Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
સ્વભાવદશામાં કે વિભાવદશામાં તેની જ્ઞાનક્રિયા તો ચાલુ જ રહે છે.
આત્મા સર્વ પરથી ભિન્ન, પરિપૂર્ણ જ્ઞાનસ્વભાવી છે; અર્થાત્ આત્મા પરની અપેક્ષા વગર પોતાના જ્ઞાનસ્વભાવથી પરિપૂર્ણ છે. જેમ સોનાને ત્રાંબાના સંયોગની અપેક્ષાએ જોવામાં આવે તો જેટલા પ્રમાણમાં ત્રાંબાનો સંયોગ હોય, તે અનુસાર ૧૪ કેરેટ, ૨૨ કેરેટ વગેરે ભેદથી સોનાની ઓળખ થાય છે, પણ ત્રાંબાના સંયોગનું લક્ષ છોડીને એકલા સોનાને જોવામાં આવે તો તે એકલું ૨૪ કેરેટ સોનું જ છે. સોનું અને ત્રાંબાનો ભેદ જાણનાર માત્ર સોનાની જ કિંમત કરે છે, ત્રાંબાની નહીં. તેમ આત્મા પોતાના જ્ઞાનસ્વભાવથી પૂર્ણ છે. પરસંયોગથી અને પરસંયોગના લક્ષે થતા ભાવોની દૃષ્ટિથી જોતાં જ્ઞાનમાં અપૂર્ણતા દેખાય છે, પણ પરસંયોગ અને રાગાદિ ભાવોની અપેક્ષા છોડીને એકલા જ્ઞાનસ્વભાવને જોવામાં આવે તો તે હંમેશાં પૂર્ણ જ છે. જ્ઞાનસ્વભાવમાં કોઈ અપૂર્ણતા કે વિકાર નથી. જીવની ચેતના શુદ્ધ જ છે.
૬૬૦
જીવની ચેતના આકાશ જેવી શુદ્ધ છે. આકાશની સ્વચ્છતા અંતહીન છે. વાદળાં આવે છે, જાય છે; પરંતુ આકાશ ઉપર એનો કોઈ ડાઘ કે પ્રભાવ પડતો નથી. આકાશ વાદળાંથી અસ્પર્થ રહે છે, સ્વચ્છ રહે છે. આકાશમાં વાદળાંનાં કોઈ પદિચહ્ન પડતાં નથી. વાદળાંની કોઈ નિશાની, રેખા કે સ્મૃતિ રહેતી નથી. શેષ કંઈ જ રહેતું નથી. આકાશ વાદળાંથી ભરાઈ ગયું હોય ત્યારે એવું જણાય છે કે આકાશ મિલન થઈ ગયું છે, પરંતુ હકીકતમાં આકાશનો ખૂણો પંચમાત્ર પણ ભીંજાયો નથી. વાદળાં આવતાંજતાં રહે છે, છતાં પણ આકાશ તો સ્વચ્છ અને શુદ્ધ જ રહે છે. ચેતનાની બાબતમાં પણ આ જ વાત છે. વિચારો આવે છે અને જાય છે, પણ જીવની શુદ્ધ ચેતનાને તે સ્પર્શી શકતા નથી. તેને દૂષિત કે કલુષિત કરી શકતા નથી. ચેતના સ્વચ્છ અને શુદ્ધ જ રહે છે.
અજ્ઞાની જીવો રાગની સાથે ચેતનાને એકમેક કરે છે, તેથી તેમને રાગની જ પ્રસિદ્ધિ થયા કરે છે, પોતાના આત્માની પ્રસિદ્ધિ થતી નથી. આનું નામ અધર્મ છે. ચેતનાને રાગથી જુદી ઓળખે, રાગ સાથે એકતા છોડીને ત્રિકાળી સ્વભાવ સાથે જ એકતા પ્રગટ કરે તો આત્માની પ્રસિદ્ધિ થાય. જ્યારે અંદર આવી પ્રસિદ્ધિ થાય ત્યારે જીવને સમ્યગ્દર્શન પ્રગટ થયું એમ શ્રી વીતરાગદેવ કહે છે. અત્રે શિષ્યને નિજાત્માની પ્રસિદ્ધિ થઈ છે, સમ્યગ્દર્શન પ્રગટ થયું છે. પહેલાં તે પરને પોતાનું સ્વરૂપ માની રાગાદિમાં અટકતો હતો, પણ હવે પોતે દેહાદિ પરદ્રવ્ય અને રાગાદિ પરભાવોથી અત્યંત ભિન્ન, એક, શુદ્ધ, દર્શન-જ્ઞાનમય, અરૂપી તત્ત્વ છે એમ તેને અનુભૂતિ થઈ છે. અહીં ‘સમયસાર' ગ્રંથની ૩૮મી ગાથા ઉલ્લેખનીય છે. શાસ્ત્રકાર આચાર્યશ્રી કુંદકુંદદેવ કહે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org