Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૨૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
પણ આપે છે. શિષ્યની મોક્ષમાર્ગ સંબંધી શંકાઓનું સચોટ સમાધાન સરળપણે સંક્ષેપમાં કરી, તેની ઊંડી વિચારણા કરવાની ભલામણ કરી શ્રીગુરુ પોતાનું વક્તવ્ય પૂરું કરે છે અને તેઓ સહજ સમાધિમાં સ્થિત થાય છે. ભાષાસમિતિ વચનગુપ્તિમાં પરિણમતાં, શ્રીગુરુ મૌન થઈ આત્મસમાધિમાં લીન થાય છે.
જેણે ધર્મ કરવો હોય તેણે પોતાના આત્માને ઓળખવો જોઈએ. આત્માને ઓળખવો હોય તો જેમણે આત્માને ઓળખ્યો છે તેમનું પડખું સેવવું જોઈએ. સદ્ગુરુના નિરંતર અને નિકટ સમાગમથી આત્માની સમજણ પ્રાપ્ત થાય છે, તેનો અચિંત્ય મહિમા જાગે છે, તેને પ્રાપ્ત કરવાની તીખી તમન્ના જાગે છે. સદ્ગુરુને યથાર્થપણે ઓળખી, તેમની દૃઢ શ્રદ્ધા કરી, તેમનાં વચનો દ્વારા તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ જાણી, તેમાં હેય-જ્ઞેય-ઉપાદેય તત્ત્વ ઓળખી, તત્ત્વોની યથાર્થ પ્રતીતિ કરી, વિપરીત માન્યતાઓ છોડી, યથાર્થ ભેદજ્ઞાન આદરી, અંતર્મુખતાનો અભ્યાસ કરતાં સ્વાનુભૂતિ પ્રગટે છે, નિજવૈભવના ભોક્તા થવાય છે. સદ્ગુરુનાં વચનોના અવલંબનથી કલ્યાણનું મૂળ એવું સમ્યગ્દર્શન પમાય છે.
વિશેષાર્થ
સદ્ગુરુનાં પરમ શાંતરસમૂળ વીતરાગવચનો અંતરોગ ટાળવા માટે અમૃત સમાન છે. પોતાના શાંત સ્વભાવને ભૂલીને પરમાં સુખ માનવું તે રોગ છે. તે રોગ સદ્ગુરુનાં વચનામૃતથી દૂર થાય છે. સદ્ગુરુનાં વચનો વડે આત્મસ્વભાવ ઓળખાય છે. આત્મસ્વભાવ ઓળખાતાં સ્વવિષયમાં રુચિ જાગે છે અને ઇન્દ્રિયવિષયો પ્રત્યે વૈરાગ્ય આવે છે. ઇન્દ્રિયવિષયમાં રહેલી સુખબુદ્ધિનું વિરેચન થાય છે. વિષયોમાંથી સુખબુદ્ધિ ટળતાં મિથ્યાત્વરૂપી રોગ મટે છે. સાચી ધગશપૂર્વક જીવ જો સદ્ગુરુના વચનના અવલંબને શરીર વગેરે સર્વને શ્રદ્ધામાંથી જતાં કરે, અર્થાત્ આત્મા સિવાય સર્વ પરમાંથી અહંમમત્વ છોડી દે અને પરમાં સુખબુદ્ધિ વગેરે સઘળા વિપરીત અભિપ્રાયોને તજી દે તો અલ્પ કાળમાં તે મુક્ત થાય છે.
જેમ વૈદ્ય કહે કે આંગળી કપાવી નાખશો તો જ શરીર બચશે, તો ત્યાં આંગળી કપાવી નખાવતાં શરીર ટકશે એવો વિશ્વાસ આવવાથી આંગળી કપાવી નાખે છે. તેમ સદ્ગુરુ કહે છે કે ‘જો તારે સમાધિસુખમાં સ્થિર થવું હોય તો શરીર અને રાગાદિની શ્રદ્ધા છોડ. હું શરીર છું, વિકારી છું એવી માન્યતા છોડ. રાગ અને શરીર જાય તોપણ તું રહીશ. તારો નાશ નહીં થાય. સિદ્ધ ભગવંત શરીર અને રાગ વિના જ જીવે છે. એ જ સાચું જીવન છે. પોતાના આત્માને શરીરરૂપ-વિકારરૂપ માનવાથી આત્માનું ભાવમરણ થાય છે. તું તારા સ્વભાવને શરીરથી અને વિકારથી જુદો ઓળખ. મારો આત્મા જ્ઞાન-દર્શનની મૂર્તિ છે, શરીરાદિ હું નથી અને રાગાદિ મારું સ્વરૂપ નથી એમ શ્રદ્ધા કરી તારા આત્મસ્વભાવની દૃઢતા કર અને શરીરાદિનો મહિમા ટાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org