Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૨૧
૬૭૯
સ્વભાવની શ્રદ્ધાથી સમ્યગ્દર્શન થતાં અભોક્તાપણું પ્રગટે છે અને પછી તો સ્વભાવમાં જેમ જેમ લીનતા થતી જાય, તેમ તેમ વિકાર છૂટતા જાય છે અને કેવળજ્ઞાન પ્રગટે છે. આત્માના જ્ઞાયક સ્વભાવમાં વિકારનું ભોક્તાપણું જરા પણ નથી એમ જાણી જીવ સ્વભાવદષ્ટિના આધારે વિકારનો ક્ષણે ક્ષણે અભાવ કરતો જાય છે અને છેવટે વિકારનો સર્વથા અભાવ કરીને પૂર્ણ આનંદનો ભોક્તા થઈ જાય છે.
આમ, જ્ઞાનસ્વભાવ જે સદા નિર્લેપ જ છે, તેનો અંતરમાં આશ્રય કરવાથી પર્યાયમાં પણ નિર્લેપતા પ્રગટે છે. નિજ ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકસ્વભાવનો પક્ષ લેતાં પર્યાયમાં પણ અસંગતાનો અનુભવ થાય છે. ચૈતન્યનો આવો લક્ષ કરનાર બડભાગીનો સંસારસમુદ્ર શીઘ્રમેવ સુકાઈ જાય છે. અજ્ઞાની જીવ સદા નિર્લેપ રહેલા વસ્તુસ્વભાવના યથાર્થ ભાન વિના સમયવર્તી પર્યાયમાં રહેલા રાગ સાથે તથા નિમિત્ત સાથે સંબંધ જોડે છે. જ્ઞાનીએ ધ્રુવ, શુદ્ધ જ્ઞાયકસ્વભાવના આશ્રયે તે સંબંધ તોડ્યો હોય છે અને તેથી તેમને પર્યાયમાં રાગાદિ વિભાવનો કે નિમિત્તનો સંબંધ રહેતો નથી. અજ્ઞાની-જ્ઞાનીનાં પરિણમન વિષે શ્રી ભોગીલાલ ગિ. શેઠ લખે છે –
અજ્ઞાની જીવ ભૂલથી આત્માને રાગાદિ વિભાવ ભાવોનો કર્તા, ભલાંબૂરાં કાર્યોનો કર્તા, મકાન નગર આદિનો કર્તા માનીને અભિમાન કરે છે. જે પોતાના સહજ સ્વાભાવિક કર્મ નથી તેને કુબુદ્ધિથી પોતાનાં કર્મ માનીને રાગદ્વેષ કરી સંસારબંધ કરે છે.
જ્ઞાની ધર્માત્મા શુદ્ધ જ્ઞાન પરિણતિનો જ પોતે કર્તા છે એમ માને છે, અને સર્વ પરભાવોથી સર્વથા ભિન્ન છું એમ સમજે છે. જો શુભાશુભ ભાવો થાય છે, તો તે તેને મંદ તીવ્ર કષાયનો ઉદય જાણી પોતાનો સ્વભાવ માનતા નથી, પણ નૈમિત્તિક, ઔદયિક, ઔપાધિક ભાવો છે એમ શ્રદ્ધા રાખે છે અને ત્યાં પણ એવી ભાવના રાખે છે કે આ વિભાવ ન હોય તો ઠીક; માત્ર સ્વસંવેદનરૂપ વીતરાગભાવમાં પરિણમના હોય તો સારું. આમ પવિત્રાત્મા જ્ઞાની પુરુષ પરમાં કર્તાપણું નહીં માનતા હોવાથી નવીન કર્મથી બંધાતા નથી, ઉદયગત કર્મોને વેદી નિર્જરા કરે છે અને સ્વરૂપસ્થિરતાથી કર્મોનો એકીસાથે સામટો નાશ કરે છે.”
જીવ અનાદિથી પોતાની કર્તબુદ્ધિ-ભોક્તા બુદ્ધિ પોષતો રહ્યો છે. ઉપરનું પરિણમન પરના આધારે જ થાય છે. તેમાં મેં કંઈ જ કર્યું નથી. તેમાં હું કંઈ જ કરી શકતો નથી. પરને હું ભોગવી શકતો નથી.' આ સત્યને તે સમજતો નથી, સ્વીકારતો નથી અને મિથ્યા કર્તા-ભોક્તાપણું સેવી પોતાનું બગાડે છે. “હું છું તો આ કાર્ય થઈ શકે, મારા સિવાય કોઈ આ કાર્ય કરી શકે નહીં' એવા મિથ્યા અભિમાનમાં તે અહર્નિશ ૧- શ્રી ભોગીલાલ ગિ. શેઠ, ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)', ચોથી આવૃત્તિ, પૃ.૩૫૬-૩૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org