________________
૬૦૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન (ii) જેમ આત્માનું સ્વરૂપ સર્વ પરદ્રવ્યથી ભિન્ન, અત્યંત નિર્મળ અને પવિત્ર છે, પરનો સ્પર્શ પણ તે શુદ્ધ સ્વરૂપને થયો નથી; તેમ આત્મા રાગ-દ્વેષરૂપ વિકારભાવથી પણ કેવળ ભિન્ન જ છે. રાગ-દ્વેષ આત્મામાં થતા હોવા છતાં તે સ્વભાવભૂત નથી, પરંતુ આરોપિત ભાવ છે.
જીવના અસ્તિત્વનાં બે પડખાં છે - દ્રવ્ય અને પર્યાય, અર્થાત્ ત્રિકાળી ભાવ અને વર્તમાન બદલાતો ભાવ. જીવમાત્રનું દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ જ હોય છે. પર્યાયની અપેક્ષાએ સંસારી જીવ અશુદ્ધ છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી સમસ્ત જીવો શુદ્ધ જ છે, પરંતુ સંસારી અવસ્થામાં જીવોની વર્તમાન પર્યાય દ્રવ્યકર્મના ઉદયમાં જોડાવાથી રાગાદિરૂપ અશુદ્ધ છે. આમ, આત્મા સ્વભાવે ત્રિકાળી શુદ્ધ છે અને વર્તમાન અવસ્થામાં અશુદ્ધ છે. અશુદ્ધતા પરના અવલંબને થાય છે, તેથી તે ટળી શકે એમ છે. સ્વરૂપનો આશ્રય કરવાથી પર્યાયમાં રહેલી અશુદ્ધિ ટાળી શકાય છે. ક્ષણિક અવસ્થાની અશુદ્ધતા વખતે જો આખો આત્મા તદ્દન અશુદ્ધ થઈ જાય, સ્વભાવે પણ શુદ્ધ ન રહે તો અશુદ્ધતા ટળીને શુદ્ધતા આવશે ક્યાંથી? શક્તિરૂપે શુદ્ધતા હોય તો જ તે પર્યાયમાં વ્યક્ત થઈ શકે છે.
જેમ સમુદ્રમાં કોઈ મોજું મેલું હોય તો તેનાથી કાંઈ આખો સમુદ્ર મેલો થઈ જતો નથી. ક્ષણિક મેલું મોજું આખા સમુદ્રને મેલો કરવા સમર્થ પણ નથી. મેલા મોજા વખતે પણ સમુદ્ર તો નિર્મળ છે. તેમ આ આત્મા શુદ્ધતાનો સમુદ્ર છે. તેની વર્તમાન દશામાં જે મલિનતા દેખાય છે તે ક્ષણિક છે. આખું આત્મસ્વરૂપ મેલું નથી, આત્મસ્વરૂપ શુદ્ધ એકરૂપ છે. જે ક્ષણિક વિકારભાવ થાય છે, તે ભાવ આખા શુદ્ધ સ્વરૂપને મલિન કરવા સમર્થ નથી. ક્ષણિક વિકાર વખતે પણ આત્મસ્વભાવ તો શુદ્ધ જ છે. નિર્મળ જળથી ભરેલા સમુદ્રના કિનારે આવતું મલિન મોજું એ કાંઈ આખો સમુદ્ર નથી. મૂળ સ્વરૂપે સમુદ્રને જુઓ તો તે સમુદ્ર અને તેનું પાણી એકરૂપ, ચોખ્ખાં છે. મોજાની મલિનતા તો બહારની ઉપાધિ છે. તેમ આ આત્મામાં વર્તમાન જે વિકારભાવરૂપ મલિન તરંગ દેખાય છે તેટલો જ કાંઈ આત્મા નથી. જો આત્માને મૂળ સ્વરૂપે જુઓ તો તેમાં વિકાર નથી. આત્માનું મૂળ સ્વરૂપ શુદ્ધ છે. જેમ સમુદ્રનો સ્વભાવ છે કે મેલને પોતામાં રહેવા ન દે પણ બહાર ફેંકી દે, તેમ આત્મસ્વરૂપમાં વિકારભાવોનો પ્રવેશ થઈ શકતો નથી. આત્મા અંતસ્તત્ત્વ છે અને વિકાર બહિસ્તત્ત્વ છે. અંતસ્તત્ત્વમાં બહિસ્તત્ત્વનો પ્રવેશ નથી.
આમ, જે રાગ-દ્વેષાદિ ભાવો થાય છે તે આત્માના મૂળ સ્વરૂપમાં નથી, પણ પર્યાયમાં ઉપરટપકે થનારા વિકારી ભાવો છે. તે ઉપરટપકે થનારા ભાવો જેટલો જ આત્માને ન માનીને, તેના મૂળ સ્વરૂપ પ્રત્યે દષ્ટિ કરવી જોઈએ. વિકાર જેટલો જ આત્માને માનવો તે અજ્ઞાન છે અને વિકારથી ભિન્ન શુદ્ધ આત્મસ્વરૂપને જાણવું તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org