________________
૫૪૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
વિભાવરૂપ સ્વપ્ન આત્મજ્ઞાનરૂપી જાગૃતિ આવતાં વિલીન થાય છે. જેમ જાગૃત થતાં સ્વપ્નમાળાનો એક પળમાં અંત આવી જાય છે, તેમ આત્મજ્ઞાનનું આગમન દેહ અને કર્મકૃત વ્યક્તિત્વ સાથેના અનાદિના તાદાત્મ્યને એક ક્ષણમાં ચીરી નાંખે છે. દેહ અને શુભાશુભ ભાવ સાથે જે તાદાત્મ્ય થઈ ગયું હતું તે આત્મજ્ઞાન થતાં દૂર થઈ જાય છે. શુભાશુભ છેદતાં મોક્ષસ્વભાવ ઊપજે છે એમ જે પ્રથમ કહ્યું હતું, તેના અનુસંધાનમાં અહીં શ્રીગુરુ કહે છે કે શુભાશુભ છેદવા માટે અનંત કાળ નથી જોઈતો. જેમ કરોડ વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતાં સત્વર વિલીન થાય છે, તેમ અનાદિનો વિભાવ પણ જ્ઞાન થતાં સત્વર દૂર થાય છે.
વિશેષાર્થ
સામાન્યપણે જાગૃતિ અને ઊંધ એ બે અવસ્થાઓથી જીવ પરિચિત છે. જાગૃત અવસ્થામાં મન અને ઇન્દ્રિયો સક્રિય હોય છે, તેથી બહારના જગતનો બોધ થાય છે. જ્યારે જીવ જાગૃત હોય છે ત્યારે મન અને ઇન્દ્રિયો બાહ્ય જગત સાથેના સંપર્કમાં રહી તેનું જ્ઞાન કરાવે છે. ઊંઘમાં અથવા સુષુપ્ત અવસ્થામાં મન અને ઇન્દ્રિયો સક્રિય હોતાં નથી, તેથી બહારના જગતનું જ્ઞાન થતું નથી. નિદ્રામાં ઇન્દ્રિયો અને મન પોતપોતાનું કામ બંધ કરે છે, બાહ્ય જગત સાથેનો સંપર્ક કપાઈ જાય અને જીવ શૂન્યતામાં ખોવાઈ જાય છે. કેટલીક વાર શૂન્યતામાં ખોવાઈ જવાને બદલે જીવ સ્વપ્ન જુએ છે. સ્વપ્ન અવસ્થામાં પૂર્ણ જાગૃતિ પણ નથી અને પૂર્ણ નિદ્રા પણ નથી. સ્વપ્ન અવસ્થામાં ઇન્દ્રિયો સક્રિય હોતી નથી, પણ મન સક્રિય હોય છે. સ્વપ્નાવસ્થામાં ઇન્દ્રિયો બાહ્ય જગતની નોંધ લેતી નથી, શરીર નિશ્ચેષ્ટ પડ્યું હોય છે, પરંતુ મન ગતિશીલ રહે છે. સ્વપ્નમાં બહારના જગત સાથેનો સંપર્ક તૂટી જાય છે, પરંતુ પોતામાં પડેલાં જગતના પદાર્થોનાં પ્રતિબિંબનું તેને જ્ઞાન થાય છે. નિદ્રા જ્યારે ગાઢ ન હોય અને તે તંદ્રામાં પડ્યો હોય ત્યારે તેનું અવચેતન મન જાગૃત થાય છે અને અંદર પડેલા જન્મ-જન્માંતરના વિભિન્ન સંસ્કારો, એકત્રિત થયેલી વાસનાઓ ચિત્તપટ ઉપર વ્યક્ત થાય છે. આમ, દબાયેલી ઇચ્છાઓ, વાસનાઓનું નિદ્રાવસ્થામાં જે વિસ્તરણ થાય છે તેને સ્વપ્નાવસ્થા કહેવાય છે. સ્વપ્નાવસ્થામાં જીવ જાગૃતસંસાર જેવો જ એક સ્વપ્નસંસાર રચે છે.
આ સ્વપ્નસૃષ્ટિ તે અસત્કલ્પનારૂપ મિથ્યા આભાસ માત્ર છે, અર્થાત્ તે અસત્ય છે, ભ્રામક છે, ક્ષણિક છે. સ્વપ્નાવસ્થામાં જે દેખાતું હોય છે તે, સ્વપ્ન ચાલુ હોય ત્યાં સુધી સાચું ભાસે છે. આ સ્વપ્નાવસ્થા ક્યારેક લાંબો સમય ચાલે છે તો ક્યારેક થોડો સમય ચાલે છે, પરંતુ જ્યારે જીવ નિદ્રામાંથી જાગૃત થાય છે ત્યારે તે સ્વપ્ન તરત વિલીન થઈ જાય છે. સ્વપ્ન ગમે તેટલું લાંબું હોય તોપણ તેને લય થતાં વાર લાગતી નથી. આખી રાત ચાલેલું સ્વપ્ન પણ જાગૃત થતાં ક્ષણવારમાં વિલીન થઈ જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org