Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૨૫
૭૪૧
છે, વિષયોમાં રહેલી આદરબુદ્ધિ વિલીન થાય છે. આત્માના મહિમાવંત રસ આગળ બાહ્ય વિષયોનો રસ છૂટી જાય છે. આત્માના અચિંત્ય મહિમા આગળ કોઈ વસ્તુ સુંદર લાગતી નથી. આત્માના અપરિમિત આનંદનો સ્વાદ માણ્યો હોવાથી તેને હવે બહાર કશે પણ ગમતું નથી. આનંદસ્વરૂપ એવા આત્માના અતીન્દ્રિય આનંદનો સ્વાદ ચાખ્યો હોવાથી તેને આ જગતની કોઈ વસ્તુ સારી લાગતી નથી. આત્મા સમાન સુખસ્વરૂપ અન્ય કોઈ વસ્તુ જગતમાં હતી નહીં, છે નહીં અને હશે નહીં એવું તેના લક્ષમાં આવે છે. જગતના સમસ્ત પદાર્થો આત્મરત્ન આગળ ઝાંખા છે, સર્વોત્કૃષ્ટ પદાર્થ તો કેવળ આત્મા જ છે એમ તેને અનુભવથી સમજાય છે.
શિષ્યને જગતની સર્વ વસ્તુઓ આત્માથી હીન જણાય છે, તેથી શ્રીગુરુને કંઈ પણ ધરવું હોય તો આત્મા સિવાય કોઈ પણ વસ્તુ યોગ્ય લાગતી નથી. પરંતુ તેને તરત જ વિચાર આવે છે કે “આત્મા તો મારા પ્રભુએ જ મને આપ્યો છે. તેમણે જ મને આત્માની સમજણ આપી છે. તેમણે જ મને નિજતત્ત્વનું ભાન કરાવ્યું છે. શાશ્વત આત્મતત્ત્વની ઓળખાણ કરાવી તેમણે જ મને આત્મતત્ત્વમાં સ્થિર કર્યો છે. મારી દેહાત્મબુદ્ધિ દૂર કરી તેમણે મને આત્માનો અનુભવ કરાવ્યો છે. આમ, તેમણે જ મને આત્મા આપ્યો છે.'
શ્રીગુરુએ શિષ્યને શુદ્ધાત્માની ઓળખાણ કરાવી. તેમણે શિષ્યને તેનું સ્વરૂપ સમજાવ્યું કે “તું તો શુદ્ધ ચૈતન્ય આત્મા છે, અસંયોગી પદાર્થ છે, નિરપેક્ષ વસ્તુ છે. જે પણ ઇન્દ્રિયો અને મનથી ગ્રાહ્ય થાય છે તે બધું તારાથી પર છે. પરવસ્તુ તારામાં નથી. ખરેખર જે તારું હોય તે તારાથી કદી જુદું ન પડે અને તારાથી જુદું પડે તે કદી પણ તારું હોય નહીં.' જ્ઞાન આત્માથી કદી જુદું નહીં પડે, કેમ કે તે આત્માથી જુદું નથી, પણ તે જ આત્મા છે. શરીરાદિ આત્માનાં નથી, એટલે તે આત્માથી છૂટાં પડી જાય છે. પહેલેથી જ છૂટાં હતાં તેથી છૂટાં પડ્યાં; એકમેક થઈ ગયાં હોત તો છૂટાં ન પડી શકત. એ જ રીતે જ્ઞાન અને રાગ પણ એકમેક થઈ ગયાં નથી, ભિન્ન સ્વરૂપે જ રહ્યાં છે, તેથી ભિન્ન પડી જાય છે.
શ્રીગુરુએ આત્માનો મહિમા ગાઈને શિષ્યને આત્મપ્રાપ્તિ માટે પ્રોત્સાહિત કર્યો. તેમણે શિષ્યને ઉત્સાહિત કરતાં કહ્યું કે “હે ભવ્ય! તું પોતે જ ચૈતન્યપરમાત્મા છે, પરંતુ પારદ્રવ્ય અને પરભાવની રુચિમાં ઘસડાઈ જવાથી તું નિજપ્રભુતાને જાણી શક્તો નથી. તારી પ્રભુતાનો સ્વીકાર કર. તું મોક્ષસ્વરૂપ છો. અનંત જ્ઞાન-દર્શન-સુખ આદિથી પરિપૂર્ણ તારું અવ્યાબાધ સ્વરૂપ છે. તું શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સ્વરૂપ અને સુખનું ધામ છો. આનો તું વિચાર કરીશ તો તું પરમપદ પામીશ. પૂર્ણ શુદ્ધ સ્વભાવનો આશ્રય કરતાં પર્યાયમાં પણ પૂર્ણ શુદ્ધિ પ્રગટશે. માટે હે જીવ! નિજસ્વભાવાકાર વૃત્તિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org