Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૨૩
૭૧૩ વર્તમાન અવસ્થામાં ઉપાધિ હોવા છતાં ત્રિકાળી સ્વભાવ નિરુપાધિક છે, વર્તમાન અવસ્થામાં અશુદ્ધતા હોવા છતાં ત્રિકાળી સ્વભાવ પરિપૂર્ણ શુદ્ધ છે. સ્વતત્ત્વની આવી યથાર્થ ઓળખાણ કરીને શુદ્ધ સ્વભાવમાં રમણતા કરવાથી અવસ્થામાંથી વિકાર ઘટતો જાય છે અને અંતે વીતરાગતા - કેવળજ્ઞાન - મોક્ષ થાય છે.
અહીં એ ધ્યાન રાખવું ઘટે છે કે જીવ શુદ્ધ સ્વરૂપના લક્ષે પર્યાયની શુદ્ધિ કરે તો મોક્ષ પ્રગટે છે. માત્ર શુદ્ધ સ્વરૂપની વાતો કરવાથી કંઈ વળતું નથી. કેટલાક લોકો શુદ્ધ સ્વરૂપની માત્ર વાતો કરે છે અને પર્યાયની શુદ્ધિ પ્રત્યે દુર્લક્ષ સેવે છે. તેઓ એમ કહે છે કે હું સ્વભાવથી તો શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સચ્ચિદાનંદસ્વરૂપી આત્મા છું. આ જે દોષ થાય છે તે તો એક સમયની પર્યાયમાં થાય છે, તેથી તેના ઉપર લક્ષ શા માટે આપવું?' પરંતુ તેણે વિચારવું ઘટે કે આવી એક સમયની પર્યાયનો પ્રવાહ અનાદિથી ચાલ્યો આવે છે. પોતાનું સ્વરૂપ જો પૂર્ણ શુદ્ધ છે તો તે તેનો આશ્રય લેવાને બદલે બહાર ફાંફાં મારીને પોતાની પર્યાયને શા માટે મલિન કરે છે? જે પોતાના દોષો ઉપર ધ્યાન આપતો નથી અને પૂર્ણજ્ઞાનાનંદી સ્વભાવની કેવળ વાતો કરે છે, તેણે પોતાની જાતને પૂછવું ઘટે છે કે “જો તું શુદ્ધ જ્ઞાયકસ્વભાવી છે તો તને રાગ-દ્વેષ કેમ થાય છે? સ્વભાવ અને સંયોગનો ભેદ જાણતો હોય તો પરિસ્થિતિમાં આવતા અનિષ્ટ પલટાઓ પ્રત્યે ગૌણતા કેમ આવતી નથી? અધ્યાત્મનાં ગ્રંથો વાંચવા છતાં પરનાં કર્તા-ભોક્તાપણામાં શા માટે રાચે છે? તેમાં કેમ ન્યૂનતા આવતી નથી? પ્રસંગ આવે ત્યારે જાગૃતિ કેમ રહેતી નથી? નાનકડાં પીછાં જેટલાં નિમિત્તથી તો તું હજુ વિક્ષુબ્ધ થઈ ઊઠે છે અને આવી અવસ્થામાં તું શુદ્ધાત્માની વાતો કરે છે એ કેટલા અંશે વ્યાજબી છે?'
‘આત્મા શુદ્ધ છે, બુદ્ધ છે, પરમાત્મા છે; માટે બીજું કાંઈ કરવાપણું રહેતું નથી' આવી તત્ત્વજ્ઞાનની વાતોનો મર્મ સમજ્યા વિના અનેક જીવો ભ્રમિત થયા છે. જીવ પોતાની પશુતાને ટાળશે, ઉત્થાનનો માર્ગ હશે ત્યારે જ શુદ્ધ થશે. તેથી જીવે શુદ્ધાત્માની વાતોનો ઉપયોગ દોષોને ભૂલવા માટે નહીં પણ તેને ટાળવા માટે કરવો જોઈએ. જીવની અધમતા તો એવી છે કે તે સારામાં સારા, ઊંચામાં ઊંચા સત્યનો પણ દુરુપયોગ કરે છે. પોતાનાં નિકૃષ્ટ જૂઠાણાંઓને ઢાંકવા માટે સાચા સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં તે જરા પણ ખચકાટ અનુભવતો નથી. તેણે સિદ્ધાંતોને પોતાની પાપસ્થિતિ ભૂલવાનું એક સાધન બનાવી દીધું છે. પાપ કરવું છે, પણ પાપને સ્વીકારવાની તૈયારી નથી, પાપ ટાળવાની હિંમત નથી, તેથી તે આવી તરકીબ કરે છે. અંદર અધમ વિચારો છે, પણ શુદ્ધાત્માની કોરી વાતો કરી બહારથી સારા દેખાવાનો ડોળ કરે છે. શુદ્ધાત્માની વાતોની આડમાં તે ઊંડી અને ભયંકર છેતરપિંડી કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org