Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૩૨
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન સાધકને જ્યારે સમ્યગ્દર્શન થાય છે ત્યારે નિર્વિકલ્પ શુદ્ધોપયોગ થાય છે, પરંતુ ત્યારપછી શુદ્ધોપયોગરૂપ ધ્યાન તેમને ક્યારેક જ આવે છે. સમ્યગ્દર્શન નિરંતર ટકે છે, પણ ઉપયોગની એકાગ્રતા ટકતી નથી. તેમનાં શ્રદ્ધા-જ્ઞાનમાંથી નિજવિષય છૂટતો નથી અને ચારિત્રની આંશિક પરિણતિ પણ ત્યાં રહે છે. આત્માના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન થાય છે ત્યારથી અંશે સ્વરૂપસ્થિરતાનું મંડાણ થાય છે. ત્યારપછી જેમ જેમ પુરુષાર્થ વધતો જાય છે, તેમ તેમ સ્થિરતા પણ વૃદ્ધિ પામતી જાય છે અને ઉચ્ચ ને ઉચ્ચ ગુણસ્થાનક પ્રાપ્ત થતું જાય છે. મુનિદશામાં મુખ્યપણે સ્વરૂપાચરણમાં જ લીનતા રહે છે. તેમનો ઉપયોગ વારંવાર અંતરમાં સ્થિર થાય છે, વારંવાર નિર્વિકલ્પ ધ્યાન થાય છે, વારંવાર આત્મસ્વભાવમાં ડૂબકી મારીને નિર્વિકલ્પ અનુભૂતિને પ્રાપ્ત થાય છે. તેમને અંતર્મુહૂર્ત કાળ સુધી સ્વાનુભવ રહે છે અને વારંવાર થોડા થોડા કાળ પછી ફરી પાછી સ્વાનુભવદશા પ્રાપ્ત થયા જ કરે છે.
શુભાશુભ ભાવને ટાળવા માટે મુનિદશામાં સ્વરૂપની સ્થિરતારૂપ શુદ્ધ ઉપયોગ (સાતમું ગુણસ્થાનક) હોય છે, પણ જ્યારે તેઓ સ્વરૂપમાં નિર્વિકલ્પપણે સ્થિર ન રહી શકે ત્યારે શુભ ઉપયોગમાં (છઠ્ઠા ગુણસ્થાનકે) આવે છે અને ત્યારે શાસ્ત્રનું શ્રવણ વાંચન, દેવ-ગુરુની ભક્તિ, શિષ્યને ઉપદેશ આદિ શુભ ક્રિયા તેમને હોય છે. તીવ્ર વિષય-કષાયનાં પરિણામ તેમને હોતાં નથી, પણ શુભ ભાવ હોવાના કારણે તેઓ શુભ ક્રિયા કરતાં દેખાય છે. શુભ ભાવ હોવાના કારણે જ્યારે તેમને સહજ કરુણા જાગે છે ત્યારે શિષ્યના આત્મકલ્યાણ અર્થે ધર્મોપદેશ, માર્ગદર્શન આદિ કાર્યોમાં તેઓ પ્રવૃત્ત થાય છે.
તેઓ નિષ્કારણ કરુણાને વશ થઈને શિષ્યને બોધ આપે છે, માર્ગદર્શન આપે છે, પ્રેરણા આપે છે. તેઓ શિષ્ય માટે જે મહેનત કરે છે તે કરુણાને વશ થઈને કરે છે, આનંદ માટે નહીં. આનંદ તો તેમને કેવળ આત્મામાં જ ભાસે છે. તેમને એવી કરુણાબુદ્ધિ હોય છે કે “જે મને મળ્યું છે તે એને પણ કહી દઉં, એને પણ તે મળી જાય.' અજ્ઞાની કોઈને માર્ગદર્શન આપે છે તો તે આનંદને વશ થઈને આપે છે, કોઈ માટે કંઈ કરે તે આનંદ માટે કરે છે; જ્યારે જ્ઞાની નિષ્કારણ કરુણાથી બોધદાન કરે છે. બોધદાન કરતી વખતે પણ તેમની સ્વરૂપ પ્રતીતિ છૂટતી નથી એવી તેમની સ્વરૂપમગ્નતા અને સ્વરૂપખુમારી હોય છે.
જ્ઞાનીની દશા અત્યંત પવિત્ર હોય છે. કદી મંદ રાગમાં જોડાય ત્યારે છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકે હોય, તો વળી સ્થિર થતાં સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકે આવે છે. પુરુષાર્થની નબળાઈના કારણે અલ્પ અસ્થિરતા આવી જાય છે અને પ્રશસ્ત રાગની વૃત્તિ ઊપજતાં તેઓ છત્તે ગુણસ્થાનકે આવે છે, પરંતુ એ અલ્પ અસ્થિરતા આત્મજ્ઞાનને રોધક પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org