________________
૬૧૦
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન
ઊતરે છે અને સ્વસંવેદનમાં તે જ્ઞાન અતીન્દ્રિય થઈ પોતાના સ્વભાવને પકડી લે છે. આત્માનો આશ્રય કરતાં જ્ઞાન અતીન્દ્રિય થઈ પોતાના પરમ શુદ્ધ જ્ઞાનસ્વભાવનો અનુભવ કરે છે. જ્યારે નિજસ્વભાવનું જ્ઞાન અખંડપણે વર્તે છે ત્યારે ત્રણ કાળ, ત્રણ લોક જ્ઞાનમાં ઝળકે છે. આત્મદ્રવ્ય આવા અનંત જ્ઞાનનું ધણી છે, તે બોધસ્વરૂપ છે. (૩) “ચૈતન્યઘન’ – આત્મા ચૈતન્યપ્રદેશાત્મક છે. તેના પ્રદેશ પ્રદેશે કેવળ ચૈતન્ય જ છે. જેમ નક્કર વસ્તુમાં પરવસ્તુના પ્રવેશનો અવકાશ નથી, તેમ આત્મા પણ ચૈતન્યનો ઘન છે, નક્કર પિંડ છે, જેમાં પરદ્રવ્યના પ્રવેશનો અવકાશ નથી. તે વજના કિલ્લા સમાન છે.
આત્મા ચૈતન્યશક્તિવાળો છે, માટે તે જડ નથી. ‘ચિત્' એટલે જાણવું. આ ધાતુ ઉપરથી ચેતના, ચૈતન્ય આદિ શબ્દો બનેલા છે. જે ચૈતન્યમાત્ર છે અને ચૈતન્યપ્રાણ વડે જે જીવે છે એવું આત્મદ્રવ્ય ચેતનત્વથી પરિપૂર્ણ ભરેલું છે અને જડત્વથી નિતાંત શૂન્ય છે, જ્યારે અજીવતત્ત્વ જડત્વ સ્વભાવથી ભરેલું છે અને ચેતનત્વથી નિતાંત શૂન્ય છે. અજીવતત્ત્વના પ્રત્યેક અંશમાં જડત્વ છે. તેના ગુણો જડ છે. તેની પર્યાયો જડ છે. આ જડત્વથી વિરુદ્ધ ભાવ તે ચેતનત્વ છે. ચેતનત્વ જેનું સ્વરૂપ છે તે જ આત્મદ્રવ્ય છે, જીવતત્ત્વ છે.
આત્મા કેવળ ચૈતન્યસ્વરૂપ જ છે. તેમાં જડત્વનો અંશમાત્ર નથી. તે પૂર્ણપણે ચૈતન્યમય - જ્ઞાન-દર્શનમય છે. આત્મા અસંખ્યપ્રદેશાત્મક છે. તેના અસંખ્ય પ્રદેશે ચૈતન્ય, ચૈતન્ય ને ચૈતન્ય છે. ચારે તરફ ચૈતન્ય છે. જેમ સાકરના ગાંગડાના દરેકે દરેક કણમાં મીઠાશ છે, તેમ આત્માના દરેકે દરેક પ્રદેશમાં ચૈતન્ય છે. જેમ સાકરના ગાંગડામાં સર્વાગે મીઠાશ છે, તેમ આત્મામાં સર્વાગે ચૈતન્ય છે. સાકરમાં ઉપર, મધ્યે કે તળમાં જ્યાં જુઓ ત્યાં સર્વત્ર મીઠાશ છે, તેમ આત્મામાં સર્વત્ર ચૈતન્ય છે. જેમ સાકરનો ગાંગડો મીઠાશનો પિંડ છે, તેમ આત્મા ચૈતન્યનો પિંડ છે. આત્માની ચૈતન્યશક્તિ ચેતનરૂપે પરિણમતી હોવાથી, અર્થાત્ અજડભાવે પરિણમતી હોવાથી આત્માની અન્ય અનંત શક્તિઓ પણ ચેતનરૂપે પરિણમે છે. આત્મા અનંતી વિભૂતિઓથી ભરેલો છે. તે અનંત શક્તિઓનો રાશિ છે. આ સર્વ શક્તિઓ એકમાત્ર ચૈતન્યશક્તિના કારણે ચેતનરૂપે પરિણમે છે.
આત્મા ચૈતન્યમય હોવાથી આત્માને ચૈતન્યમૂર્તિ કહેવામાં આવે છે. સ્ફટિકની પ્રતિમાને ચારે તરફ ધૂળ લાગેલી હોવા છતાં તે ધૂળ સ્ફટિકમાં પેસી જતી નથી, તેમ શરીર અને કર્મરૂપી ધૂળની વચ્ચે ચૈતન્યમૂર્તિ આત્મા રહ્યો હોવા છતાં આત્મામાં તે પ્રવેશી શકતાં નથી. સ્ફટિકની પ્રતિમા જડ હોવાથી આંખથી દેખાય છે, હાથથી સ્પર્શાય છે, અર્થાત્ ઇન્દ્રિયો દ્વારા તે જણાય છે; પણ આત્મા અરૂપી ચૈતન્યમૂર્તિ હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org