Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૭૧૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
શુદ્ધાત્માની વાતો ગમવાનાં બે કારણ હોઈ શકે છે. કાં એની આડ લઈને પોતાની પાપસ્થિતિ વિસારી દેવી છે, કાં શુદ્ધાત્મસ્વરૂપને દશામાં પ્રગટાવવું છે. જે જીવ શુદ્ધાત્માની વાતો કરીને પોતાની પાપસ્થિતિ વિસારે છે, તેનો ઉદ્ધાર મુશ્કેલ બને છે. કોરા તત્ત્વજ્ઞાનથી ઊગરવું બહુ જ કઠણ છે. બીમાર માણસ જો એમ માની લે કે મને કોઈ રોગ જ નથી તો તેનો રોગ મટશે તો નહીં, પરંતુ રોગ વધુ વકરી જશે અને તે તંદુરસ્ત નહીં થઈ શકે; પરિણામે તેનું મૃત્યુ જ નીપજશે. શુદ્ધાત્માની વાતો માત્ર શબ્દમાં જ રહે તો તે ઘણી ઘાતક બની શકે છે, પ્રકાશ સુધી પહોંચવામાં તે બાધક બની શકે છે, કારણ કે જો અંધકારનો સ્વીકાર જ નથી તો તેને દૂર કરવાનો પ્રયાસ જ કઈ રીતે થાય? અંધકારથી - પાપથી ભાગવું એ સાધના નથી, એ તો પલાયનવૃત્તિ છે. તે પુરુષાર્થનો માર્ગ નથી, પુરુષાર્થહીન પ્રાણીની મિથ્યા તૃપ્તિ છે. અંધકારનાં સ્તરોને વટાવી પ્રકાશ સુધી પહોંચવાનું છે. પાપનાં સ્તરોને ઉખેડીને શુદ્ધ સ્વભાવ સુધી પહોંચવાનું છે. અશુદ્ધતાનો વિનાશ કરીને શુદ્ધતાની ઉપલબ્ધિ કરવાની છે. સાધનાનો એ જ સાચો માર્ગ છે. જો પોતે શુદ્ધ છે, પરમાત્મા છે એવી એકાંત માન્યતા સેવે તો તે પોતાનું મહા અનર્થ કરે છે.
- જ્ઞાનીઓ કહે છે કે પોતાની વાસ્તવિક સ્થિતિ પ્રત્યે જાગૃત થાઓ. કોઈ પ્રકારનો ભમ ન લેવો. તેનાથી પીડા તો જરૂર થશે, કારણ કે હું સમાટ છું' એવું સ્વપ્ન તૂટી જશે અને મહારાજાપણું મટીને ભિક્ષુકપણું જણાશે. નિશ્ચયસિદ્ધાંતોની આડ લીધી હતી, હવે જાગૃત થવાથી એ પશુ કે જે જીવમાં સંતાયેલો હતો તે તેની સમક્ષ ખડો થશે. જાગવાથી પીડા અવશ્ય થશે તોપણ જાગવું જરૂરી છે. જાગવાથી જ એ પશુતાનું ભાન થશે. પશુતાનું જેને ભાન થાય છે તેને જ તેનાથી ભિન્નતાનો બોધ પ્રગટે છે. પોતાની પશુતાનું અવલોકન થવાથી જ તેની સાથેનું તાદાભ્ય દૂર થાય છે. પક્ષપાતરહિત થયેલું નિરીક્ષણ દોષોથી નિરીક્ષકને જુદો પાડે છે. જીવમાં તે એવું એક બિંદુ જન્માવે છે, જેની પૂર્ણતાએ આત્માનુભવનો સિંધુ હિલોળા લેતો થાય છે.
આમ, આંતરિક પશુતાનાં દર્શન વિના શુદ્ધાત્માનુભૂતિ થવી શક્ય નથી, અર્થાત્ વર્તમાન દોષોને ઓળખ્યા-ટાળ્યા સિવાય ત્રિકાળી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ સંભવતી નથી. તેથી જીવે કેવળ શુદ્ધતાની વાતો કરી સંતોષાઈ ન જતાં પોતાની પર્યાયની શુદ્ધિ કરવી જોઈએ. તેણે શુદ્ધ દ્રવ્યના લક્ષે પર્યાયમાં શુદ્ધતા પ્રગટાવવી જોઈએ. શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપી આત્માની પ્રતીતિ, ઓળખાણ અને રમણતા દ્વારા નિજ શુદ્ધતા પામવાથી મુક્ત દશા પ્રગટે છે. એ સિવાય બીજી કોઈ રીતે મોક્ષ થતો નથી. અનંત કાળનું અનંત દુઃખ ટાળવાનો આ જ એક ઉપાય છે. આ જ સર્વ નિર્ગથ પુરુષોના ઉપદેશનો સાર છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે પરિણમેલા એવા નિર્ગથ પુરુષોના માર્ગની ઉદ્ઘોષણા કરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org