Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૦૯
૪૫૫ કરતાં જ્ઞાન અને રાગ વચ્ચેનો ભેદ સમજાય છે અને ભેદજ્ઞાનનો પુરુષાર્થ શરૂ થાય છે. ભેદજ્ઞાન એ વર્તતા વિભાવના નિષેધપૂર્વક પ્રગટ સ્વભાવનો આદર છે. વાંચન આદિ બાહ્ય ક્રિયા છે, ભેદજ્ઞાન અંતરક્રિયા છે અને કોઈ પણ પ્રકારના બાહ્ય અવલંબન વિના તે સતત થઈ શકે છે. તેથી ભેદજ્ઞાનના પ્રયોગ માટે ઉત્સુક એવો જિજ્ઞાસુ જીવ દરેક કાર્ય વખતે પોતાના ઉપયોગમાં રહેલી જ્ઞાનની વ્યાપકતાને અવલોકે છે, તપાસે છે, જેથી રાગાદિથી ભિન્ન એવા જ્ઞાનરૂપે પોતે પોતાને અનુભવે છે. હું ક્રોધાદિ કષાય નથી, રાગાદિ વિભાવ તે હું નથી, હું માત્ર જ્ઞાયક સ્વભાવી છું' એમ ભેદજ્ઞાન થવાથી વિભાવ અત્યંત મંદ પડતો જાય છે. શેરડીમાં રસ છે, પણ કૂચાના સંયોગના કારણે રસ પ્રત્યક્ષ જુદો દેખાતો નથી; છતાં ‘રસ અને કૂચા જુદાં છે' એવા જ્ઞાનના આધારે રસ અને કૂચા જુદા પાડવામાં આવે છે; તેમ પુદ્ગલકર્મના સંયોગથી જે વિકારભાવ થાય છે તે આત્માનું સ્વરૂપ નથી. આત્મા તો પૂર્ણ, અવિકારી, ધ્રુવ, અખંડસ્વભાવી છે. વર્તમાન અવસ્થામાં ક્ષણિક રાગાદિ વિકાર થતા હોવા છતાં આત્મા તો ત્યારે પણ અવિકારી જ છે' એવા ભેદજ્ઞાનના બળ વડે રાગાદિ વિકાર ટળતા જાય છે.
સ્વરૂપની અપૂર્વ જિજ્ઞાસા સાથે નીકળેલો મુમુક્ષુ જીવ સદ્ગુરુના બોધને વારંવાર સ્મૃતિમાં લાવીને સ્વભાવ-વિભાવ વચ્ચે ભેદજ્ઞાન કરતાં કરતાં સ્વભાવ તરફનું વલણ વધારતો જાય છે. હવે તે સ્વરૂપસન્મુખતાની ભૂમિકામાં આવે છે, સ્વસમ્મુખ પુરુષાર્થના અપૂર્વ તબક્કામાં પ્રવેશ કરે છે. ઉદયપ્રસંગે લક્ષ પૂર્વે પરપદાર્થ પ્રત્યે જતું હતું, તે હવે યથાર્થ નિજ અવલોકનના બળથી પોતાના ભાવો ઉપર જવા માંડે છે અને ભેદજ્ઞાનના બળ વડે ઉપયોગ અંતર તરફ - ત્રિકાળી આત્મસ્વભાવ તરફ વળે છે. નિજ અવલોકનથી ભેદજ્ઞાન અને ભેદજ્ઞાનથી સ્વરૂપસન્મુખતા સધાય છે. બહિર્મુખ ઉપયોગ માત્ર પરનો અભ્યાસ કરતો હતો, તે ઉપયોગ નિજ અવલોકન થતાં પર્યાયનો અભ્યાસ કરે છે, દોષનું વેદન થાય છે અને સ્વરૂપસન્મુખતાના તબક્કામાં ઉપયોગ પૂર્ણ નિર્દોષ સ્વભાવ તરફ વળે છે કે જ્યાં પૂર્ણ શુચિ જ છે, જ્યાં અશુચિનો પ્રવેશ ક્યારે પણ થયો જ નથી. જિજ્ઞાસુ જીવ ચારે બાજુથી પોતાના ઉપયોગને સંકેલી લઈને સ્વરૂપસન્મુખ થાય છે. સર્વનું લક્ષ છોડી, તે એક નિરપેક્ષ ત્રિકાળી ચૈતન્યસ્વરૂપનો આશ્રય કરે છે. તે કેવળ શુદ્ધાત્માનું અવલંબન લે છે. તે પોતાનાં વિષય, આશ્રય અને આલંબન તરીકે - જેમાં કોઈ ભેદ નથી, જેમાં કોઈ પરિણમન નથી એવા અભેદ, એકરૂપ, નિર્વિકારી, ધ્રુવ જ્ઞાયકપ્રભુને ગ્રહણ કરે છે. તે પોતાના ચિદાનંદસ્વભાવનું અનુસંધાન કરે છે, સ્વરૂપજાગૃતિ કેળવે છે.
તે જિજ્ઞાસુ જીવને સ્વભાવનો અચિંત્ય મહિમા આવે છે. સ્વભાવમાં જ તેને રસ લાગે છે. અન્ય સર્વ તેને નીરસ લાગે છે. આત્મસાધનાના પંથે તેનો વિકાસ હવે વેગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org