________________
૬૫૨
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન અને તે પણ એકલા એકલા આખી રાત કાઢવી પડશે. આ સભાનતાથી તે સર્વ કાર્યોને ભૂલીને માત્ર તેની માને શોધવાના કાર્યમાં જ લીન રહ્યો. સાધકને પણ ખ્યાલ હોય છે કે જીવનની સંધ્યા સુધીમાં જો આત્મા નહીં મળે તો ચાર ગતિમાં અને ચોર્યાસી લાખ યોનિઓમાં અનંત કાળ સુધી ભટકવું પડશે. પોતાને અનંત દુ:ખ ભોગવવું પડશે એવી ખબર હોવાથી તે મનુષ્યભવનો અમૂલ્ય સમય વિષય-કષાયમાં બરબાદ નથી કરતો. જો એ બાળકને કોઈ કહે કે તડકામાં ઊભા રહીને બહુ થાકી ગયો હશે. જરા ખા-પી, રમતો રમ, પછી માને શોધજે. હજી તો આખો દિવસ બાકી છે, જલદી શું છે?.....' તો તે તેનું સાંભળે? ના. એવું નથી કે બાળક ભૂખ્યો જ રહેશે. તે ખાશે પણ ખરો, પણ તેને એમાં રસ નહીં પડે. તડકો સહન નહીં થાય તો છાયડામાં બેસશે પણ ખરો, પણ તેનું ધ્યાન તો માને શોધવામાં જ લાગેલું રહેશે. એક પણ સ્ત્રી તેના ધ્યાનની બહાર નહીં જાય. તેમ સાધક ભોજનાદિ કરે પણ તેનું ધ્યાન સદા આત્મા ઉપર હોય છે. પુણ્યોદયે અનુકૂળ સુવિધાઓ મળે તો તેમાં અજાગૃત થઈ લિપ્ત નથી બનતો. તે પોતાનું ધ્યાન સદા આત્મા ઉપર રાખે છે. વ્યવહારમાં જોડાવું પડે તો જોડાય છે, પણ દૃષ્ટિ લક્ષ ઉપરથી હટતી નથી. જેમ બાળકને સાંજ પડ્યા પહેલાં માને શોધવી જ છે એવી તાલાવેલી હતી, તેમ આ દેહ છૂટે તે પહેલાં દેહદેવળનો દેવ પ્રાપ્ત કરવો જ છે. એવી સાધકને તીવ્ર તાલાવેલી રહે છે.
જેમ બાળકે પોતાની માની ખોજ માટે મેળાની સમસ્ત સ્ત્રીઓને બે ભાગમાં વિભાજિત કરી હતી, એકમાં માત્ર પોતાની મા અને બીજામાં સર્વ અન્ય સ્ત્રીઓ; તેમ આત્માર્થી પણ સ્વરૂપ પ્રાપ્તિ માટે વિશ્વનાં સમસ્ત દ્રવ્યોને બે ભાગમાં વિભાજિત કરે છે. એકમાં માત્ર સ્વદ્રવ્ય, અર્થાત્ નિજ શુદ્ધાત્મા અને બીજામાં તમામ પારદ્રવ્ય, અર્થાત્ પોતાના આત્મા સિવાયના અન્ય સર્વ જડ-ચેતન પદાર્થો.
જેવી રીતે બાળકને પોતાની માને શોધવા માટે અન્ય સર્વ સ્ત્રીઓને જોવી તો પડતી હતી, તે છતાં મળવા-આદરવા-ભેટવાયોગ્ય સ્ત્રી તો તેને માત્ર પોતાની મા જ લાગતી હતી; તેમ આત્માર્થીને આત્મપ્રાપ્તિના પંથે વિચરતાં બીજા પદાર્થો જોવાજાણવા તો પડે છે, પણ તન્મય થવા જેવો પદાર્થ તો તેને એક સ્વ-આત્મા જ લાગે છે. ત્રણ કાળ - ત્રણ લોકમાં પોતાપણું સ્થાપિત કરવા જેવો પદાર્થ તો એક પોતાનો આત્મા જ પ્રતીત થાય છે.
બાળક માને શોધવાની પ્રક્રિયામાં અનેક સ્ત્રીઓને જોતો હતો, પણ તેની દષ્ટિ કોઈ પણ સ્ત્રી ઉપર જામતી ન હતી. જેવું નક્કી થતું કે આ તેની મા નથી કે તરત તે નજર ફેરવી દેતો. તેની નજર સામે સેંકડો સ્ત્રીઓ આવતી, પણ આ મારી મા નથી તે જણાતાં જ દષ્ટિ તરત જ તે સ્ત્રી ઉપરથી હટી જતી. બાળક તે અન્ય સ્ત્રીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org