગૌણ છે, સ્વ મુખ્ય છે. પરને માત્ર જાણવાનું છે, જ્યારે સ્વને જાણીને તેમાં જામી જવાનું છે, તેમાં રમવાનું છે. પરને છોડવા માટે એને જાણવાનું છે, જ્યારે સ્વને રહણ કરવા માટે એને જાણવાનું છે. શ્રીમદે સત્તર વર્ષની ઉંમર પહેલાં જે ૧૨૫ બોધવચનો લખ્યાં છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org