Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૦૯
૪૪૫ યથાર્થપણે સમજાતું નથી. જીવને સગુરુ પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધા જાગે, તેમના બોધનું ગ્રહણ કરે, તેમના બોધનું સતત ઘોલન કરે, તેમની સર્વ આજ્ઞાને પૂર્ણપણે માન્ય કરે, તન-મન-ધનની આસક્તિનો ત્યાગ કરી તેમની ભક્તિમાં એકલયપણે જોડાય ત્યારે કાર્ય થાય. તેથી આત્મસ્વરૂપ સમજવા સગુરુનું અવલંબન લેવું ઘટે છે. સદ્ગુરુના આશ્રયે નિજસ્વરૂપ સરળતાથી સમજાય છે. શ્રીમદ્ લખે છે –
‘હવે એવો નિશ્ચય કરવો ઘટે છે, કે જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી; અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજા કોઈ કલ્યાણનો ઉપાય નથી. તે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યો છે, એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે.”
નિજકલ્પનાએ શાસ્ત્રવાંચન, ઉપવાસ, જપ, તપાદિ અનંત કાળ પર્યત કરીને પણ જીવ જે ધ્યેયની પ્રાપ્તિ કરી શકતો નથી, તે ધ્યેયની પ્રાપ્તિ પ્રત્યક્ષ સદ્ગુરુના એકાદ મહિમાવંત શબ્દથી જીવ ક્ષણવારમાં કરી શકે છે. સદ્ગુરુના સત્સંગની પ્રત્યેક ક્ષણ અત્યંત પ્રભાવશાળી હોય છે. જ્ઞાની ગુરુના પ્રત્યક્ષ સમાગમથી મુમુક્ષુ જીવને અનેક પડખાંથી આત્માર્થનું પોષણ મળે છે. સ્વરૂપમર્યાદામાં કેલી કરનાર બાહ્યભાવનિરપેક્ષ સદ્ગુરુના ગુણાતિશયપણાથી, સમ્યક્ ચરણથી, પરમ જ્ઞાનથી, પરમ શાંતિથી, પરમ નિવૃત્તિથી જીવની આધ્યાત્મિક ચેતનાનો વિકાસ થાય છે.
સદ્ગુરુના સાનિધ્યથી સંસારના પ્રસંગો અને પ્રકારોમાંથી જીવની વૃત્તિ પાછી વળે છે. કદી કુવૃત્તિઓનું જોર વધી જાય અને શિષ્યની સાધનાની ભૂમિમાં જબરદસ્ત ધરતીકંપ થાય ત્યારે સદ્ગુરુ તેની પડખે ઊભા રહી, તેનામાં આત્મવિશ્વાસ જગાડે છે અને વૃત્તિઓ સામેનો સંગ્રામ જીતવા માટે પ્રેરણા કરે છે. તેમના બોધના આશ્રયે જીવની અશુભ વૃત્તિઓ પરિવર્તન પામી, શુભ બની, સ્વરૂપ પ્રત્યે વળતી જાય છે અને પ્રાંતે સ્વરૂપસ્થિતિ થાય છે. શ્રીમદ્ કહે છે -
જેનાં વચન સાંભળવાથી આત્મા સ્થિર થાય, વૃત્તિ નિર્મળ થાય તે પુરુષનાં વચન શ્રવણ થાય તો પછી સમ્યકત્વ થાય.”
જિજ્ઞાસુ જીવને સદ્ગુરુનું આવું મહત્ત્વ સમજાયું હોય છે. તેના અંતરમાં એવો નિર્ણય વર્તે છે કે શાશ્વત, સ્વાધીન સુખને પ્રાપ્ત કરવા માટે, જેમના આશ્રમમાં એ પ્રાપ્ત થઈ શકે એવા યોગ્ય પુરુષની ખોજ કરવી જોઈએ. મહતું પુણ્યના યોગે જ્યારે તેને સદ્ગુરુનો યોગ થાય છે ત્યારે તેના જીવનમાં અપૂર્વ ઉત્સાહ જાગે છે. સંસાર૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૭૨ (પત્રાંક-૪૪૯) ૨- એજન, પૃ.૭૧૮ (ઉપદેશછાયા-૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org