________________
७०८
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ૬) પોતાનામાં જ, અર્થાત્ પોતાના જ આધારે કેવળજ્ઞાન પ્રગટ કરે છે, તેથી પોતે જ અધિકરણ છે.
આ રીતે આત્મા પોતે જ, પોતાને, પોતા વડે, પોતાને માટે, પોતાનામાંથી, પોતાનામાં કેવળજ્ઞાનરૂપી કાર્ય સિદ્ધ કરે છે. પરમાર્થે કોઈ દ્રવ્ય આત્માનું કર્તા-હર્તા થઈ શકતું નથી. પરમાર્થે કોઈ દ્રવ્ય આત્માને સહાય કરી શકતું નથી. આત્મા સ્વય પોતાના સ્વભાવના અવલંબને નિશુદ્ધિ કરે છે.
આત્માની અવસ્થામાં જે વિકારભાવ થાય છે તે ઉપાધિભાવ છે. શરીરાદિ પરદ્રવ્યની ઉપાધિ આત્મામાં નથી, પણ પોતાની પર્યાયમાં જે વિકાર થાય છે તે વિકારની ઉપાધિવાળો આત્મા છે. ઉપાધિભાવ પરમાં નથી, તેમજ પરના કારણે પણ નથી. ઉપાધિભાવનું કારણ કોઈ પરદ્રવ્ય નથી, પણ આત્મા પોતે જ છે. જીવમાં વિકાર કરવાની શક્તિ છે. શુભાશુભ કર્મના ઉદય વખતે સ્વરૂપનું ભાન ચૂકી જતાં તે ઉદયની સાથે જોડાઈ જાય છે અને વિકારરૂપે પરિણમે છે. વિકાર પરના અવલંબને થતો આત્માની પર્યાયનો ધર્મ છે. ઉપાધિભાવ થાય તેવો ધર્મ જો આત્માનો પોતાનો ન હોય તો બીજાં અનંતા પરદ્રવ્યો ભેગાં થઈને પણ તેનામાં ઉપાધિભાવની ઉત્પત્તિ કરાવી શકે નહીં.
વિકાર કરવો તે ખરેખર તો દોષ છે, પણ તે આત્માની પર્યાયમાં થાય છે તેથી તેને આત્માનો ધર્મ કહેવામાં આવે છે. રાગાદિ ઉપાધિભાવ આત્માની પર્યાયમાં થતા હોવાથી તેને આત્માનો ધર્મ કહેવાય છે. આત્મા રાગાદિને જ્યાં સુધી પોતાની પર્યાયમાં ધારી રાખે છે ત્યાં સુધી તે આત્માનો પોતાનો ધર્મ છે અને તેનો કર્તા આત્મા પોતે છે. તે ઉપાધિભાવને આત્મા એકસમયવર્તી પર્યાયમાં ધારણ કરતો હોવાથી તે ઉપાધિભાવ પણ આત્માનો એક ધર્મ છે. એ ધર્મની અપેક્ષાએ આત્મા સોપાધિક છે. ઉપાધિભાવ એકસમયવર્તી અશુદ્ધ પર્યાયમાં થતો હોવાથી સોપાધિક ધર્મ આત્માનો ત્રિકાળી સ્વભાવ નથી, પણ ક્ષણિક છે.
અનંત કાળથી જે વિકારભાવ થતો આવ્યો છે તેને પર્યાયમાં આત્મા પોતે ધારી રાખે છે, તેથી તે પણ આત્માનો ધર્મ છે, પણ તે ત્રિકાળી સ્વભાવ નથી. આત્માની અવસ્થામાં જે અશુદ્ધતા ઉત્પન્ન થાય છે તે હંમેશ માટે થતી નથી, અશુદ્ધતા તેનો સ્વભાવ નથી, તે આત્માનો ત્રિકાળી સ્વભાવરૂપ ધર્મ નથી, તેમજ તે મોક્ષમાર્ગની પ્રાપ્તિનો ધર્મ પણ નથી; તે માત્ર ક્ષણિક પર્યાય પૂરતો ક્ષણિક ધર્મ છે.
વિકાર પર્યાયમાં થતો હોવાથી તે એક સમયની ઉપાધિ છે, પણ આત્મા ત્રિકાળ કેવળ નિરુપાધિક સ્વભાવવાળો છે. ઉપાધિ વખતે પણ નિરુપાધિક સ્વભાવ આત્મામાં વિદ્યમાન છે. ત્રિકાળી નિરુપાધિક એવું શુદ્ધ દ્રવ્ય અને ક્ષણિક ઉપાધિરૂપ અશુદ્ધતા એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org