Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૯૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
અવ્યાબાધ સ્વરૂપ જીવનું મૂળ સ્વરૂપ અવ્યાબાધ છે, અર્થાત્ કોઈ તેને બાધા પહોંચાડી શકે નહીં એવા સામર્થ્યથી સ્વતઃસિદ્ધ છે. જ્યાં સુધી તેનું સ્વરૂપ પૂર્ણતઃ પ્રગટ થયું નથી ત્યાં સુધી તેનામાં બાધ્ય-બાધકભાવ પડ્યો છે, પણ સ્વભાવથી તો તે અવ્યાબાધ સ્વરૂપ જ છે.
જીવ જ્ઞાનાનંદસ્વરૂપી છે. તેનામાં બાહ્ય પદાર્થોનો પ્રવેશ નથી અને તે અન્ય દ્રવ્યોમાં પ્રવેશી શકતો નથી. કોઈ અન્ય દ્રવ્ય તેને બાધા પહોંચાડી શકે એમ નથી. આત્મા અને વિશ્વનાં તમામ દ્રવ્યો વચ્ચે જાણે એક વજમય દીવાલ છે, તેથી આત્મદ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે છે. આત્મદ્રવ્ય બીજા દ્રવ્યરૂપે નથી પરિણમતું. એક ગુણ બીજા ગુણરૂપે નથી પરિણમતો. આત્મદ્રવ્યનું દ્રવ્યપણું તથા ગુણપણું જેવા પ્રકારે હોય છે, તેવા જ પ્રકારે કાયમ ટકીને પરિણમે છે. આત્મદ્રવ્યના અનંત ગુણ વિખરાઈને જુદા જુદા નથી થઈ જતા. આત્માના અનંત ગુણો સ્વદ્રવ્યને છોડીને, પોતાના ક્ષેત્રને છોડીને અન્ય ક્ષેત્રમાં જતા નથી. દ્રવ્યદળમાં જેટલી શક્તિ છે તે બહાર જતી નથી, પરંતુ પોતાની મર્યાદામાં જ રહે છે. ગુણના પરિણમનમાં અધિકતા કે હીનતા થાય છે, પરંતુ ગુણમાં વધ-ઘટ થતી નથી. સિદ્ધદશામાં ગુણો વધી જતા નથી કે નિગોદમાં ગુણો ઘટી જતા નથી. બન્ને દશામાં જે ફરક છે તે માત્ર પર્યાયનો છે, કાંઈ ગુણો વધ-ઘટ થતા નથી.
જ્ઞાયકસ્વભાવી નિજાત્મદ્રવ્ય સ્વથી અતિરૂપ અને પરથી નાસ્તિરૂપ છે. તે બીજા અનંત પરપદાર્થોથી ભિન્ન છે, તેથી કોઈ પરપદાર્થ જીવને લાભ-નુકસાન કરી શકતો નથી. બાહ્ય પદાર્થો જીવમાં કોઈ કાર્ય બજાવી શકતા નથી. દેહમાં વ્યાધિ થાય કે પ્રતિકૂળ લાગતું કોઈ પરિવર્તન તેની અવસ્થામાં થાય, ત્યારે પણ દેહનું પરિણમન આત્માના સ્વરૂપ ઉપર પ્રભાવ પાડી શકતું નથી. દેહ અચેતન છે, પરશેય છે. દેહના પરિણમનથી આત્મા સર્વથા ભિન્ન અને સ્વતંત્ર છે. દેહમાં વેદના આવે તો આત્મસ્વરૂપને હાનિ પહોંચતી નથી. દેહત્યાગનો પ્રસંગ બને તોપણ પોતાના શાશ્વત, અવ્યાબાધ સ્વરૂપમાંથી કાંઈ જ જતું નથી. તે વખતે પણ પોતે જ્ઞાયકપણે અખંડ સ્વરૂપે વિદ્યમાન જ રહે છે. પુદ્ગલ પુદ્ગલમાં અને જીવ જીવમાં રહે છે. પ્રત્યેક દ્રવ્યનાં પરિણમનનો પ્રભાવ તે દ્રવ્ય પૂરતો જ સીમિત રહે છે. પ્રત્યેક ચેતન-અચેતન પદાર્થનું પરિણમન પોતપોતાની યોગ્યતા અનુસાર સ્વતંત્રપણે થાય છે. જીવ પોતામાં પોતાની યોગ્યતાથી પરિણમન કરે છે. જીવનો પુરુષાર્થ સ્વતંત્ર છે.
કોઈ કોઈના પરિણમનમાં સાધક કે બાધક થઈ શકતું જ નથી. કોઈ એક વસ્તુ બીજી વસ્તુમાં હસ્તક્ષેપ કરી શકે અથવા બીજી વસ્તુ તે વસ્તુના પરિણમનમાં હસ્તક્ષેપ કરી શકે - એવી રીતે વસ્તુના હસ્તક્ષેપ કરવાના સામર્થ્યને જો સ્વીકારવામાં આવે તો વસ્તુવ્યવસ્થાની અખંડિતતા સમાપ્ત થઈ જાય. વસ્તુવ્યવસ્થા તો એમ છે કે દરેક વસ્તુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org