Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૦૯
૪૪૭
તને કોઈ લાભ-નુકસાન નથી, કારણ કે સ્વદ્રવ્ય અને ૫૨દ્રવ્ય બન્ને સ્વતંત્ર છે. સ્વભાવના અવલંબન વિના બીજેથી સુખ-શાંતિ આવવાના નથી અને સ્વભાવના અવલંબને જે સુખ-શાંતિ પ્રગટે છે તે બીજા કોઈ પરિબળથી હાનિ પામવાનાં નથી.'
‘હે જીવ! આ જગતમાં તું જ સર્વોત્કૃષ્ટ પદાર્થ છે. તું આનંદસ્વરૂપ છે, શાંતિનું ધામ છે, જ્ઞાનનો પિંડ છે, કૃતાર્થ છે, તારામાં અધૂરાપણું નથી. તું બધાં જ દ્રવ્યોથી વિલક્ષણ, અસાધારણ ચૈતન્યસ્વભાવવાળો, અર્થાત્ સ્વ અને પરને જાણવારૂપ અચિંત્ય સામર્થ્યવાન સ્વભાવનો ધારક છે. તું તારા અર્ચિત્ય સામર્થ્યવાન સુખ, શાંતિ આદિ અનંત ગુણોની મહાન સંપદા સહિત, અનાદિ-અનંત જગતનાં બધાં જ દ્રવ્યોથી મહાન છે. તું તારા ત્રિકાળી સ્વભાવનું લક્ષ કરશે તો પર્યાયમાં સ્વભાવનું વેદન થયા વિના રહેશે નહીં. દ્રવ્યની પૂર્ણતા અને શુદ્ધતા પર્યાયમાં વ્યક્ત થશે. ત્રિકાળી સ્વભાવના લક્ષે પર્યાયમાં વિકાર ઉત્પન્ન થશે નહીં. શુદ્ધ ચિદાનંદસ્વભાવની સન્મુખ થતાં તું વિકારથી વિમુખ થતો જશે. રાગાદિ પરભાવરૂપ ઉપાધિ છૂટતાં કર્મબંધની અનાદિની પરંપરા તૂટી જશે. રાગપરિણતિથી કર્મનું બંધન, કર્મના ઉદય વખતે ફરી રાગપરિણતિ, તેનાથી ફરી કર્મબંધન આવી પરંપરા અનાદિથી અતૂટ છે; પણ સ્વભાવ તરફ તારી પરિણતિ વળતાં પૂર્વની તે રાગાદિ પરિણતિ છૂટી જશે, કર્મબંધની પરંપરા પણ તૂટી જશે અને છેવટે સમસ્ત કર્મોથી તું મુક્ત થશે.'
શિષ્યનું વીર્ય જાગૃત કરવા શ્રીગુરુ નિષ્કારણ કરુણાવશ કહે છે કે ‘હું શુદ્ધ છું, પૂર્ણ છું, ધ્રુવ છું, નિત્ય છું એમ તારા અશરીરી, અવિકારી, અનાદિ-અનંત, પૂર્ણ, ચિદાનંદઘન સ્વભાવની હા પાડ. તારા સ્વરૂપના અમે જે ગુણગાન કરીએ છીએ, ગુણગાનમાં ઉત્સાહથી હકાર લાવ; હા બોલી તેનો સ્વીકાર કર, હા બોલવાની લત લગાવ તો જરૂર જલદીથી જ તારી હાલત બદલાઈ જશે. અમે તને તારો આનંદસ્વભાવ બતાવીએ છીએ. તેને જાણીને તું પ્રસન્ન થા, આનંદિત થા. અનંતો કાળ અજ્ઞાનનાં દુઃખમાં વીતાવ્યો છતાં સ્વભાવમાં આનંદનો સાગર ભરેલો છે. અંતર્મુખ થતાં તેનું સંવેદન પ્રગટે છે. આનંદસાગરમાં નજર કરતાં એક ક્ષણમાં જ અનંત કાળનાં દુઃખ દૂર થાય છે અને અપૂર્વ આનંદનું વેદન થાય છે. ચારે ગતિનાં દુ:ખોથી છૂટવાનો અને પરમ આનંદરૂપ સિદ્ધિની પ્રાપ્તિનો આ અવસર છે, માટે ઉપયોગને અંતરમાં વાળીને તારા ચૈતન્યને નિહાળ. તું અંતર્મુખ થઈને તારા આનંદને તારા અંતરમાં જ શોધ. આનંદસ્વભાવનો વિશ્વાસ કરી, તેમાં એકાગ્રતા કરવાથી અનુપમ, અવર્ણનીય, અતીન્દ્રિય આનંદ અવશ્ય પ્રગટશે.'
જિજ્ઞાસુ જીવ સદ્ગુરુના બોધનું શ્રવણ અત્યંત રુચિપૂર્વક, વિનયપૂર્વક અહોભાવ સાથે કરે છે. તે સત્પાત્રતાયુક્ત હોવાથી તેને સદ્ગુરુનો બોધ પરિણમે છે. તે સદ્ગુરુનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org