________________
૭૨૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન લોલુપતા વગેરે દોષો ખૂબ દખલગીરી કરે છે. ક્યારેક તો શ્રીગુરુ કંઈક કહે અને શિષ્ય કંઈક જુદું સમજે એવું પણ બને છે. બન્નેનાં દૃષ્ટિબિંદુ જ જુદાં હોવાથી આમ બને છે, તેથી શિષ્ય પોતાનો આશય સમજી શકે એ ભૂમિકા સુધી તેને લાવતાં શ્રીગુરુએ ખૂબ ધીરજ રાખવી પડે છે. શ્રીગુરુ અત્યંત વૈર્યવંત હોય છે. સદ્દગુરુનું બીજું નામ જ છે ‘અનંત ધીરજ'!
રૂપાંતરણ લાવવા માટે શ્રીગુરુ શિષ્યમાં મોટી તોડફોડ કરે છે. શ્રીગુરુ અહંકાર નિર્મૂળ કરવાનું કાર્ય શરૂ કરે છે ત્યારે શિષ્યને ખૂબ પીડા થાય છે, કારણ કે શિષ્યનો અહં પોતાનું મૃત્યુ સહન કરી નથી શકતો. જેટલો અહં વધુ, તેટલી પીડા વધુ. શિષ્ય આ તોડફોડ અને તેનાથી થતી પીડા માટે તૈયાર નથી હોતો. તેને ખબર નથી હોતી કે તેના અભિપ્રાયો તોડી નાંખવામાં આવશે, તેના સિદ્ધાંતો બદલી દેવામાં આવશે, તેના આગ્રહો ઝૂંટવી લેવામાં આવશે, તેના સ્વચ્છંદ-પ્રમાદ બાળી મૂકવામાં આવશે. તેથી તે આટલી બધી તોડફોડ થાય ત્યારે ફરિયાદ કરે છે કે હું તો ગુરુ પાસે કંઈક બનવા આવ્યો હતો, તૂટવા નહીં. તેમણે તો તોડફોડ શરૂ કરી. હું સુખી થવા આવ્યો હતો, પણ તેમણે તો દુઃખી કરી મૂક્યો!' તે સમજતો નથી કે જેની તૂટવાની તૈયારી નથી હોતી, તે શિષ્ય નથી બની શકતો. સર્જનની યથાર્થ પ્રક્રિયા તે જાણતો નથી. સર્જનની પ્રક્રિયામાં તૂટવું એ એક આવશ્યક અંગ છે. મૂર્તિ સર્જવાની પ્રક્રિયામાં તૂટવું અર્થાત્ અનાવશ્યક ભાગનું દૂર થવું એ અનિવાર્ય છે. પીડા તો થશે, પરંતુ નવસર્જનનો ચમત્કાર પણ ત્યારે જ થશેને?
સદ્દગુરુ તો બહ્મા છે. બ્રહ્મા એટલે સર્જનહાર. તેઓ શિષ્યમાં નવસર્જનનું કાર્ય કરે છે. શિષ્ય ઉપર કામ કરતાં શિષ્ય ગમે તેટલાં તોફાન કરે તો પણ તેઓ અકંપ રહે છે. અનંતગુણનિધાન સદ્ગુરુ શિષ્યની ગમે તેવી અવળચંડાઈથી પણ કંપાયમાન નથી થતા, કોપાયમાન નથી થતા અને શિષ્યના કલ્યાણનું કાર્ય ચાલુ જ રાખે છે. શિષ્ય ગમે તે કરે તો પણ તેઓ તેને પાછો પકડી લાવી, ઝાલી રાખી, શિષ્યમાં નવસર્જનનું કાર્ય પૂરું કરીને જ રહે છે.
શિષ્ય સદ્ગુરુ પાસે જાય પછી તે જે અવસ્થામાં જીવતો હોય તે અવસ્થા બદલાયા વિના રહે જ નહીં. શિષ્ય સદ્ગુરુ પાસે જાય છે ત્યારે તે જેવો હતો તેવો જ તે કદાપિ રહી શકતો નથી. તેનામાં આમૂલ પરિવર્તન અવશ્ય થાય છે. સદ્દગુરુ પાસે જવું એટલે પરિવર્તન - નવનિર્માણ માટે તૈયાર થવું. પોતાની જાતને તોડવી પડશે, નવી બનાવવી પડશે. ઘાટ ખરાબ છે તેથી પોતાની જાતને ગાળી નાખવી પડશે. પોતાને નવેસરથી ઢાળી, એક નવા ઘાટનું નિર્માણ કરવું પડશે. પોતે બેડોળ છે તો હથોડો ખમવો પડશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org