Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬પ૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પ્રગટ્યું. અહીં “આવ્યું અપૂર્વ ભાન' દ્વારા માત્ર આત્માની બૌદ્ધિક સમજણ કે શાસ્ત્રોક્ત માહિતી અભિપ્રેત નથી, પરંતુ સ્વાનુભવથી ઉત્પન્ન થયેલી પ્રતીતિ અને જાગૃતિ અભિપ્રેત છે. જે સ્વરૂપ સમજ્યા વિના જીવ અનંત દુ:ખ પામ્યો હતો, તે સ્વરૂપનું ભાન - પૂર્વે કોઈ દિવસ નહીં થયેલું એવું ભાન, સદ્ગુરુના ઉપદેશ દ્વારા લાધ્યું અને પોતાનું સ્વરૂપ પોતાને વિષે જેમ છે તેમ યથાતથ્ય ભાસ્યું. જેમ પવન વાદળાંને દૂર કરી સૂર્યનું દર્શન કરાવે છે, તેમ સગુરુના બોધ દ્વારા અજ્ઞાન દૂર થઈ સ્વરૂપસૂર્યનું દર્શન થાય છે. અનાદિનું દેહાત્મબુદ્ધિરૂપ અજ્ઞાન દૂર થાય છે. જે સગુરુના ઉપદેશ દ્વારા પોતાને અપૂર્વ ભાન પ્રગટે છે, તેમના પ્રત્યે શિષ્યને અહોભાવ થાય છે અને અંતરમાં તે ઊંડી કૃતજ્ઞતાનો ભાવ વેદે છે. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે –
‘તે કૃતજ્ઞ શિષ્યને સદ્દગુરુનો અનન્ય ઉપકાર કેવો વેદાય? જેમ બેશુદ્ધ કરતા ઔષધથી (ધતૂરા, મદીરા, chloroform) જીવ શરીરનું ભાન ભૂલી જાય છે, બેહોશ બની જાય છે, તેમ આત્મા દર્શનમોહના ઉદયથી આત્મભાન ભૂલી બેભાન થઈ ગયો હતો, તે આત્મભાન જેણે જગાડ્યું તે સદ્ગુરુ ભગવાનનો કેવો અનન્ય પરમ ઉપકાર? જેણે અનંત ગુણનિધાન અચિંત્ય ચિત્તામણિ સ્વરૂપ એવા આત્માનું ભાન પ્રગટાવી સમ્યગદર્શન કરાવ્યું એવા સદ્દગુરુ ભગવાનનો કેવો અનંત અપાર અચિંત્ય ઉપકાર?’
જ્ઞાનરૂપી અંજનશલાકા(આંજવાની સળી)થી અજ્ઞાનરૂપી અંધકારથી અંધ એવા પોતાનાં નેત્ર ખોલનાર સદ્ગુરુનો શિષ્યને અત્યંત મહિમા વર્તે છે. મિથ્યાત્વના તાળાના કારણે જે ચૈતન્યખજાનો બંધ હતો, તે શ્રી સદ્ગુરુ ભગવાને અનંત કૃપા કરીને બતાવ્યો અને જ્ઞાનાનંદરૂપી નિધાનનો સ્વામી બનાવ્યો; તેથી શિષ્ય શ્રીગુરુનો ઉપકાર માને છે. પોતાના અંતરમાં શ્રીગુરુનો અદ્ભુત પ્રભાવ વેદાતાં શિષ્યને શ્રીગુરુ પ્રત્યે અપૂર્વ ભક્તિ ઉત્પન્ન થાય છે.
આમ, આ ગાથામાં સુશિષ્ય પોતાને થયેલા અપૂર્વ ભાનનો સ્વીકાર કરે છે. ૨ ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, “રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૪૭૮ ૨- આ પ્રકારનું કથન ‘શ્રીમદ્ ભગવદ્ગીતા'માં પણ જોવા મળે છે. શ્રીકૃષ્ણ દ્વારા સદુપદેશનું પાન કર્યા પછી અર્જુન ‘શ્રીમદ્ ભગવદ્ગીતા'ના અગિયારમાં અધ્યાયમાં શ્રીકૃષ્ણને સંબોધીને કહે છે :
'मदनुग्रहाय परमं गुह्यमध्यात्मसंज्ञितम् ।
यत्त्वयोत्त्कं वचस्तेन मोहोऽयं विगतो मम ।।' અર્થ – હે ભગવાન! મારા ઉપર અનુગ્રહ કરવા આપે જે પરમ ગોપ્ય-ગોપનીય અધ્યાત્મવિષયક વચનોનું કથન કર્યું છે, તેનાથી મારું અજ્ઞાન નષ્ટ થઈ ગયું છે, અર્થાત્ મારી અવિવેકબુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે.
- “શ્રીમદ્ ભગવદ્ગીતા', અધ્યાય ૧૧, શ્લોક ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org