Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
६८४
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અનાદિ કાળનો અધ્યાસ દૂર થયો હોય છે. તેમણે ચિત્તમાં ઊઠતા ઇષ્ટ-અનિષ્ટના અનાદિગત સંસ્કારોનો નાશ કર્યો હોય છે. તેમણે કર્મધારાનો ત્યાગ કરીને જ્ઞાનધારારૂપ પુરુષાર્થનો આશ્રય લીધો હોય છે. તેમને પોતાના અકર્તા-અભોક્તાસ્વભાવની અનુભવપૂર્વકની ખાતરી હોય છે. તેઓ પરના કે રાગના કર્તા-ભોક્તાપણાની કલ્પના નથી કરતા. જો કર્તુત્વ-ભોસ્તૃત્વબુદ્ધિ દૂર ન થાય તો તેઓ જ્ઞાની કેવી રીતે કહેવાય? તેઓ જો અજ્ઞાની જીવોની જેમ કર્તા-ભોક્તાબુદ્ધિ કરે તો તેમના અને અજ્ઞાની જીવો વચ્ચે શું ફરક રહે? જ્ઞાનીઓનું બાહ્ય જીવન ભલે અજ્ઞાની જેવું લાગે, ભલે તેઓ સાંસારિક ક્રિયા કરતા હોય, પરંતુ તેમનો અંતરંગ અભિપ્રાય જ્ઞાનધારાયુક્ત જ હોય છે.
જ્ઞાની કર્તા-ભોક્તાની કલ્પના વિના સર્વને જાણે છે. તેઓ સર્વથી અલિપ્ત રહે છે. જેમ કોઈ બેકાબૂ ઘોડાને અનેકવિધ ઉપાયો દ્વારા કેળવ્યા પછી તે કોઈ ખાસ વિશેષ પ્રયત્ન વગર કેવળ માલિકના ઇશારે બરાબર ચાલે છે; એ પ્રમાણે ચિત્તને જ્ઞાતા-દ્રષ્ટા રહેવાના અભ્યાસ દ્વારા સાધ્યા પછી તે કોઈ ખાસ વિશેષ પ્રયત્ન વગર જ્ઞાનધારામાં સ્થિર રહે છે. અજ્ઞાનાવસ્થામાં કોઈ બાહ્ય વિષય પ્રત્યે ઉન્મુખ થવાથી જે રીતે ચિત્ત કર્મધારામાં વહી જતું હતું તે રીતે હવે વહી જતું નથી. જ્ઞાની હવે કર્તા-ભોક્તાની વ્યર્થ કલ્પના કરતા નથી અને તેથી અકર્તા-અભોક્તા રહે છે. તેઓ વિષયને જ્ઞાતાદ્રષ્ટાભાવે જાણે છે અને સ્વરૂપસ્થિરતા તરફ આગળ વધતા જાય છે.
જીવ પોતાના ઉપયોગને પરશેયોના પ્રભાવમાંથી મુક્ત કરે તો અનંત સુખશાંતિ-આનંદનાં દ્વાર તેના માટે ખુલ્લાં જ છે. તેણે દશ્યનું તાદાભ્ય તોડી દ્રષ્ટામાં તાદાભ્ય સાધવું જોઈએ. જ્ઞાનને તો માત્ર નિજપરમાત્મસ્વરૂપમાં જ વિશ્રામ પ્રાપ્ત થાય એવું છે. પોતાના ઉપયોગને સંસારની તુચ્છ રમતોમાંથી છોડાવી, નિજકાર્યમાં ઉઘુક્ત થવું જોઈએ. જીવન સફળ કરવા અધ્યાત્મ-અભિયાનમાં ઝુકાવી દેવું જોઈએ. જીવ અનાદિથી સ્વ-પરના ભેદજ્ઞાનના અભાવે પરનો ગ્રાહક બનેલો છે, પર ઉપર પોતાનું સ્વામીપણું રાખીને બેઠો છે. પોતાના અને પરના ભિન્ન ભિન્ન નિશ્ચિત સ્વલક્ષણોનું જ્ઞાન ન હોવાથી, બીજાના અને પોતાના એકત્વનો અધ્યાસ હોવાથી તે કર્તા-ભોક્તા થાય છે. જ્યારે તે જ આત્મા પોતાના અને પરના ભિન્ન ભિન્ન નિશ્ચિત સ્વલક્ષણોના જ્ઞાનના કારણે સ્વ-પરના એકત્વનો અધ્યાસ નથી કરતો ત્યારે તે અકર્તા-અભોક્તા થાય છે.
સુશિષ્ય પોતે કર્મનો અકર્તા-અભોક્તા થયો એવી જાહેરાત આ ગાથામાં કરી છે. જ્યારે તેને મિથ્યાત્વ વર્તતું હતું ત્યારે તે કર્મનો કર્તા-ભોક્તા થતો હતો. શ્રીગુરુના ઉપદેશથી સંસારની તમામ વળગણાઓ તોડીને, સંકલ્પ-વિકલ્પથી રહિત થઈને તે સ્વરૂપમાં ઠર્યો છે. વૃત્તિ નિજભાવમાં જતાં તેનું પરભાવનું કર્તુત્વ-ભોક્નત્વ છૂટી ગયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org