Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૮૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આમ, ધર્મની યથાર્થ આરાધના દ્વારા જ જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે. જીવમાં મોક્ષ પામવાની શક્તિ છે, તેથી જ પોતાના સ્વરૂપની શ્રદ્ધા-એકાગ્રતા કરવાથી મોક્ષદશા પ્રગટે છે. જીવનું સ્વરૂપ કેવું છે તે વિષે શ્રીગુરુ આગળ કહે છે કે –
‘તું છો મોક્ષ સ્વરૂપ' જીવ મોક્ષસ્વરૂપ છે. ધર્મ દ્વારા તે મોક્ષ પામે છે. અત્રે કોઈને પ્રશ્ન થાય કે મોક્ષસ્વરૂપ છે' અને “મોક્ષ પામે છે' એ પરસ્પર વિરુદ્ધ વાત છે. જો વર્તમાનમાં પણ મોક્ષસ્વરૂપ છે જ, તો મોક્ષ પામવાની વાત અસ્થાને છે અને ધર્મ દ્વારા મોક્ષ પામવાનો છે તો અત્યારે મોક્ષસ્વરૂપ છે' એમ કઈ રીતે કહી શકાય? આ સમસ્યાનું સમાધાન એક દૃષ્ટાંત વડે સરળતાથી થશે.
એક ધનવાન શેઠની પત્ની ગુજરી ગઈ હતી. તેના પાંચ વર્ષના પુત્ર સિવાય તેનું કોઈ કુટુંબીજન હયાત ન હતું. એવામાં શેઠને હૃદયરોગનો હુમલો આવ્યો. તેને થયું કે “હવે હું કેટલો વખત કાઢું એનો કોઈ ભરોસો નથી. આ કરોડોની મિલકત પુત્ર આ ઉંમરે સંભાળી શકશે નહીં અને જો પુત્રની અણસમજણનો લાભ લઈ એ સંપત્તિને કોઈ આંચકી જશે તો પુત્રનું ભવિષ્ય બગડશે.' આમ વિચારી તેણે સર્વ મિલકત વેચી, તેનાં રોકડ નાણાં પુત્રના નામે બેંકમાં ૨૦ વર્ષની ફિકસ્ડ ડિપોઝીટમાં મૂકી દીધાં. આ વાતની તેણે કોઈને ખબર ન પડવા દીધી. પોતાના એક મિત્રને આ રહસ્ય જણાવી વચન લીધું કે ૨૦ વર્ષ પછી જ પુત્રને સાચી વિગતથી વાકેફ કરવો.
થોડા વખતમાં શેઠનો દેહાંત થઈ ગયો. ઘરમાં રહેલી વસ્તુઓ વેચી વેચીને પુત્રનું બાળપણ તો વીતી ગયું, પણ જ્યારે બધું ખલાસ થઈ ગયું ત્યારે તેણે રિક્ષા ચલાવવાનું શીખી લીધું. પોતાની રિક્ષા વસાવી શકે એમ તો હતું નહીં, તેથી બીજાની રિક્ષા ભાડે લઈ આવતો. સવારથી સાંજ બજાર અને સ્ટેશન વચ્ચે ૨-૨ રૂપિયાની બૂમ પાડી તેણે ઘરાકી શોધવી પડતી. રાત્રે માલિકને રિક્ષા પાછી આપવા જતો, ભાડું આપ્યા પછી જે બચે તેમાંથી જેમ તેમ પોતાનું ગુજરાન ચલાવતો. આ રિક્ષાવાળો કરોડપતિ છે કે તેણે કરોડપતિ થવાનું છે?
છે અને થવાનું છે! બને જવાબ અપેક્ષાએ સાચા છે. હાલ તેના નામે બેંકમાં કરોડો રૂપિયા પડ્યા છે તેથી તે કરોડપતિ જ છે, પરંતુ આ દશામાં તેને કરોડપતિ મનાય પણ કેમ? કરોડપતિ બોલતાં આંખ સામે કેવું દશ્ય આવે? હૃષ્ટપુષ્ટ શરીર, સુંદર વસ્ત્રોનો ઠાઠમાઠ, આલીશાન બંગલો, નોકરચાકરની જાહોજલાલી, અવનવી ગાડીઓની ઝાકઝમાળ ઇત્યાદિ બધાંનો અહીં તોટો છે! અહીં તો દેખાય છે દૂબળું શરીર અને પરસેવાના રેલા, ફાટેલાં કપડાં અને ઝૂંપડી જેવું નાનું, તૂટ્યફૂટ્યું મકાન! તે કરોડપતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org