Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૭૪૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જ તું અભિમુખ થા. હે શાર્દૂલ! તારા પુરુષાર્થને અખંડપણે જાગૃત રાખ. દેહ માટે અનંત ભવ વ્યતીત કર્યા, હવે આત્માર્થ માટે આ જીવન અર્પણ કરી દે.'
જે જીવ આત્માની ઓળખાણ કરે છે તે જ પોતાના જીવનને સફળ કરે છે, બાકીના જીવોનું જીવન નિષ્ફળ જાય છે. જીવ આત્માની ઓળખાણ કરતો નથી અને પોતાનું જીવન વેડફી નાખે છે. જીવન દરમ્યાન આત્માની સમજણ કરી લેવાની તે દરકાર પણ નથી કરતો. તે હીરા-મોતી વગેરે પારખવામાં જીવન ગાળે છે, પણ આત્માને પારખવાની દરકાર નથી કરતો. તેને પરપદાર્થને પારખતાં આવડે છે, પણ તે નિજ ચૈતન્યચિંતામણિને નથી પારખતો. તે પરની પરીક્ષા કરવામાં ઘણી હોંશિયારી બતાવે છે, પણ આત્મા વિષે તેને કંઈ જ ખબર નથી હોતી. પોતાની તેને કિંમત નથી અને બીજાની કિંમત કરવા જાય છે. તે આત્મામાં પ્રીતિ કરતો નથી અને પરમાં પ્રીતિ કરે છે. ધર્મી જીવ પરપદાર્થની પ્રીતિ છોડીને આત્માની પ્રીતિ કરે છે, જ્યારે બહિર્દષ્ટિ જીવ આત્માની પ્રીતિ કરતો નથી. તે પરની ચિંતા પોતાને ગળે વળગાડે છે. બહારની ચીજો જીવની છે જ નહીં અને તે જીવની સાથે આવશે પણ નહીં, માટે જીવે તે સર્વથી ભિન્ન એવા નિજાત્માની પ્રીતિ કરવી જોઈએ, પરનો મહિમા છોડી આત્માને જાણવામાં પોતાની વૃત્તિને લગાવવી જોઈએ.
શિષ્યને પોતાના આત્માના ઐશ્વર્યનું ભાન ન હતું. શ્રીગુરુએ તેને તેના આત્મગુણરત્નાકરનું ભાન કરાવ્યું. રત્નદ્વીપના એક રહેવાસીને રત્નોની ઓળખ ન હતી. તે બીજા દ્વીપમાં ગયો. તેના શરીર ઉપર રત્નદ્વીપના નીલમણિની રજ ચોંટી હતી. તે સરોવરમાં સ્નાન કરતો હતો ત્યારે તેના તે નીલમણિની રજના પ્રભાવથી સરોવરનું પાણી લીલા પ્રકાશથી ઝગઝગાટ કરવા લાગ્યું. આ જોઈને તેને અચંબો થયો કે વાહ! આ પાણીમાં આવો સુંદર ઝગઝગાટ ક્યાંથી આવ્યો? એવામાં એક ઝવેરી ત્યાં આવ્યો. તે નીલમણિને ઓળખી ગયો. ઝવેરીએ તેને કહ્યું કે “અરે ભાઈ! તમારા શરીરે જે નીલમણિની રજ ચોંટી છે તે ઘણી કિંમતી છે. જો તેના પ્રકાશના કારણે જ આ સરોવરનું પાણી કેવું શોભી રહ્યું છે! આ રજકણ પાસે અહીંના રાજાની સમસ્ત સંપત્તિ પણ તુચ્છ છે.' ત્યારે તે માણસ આશ્ચર્ય પામ્યો કે “અરે, આવાં રત્નોથી ભરેલા દ્વીપમાં તો હું રહું છું. અત્યાર સુધી રત્નો વચ્ચે રહીને મેં રત્નોને ઓળખ્યાં નહીં અને દીન રહ્યો! હવે દીનતા કેવી?' તેવી જ રીતે શ્રીગુરુએ શિષ્યને કહ્યું કે “હે ચૈતન્યપુરુષ! તું જાગૃત થઈને તારી વસ્તુનો નિર્ણય કર. તારામાં મહાન રત્નોની ખાણ ભરેલી છે.” પરમોત્કૃષ્ટ કરુણાથી કરી રહેલાં સદ્ગુરુનાં સુધામય વચનોને ઝીલી લઈ, શિષ્ય તે વચનો પોતાના હૃદયસિંહાસન ઉપર પધરાવ્યાં. તે રાજી થયો, પ્રસન્ન થયો કે “અહા! હું આવો આત્મા! મને દીનતા કેમ શોભે? મારાં નિધાનને હું ભૂલ્યો હતો. હવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org