Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૧૮
આત્માના મહિમા વડે શરીરાદિને ગૌણ કર. તારા શુદ્ધ સ્વભાવને ઓળખી, વિકારથી જુદો જાણી, વિકારને જતા કર.'
શરીરે ઝેર ચડ્યું હોય તો વૈદ્ય વમન કરાવીને તે કઢાવી નાખે છે, તેમ આત્મા ઉપર જે મિથ્યાત્વનું ઝેર ચડ્યું છે તે સદ્ગુરુ કઢાવે છે. તેમના બોધના અવલંબને મિથ્યાત્વરૂપી ઝેરનું વમન થાય છે, એટલે કે આત્માની ઓળખાણ વડે ઊંધી શ્રદ્ધાનું વમન કરતાં સમ્યક્ શ્રદ્ધા થાય છે. ‘હું શરીર છું કે વર્તમાન વિકાર જેટલો છું' એમ ન માનતાં, ‘હું શરીર અને વિકારથી રહિત શુદ્ધ પરમાત્મા છું' એમ પોતાના આત્માને ઓળખીને, મિથ્યા શ્રદ્ધાનું વમન કરતાં શુદ્ધ શ્રદ્ધા થાય છે. હું પરનું કરી શકું, પર મારું કરી શકે, પરથી મને લાભ-નુકસાન છે', એ આદિ સર્વ ઊંધી માન્યતા છૂટીને, ‘તો જ્ઞાતાસ્વભાવી છું' એવી શ્રદ્ધા થાય છે.
પોતાના શુદ્ધ આત્મસ્વરૂપની શ્રદ્ધા કર્યા પછી જીવ ક્રમે ક્રમે સ્થિર થાય અને રાગાદિનો ત્યાગ કરે તો આત્મસિદ્ધિરૂપ કાર્ય પૂર્ણ થાય. સાચી શ્રદ્ધા થયા પછી પણ જે રાગાદિ થાય, તે રાગાદિ પોતાના સ્વરૂપમાં નથી એમ સાધક માને છે. સાચી સમજણ આવતાં જે રાગ થાય તેને તે આદરણીય નહીં માનતાં, પોતાના શુદ્ધ સ્વરૂપને જ આદરણીય માનીને તે તેમાં લીન થતો જાય છે અને ક્રમે ક્રમે સંપૂર્ણ સ્થિરતા કરીને મુક્ત થાય છે. પોતાના આત્માને ઓળખ્યા પછી જે રાગ થાય તેને સ્વરૂપસ્થિરતા વડે ક્રમે ક્રમે ટાળતાં એકલો શુદ્ધ આત્મા રહી જાય છે. જે પોતાને વિકારી અને શરીરવાળો માને છે, તેને રાગ વધે છે અને નવાં નવાં શરીરોનો સંયોગ થયા કરે છે, પરંતુ જે પોતાના આત્માને સર્વ પરદ્રવ્ય અને પરભાવથી રહિત શુદ્ધ માને છે તે મુક્ત થાય છે.
મુક્તિ અર્થે પહેલાં તો પોતાના આત્માની દરકાર થવી જોઈએ કે મેં મારા આત્મા માટે વીતી ચૂકેલા અનંત કાળમાં કાંઈ નથી કર્યું. આજ સુધી શરીરાદિની મમતા માટે આત્માને જતો કર્યો છે, પણ આત્મા માટે કદી શરીરાદિને જતાં કર્યા નથી. આત્માને ભૂલીને બહારના પદાર્થોનો મહિમા કર્યો હતો, જેના ફળરૂપે હું આ સંસારદુઃખનો ભોગવટો કરી રહ્યો છું.' જીવે સંસારની તમામ આશાઓને, ભવિષ્યની સઘળી યોજનાઓને, સઘળાં સપનાંઓને અભરાઈ ઉપર ચડાવી દેવા જોઈએ. તેણે પરિઘ તરફથી કેન્દ્ર પ્રત્યે જવાનું શરૂ કરવું જોઈએ. પરિઘ ઉપરની પ્રવૃત્તિ ગૌણ કરી કેન્દ્ર પ્રત્યે સજાગ થવું જોઈએ. સઘનપણે જાગૃત થવું જોઈએ. કેન્દ્ર પ્રત્યે તીવ્રપણે બોધપૂર્ણ થાય તો જીવ અત્યારે અને અહીં જ તેને પ્રત્યક્ષ અનુભવી શકે છે. આ કાર્ય અત્યારે પણ ઘટી જ શકે છે. જીવ ઇચ્છે તો ચોક્કસ હમણાં જ થઈ શકે છે, પરંતુ તેને માટે સઘન જાગરૂકતાની, તીવ્ર બોધની જરૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org