Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા – ૧૧૯
કેવળજ્ઞાનના બીજસ્વરૂપ એવા કલ્યાણપ્રદ સમ્યગ્દર્શનના નિવાસનાં સ્થાનક | ભૂમિકા| 21 એવાં આત્માનાં છ પદનું વિસ્તૃત કથન શ્રીમદે અભુત શૈલીથી ગુરુશિષ્યના સંવાદ દ્વારા ગાથા ૪૫ થી ૧૧૮ સુધી કર્યું. ગાથા ૧૧૮માં શ્રીમદ્ જણાવે છે કે શ્રીગુરુ પોતાનું વક્તવ્ય પૂરું કરી સહજ સમાધિમાં મગ્ન થાય છે. શ્રીગુરુ દ્વારા પ્રાપ્ત થયેલ છ પદની અદ્ભુત દેશના પામીને સુશિષ્યનું અંતઃકરણ પરમ સંતોષ અનુભવે છે. છ પદની આ દેશનાને ઝીલીને સુશિષ્યને અલૌકિક વિચારદશા જાગે છે. શ્રીગુરુએ આપેલ પ્રત્યેક ઉત્તર ઉપર શિષ્ય ઊંડાણથી વિચાર કરે છે અને તેથી તેને છ પદની નિઃશંક પ્રતીતિ થાય છે.
‘કર વિચાર તો પામ' એવી શ્રીગુરુની આજ્ઞા ઉપાસતાં સુશિષ્યના અંતરમાં દૃઢ તત્ત્વનિર્ણય તથા તત્ત્વનિશ્ચય થાય છે. તત્ત્વનું સ્વરૂપ દરેક પડખાથી, જેમ છે તેમ અવિરોધપણે સમજાયાથી તથા સંપૂર્ણપણે સંદેહરહિત થવાથી તેનું હૃદય અનુપમ ભાવોથી સભર થઈ જાય છે. તેનો આનંદ અત્યંત વધી જાય છે અને તેવી સ્થિતિમાં શ્રીગુરુની શાંત-વીતરાગી મુદ્રા અને સમાધિસ્થ દશાનું દર્શન થતાં તેનું ચિત્ત અંતર્મુખ બને છે.
સુશિષ્યને શ્રીગુરુની શાંત મુખાકૃતિનું અવલોકન કરતાં, તેમનાં મન-વચન-કાયાની અદ્ભુત ચેષ્ટાનાં રહસ્યો નિહાળતાં, તેમના અદ્ભુત ગુણો દૃષ્ટિગોચર થાય છે અને તે ઉપર વિચાર કરતાં તેના અંતરમાં શ્રીગુરુ પ્રત્યે અત્યંત અહોભાવ જાગૃત થાય છે. તેનો શ્રીગુરુ પ્રત્યેનો પ્રેમ અત્યંત વધી જાય છે. તેના પ્રેમભાવમાં વધુ ઊંડાણ આવતાં તેને પ્રેમસમાધિ પ્રાપ્ત થાય છે. પ્રેમસમાધિ એટલે સત્પરુષનાં સુખરૂપ સ્મરણ-દર્શનથી સહજપણે ઉત્પન્ન થતી સ્થિરતા અથવા એકાગ્રતા. શ્રીગુરુના સંશયહારી વચનામૃત, ઉપકારી સમાગમ અને આત્મસમાધિદશાવાળી મુદ્રાનું અનુસંધાન થવાથી તેના ભાવો અત્યંત વૃદ્ધિ પામે છે અને તેને આનંદરૂપ, ઉત્તમ ફળને આપનારી તેમજ સુગમતાએ આત્મસમાધિ પ્રાપ્ત કરાવનારી એવી પ્રેમસમાધિ પ્રાપ્ત થાય છે.
સુશિષ્યના અંતરમાં શ્રીગુરુ પ્રત્યે પ્રેમ પ્રવહેતો હોવાથી શ્રીગુરુએ આપેલ સ્વરૂપલક્ષી બોધનું ઘોલન સહજતાથી થાય છે. જીવ જ્યારે પોતાના આત્મસ્વરૂપને દર્શાવનારાં વચનોનું ઘોલન કરે છે, ત્યારે તે વચનોમાં રહેલ દિવ્ય ભાવ તેને સ્પર્શતા જાય છે અને “દેહ તે હું' એવી પકડવાળી માન્યતા છૂટતી જાય છે. સંકલ્પ-વિકલ્પ અતિ મંદ થાય છે અને પંચ ઇન્દ્રિયનો સંગ છોડી તેનો ઉપયોગ આત્મસન્મુખ થતો જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org