Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૭૨૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન આમ, સદ્ગુરુ જીવને અંધકારમાંથી બહાર લાવે છે. અંધકારનો અભાવ કરી પોતાના પ્રકાશનું સર્જન કરવામાં જીવને તેઓ સર્વ રીતે સહાયભૂત બને છે. સદ્ગુરુ તો અનંત ગુણના નિધાન હોય છે, પ્રેમસ્વરૂપ હોય છે, જ્ઞાનાવતાર હોય છે, નિષ્કારણ કરુણાના સાગર હોય છે; તો સાચો શિષ્ય કેવો હોવો જોઈએ? સુશિષ્ય થવા માટે કેવી પાત્રતા જોઈએ? સુશિષ્ય બનવા માટે જોઈએ માત્ર પોતાની પામરતાનો સ્વીકાર અને ચિત્તશુદ્ધિનો દઢ સંકલ્પ. જ્યાં પોતાની પામરતાનો પૂરી નમતાથી, જેમ છે તેમ સ્વીકાર થાય છે ત્યાં શિષ્યત્વ પ્રગટી ઊઠે છે. ગમે તે ભોગે મારે સુધરવું જ છે' એવો દૃઢ સંકલ્પ થતાં શિષ્યત્વનો પ્રારંભ થાય છે. સંકલ્પ જીવની શક્તિઓને એકત્રિત કરે છે, એક ઉચ્ચ લક્ષ્યબિંદુ તરફ કેન્દ્રિત કરે છે અને જીવને સફળતાના પંથે દોરી જાય છે.
સુશિષ્ય બનવા માટે અમુક શાસ્ત્રજ્ઞાન કે અમુક ક્રિયાનિષ્ઠા ઇત્યાદિની કોઈ આવશ્યકતા નથી. શાસ્ત્રોનાં જ્ઞાન કે તપશ્ચર્યારૂપી ધનની યાદી દ્વારા જેઓ પોતાને શિષ્ય બનવાને યોગ્ય ગણે છે, તેઓ પોતાના અહંકારને જ પોષણ આપે છે અને અહંકારથી મોટી અપાત્રતા બીજી કોઈ જ નથી. અહંકારથી ભરેલો જીવ સિદ્ધત્વની યાત્રા ઉપર નીકળી નથી શકતો, જ્યારે પોતાને પામર સમજનાર જીવનો માર્ગ સરળ થઈ જાય છે. પોતાની પામરતાનો સ્વીકાર કરનાર અને સુધરવાનો સંકલ્પ કરનાર જીવના શિષ્યત્વનો શુભારંભ થઈ જાય છે. તે પોતાની જાતને સત્યની શોધ માટે સમર્પિત કરે છે.
આત્માર્થ સાધવા સિવાય જેના અંતરમાં બીજી કોઈ કામના નથી, જે એકાકી થઈને પણ આત્માને સાધવા માંગે છે, જગતમાં બીજાનો સંબંધ રહે કે ન રહે તેની જેને પરવા નથી, દુનિયા તેને માન આપે કે નહીં તેની જેને દરકાર નથી એવો આત્માર્થી જીવ અતિશય ભક્તિપૂર્વક સદ્ગુરુની વાત ઝીલે છે. તે પરમ સબોધને પોતાના આત્મપ્રદેશોમાં અવધારી, તદનુસાર વર્તવાનો નિશ્ચય કરે છે. સદ્ગુરુ પાસે સાધનાની રૂપરેખા જાણી લઈ તે મંડી પડે છે. સાધનાની અંતિમ સફળતા બાબત તેને પૂરી નિઃશંકતા તો છે જ; અને સાથે સાથે સાધનાના દરેક ડગલે તથા હરેક વળાંકે સંશયાત્મકતા કે અધીરજ પણ તેને સતાવતી નથી. તેને વારે વારે સાધનાપ્રક્રિયા અંગે સદ્ગુરુ પાસે માર્ગદર્શન માટે દોડવું પડતું નથી. સગુરુ પ્રત્યેની દઢ આશ્રયભક્તિરૂપ ભૂમિનો મક્કમ આધાર પામી તે સાધનાપથ ઉપર આવતાં વિપ્નોને સરળતાથી ઉલ્લંઘી જાય છે અને પોતાની આત્મદશાને ઊર્ધ્વ ને ઊર્ધ્વ કરતો જાય છે.
જેમના કલ્યાણમય ઉપદેશથી પોતાને સ્વસ્વરૂપની ઉપલબ્ધિ થઈ છે એવા સદ્ગુરુનો અભૂતપૂર્વ ઉપકાર તે સુપાત્ર શિષ્ય માથે ચડાવે છે. તેને આત્માનુભૂતિનો યથાર્થ માર્ગ દર્શાવનાર સદ્ગુરુ પ્રત્યે અસીમ પ્રમોદ, બહુમાન, ભક્તિ, ઉલ્લાસભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org