Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૯૯
ગાથા-૧૧૬ જ્ઞાન-વીર્ય તેમાં જ એકાગ્ર થતાં વિકલ્પો વિલીન થઈ જાય છે અને નિર્વિકલ્પ આત્મસ્થિરતા પ્રગટે છે, સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટે છે. નિર્વિકલ્પ અનુભૂતિમાં અનંત ગુણોના રસનો સ્વાદ આવે છે, મહા આનંદનું વેદન થાય છે.
મોક્ષસ્વરૂપી, અનંત દર્શન-જ્ઞાનયુક્ત, અવ્યાબાધસ્વરૂપી એવા આત્માના આશ્રયે જ વીતરાગી ધર્મ પ્રગટે છે, એના આશ્રયે જ ધર્મ વધે છે અને એના આશ્રયે જ ધર્મ પૂર્ણતા પામે છે. આત્માની સમ્યક્ શ્રદ્ધા, જ્ઞાન અને તેમાં લીનતારૂપ વીતરાગી ધર્મની આરાધનામાં શરૂઆતથી માંડીને પૂર્ણતા સુધી પોતાના શુદ્ધ આત્મદ્રવ્યનું જ અવલંબન છે. સૌથી પહેલાં આત્મસ્વભાવનો જેવો અચિંત્ય મહિમા છે તેવો ઓળખીને, તે સ્વભાવના જ અવલંબને નિર્વિકલ્પ અનુભવ થતાં સમ્યગ્દર્શનરૂપ ચોથું ગુણસ્થાન પ્રગટે છે. ત્યાંથી નિશ્ચયધર્મની શરૂઆત થાય છે, એટલે કે સાચો સાધકભાવ શરૂ થાય છે. ત્યારપછીની આગળ આગળની સાધકદશા પણ તે નિર્વિકલ્પ અનુભવની સ્થિરતાથી જ પ્રગટે છે. આત્માના શુદ્ધ સ્વભાવનું ઉગ્ન અવલંબન લેવાથી જ ગુણસ્થાનમાં વૃદ્ધિ થાય છે. ગુણસ્થાનની વૃદ્ધિ કહો, સાધકભાવની વૃદ્ધિ કહો કે ધર્મની વૃદ્ધિ કહો તે સર્વ માટે એક જ ઉપાય છે અને તે ઉપાય છે અખંડ આત્મસ્વભાવનું અવલંબન લેવું. માટે જ્યાં સુધી સઘળા રાગાદિ મટીને કેવળજ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી શુદ્ધ સ્વભાવનો આશ્રય લેવાનો ઉપદેશ જ્ઞાનીઓએ કર્યો છે.
મોક્ષપ્રાપ્તિ માટે પ્રથમ સદ્ગુરુના બોધ દ્વારા બુદ્ધિના સ્તરે, પોતાનો ચેતનસ્વભાવ શરીરથી તથા શુભાશુભ વિકારી ભાવોથી જુદો છે એવો નિર્ણય કરવાનો છે. પર અને પર્યાયથી ભેદજ્ઞાન કરી જે બાકી રહે તેમાં તાદાત્મ્ય સ્થાપવાનું છે. જેમ કોઈ વેપારી પોતાની ખાતાવહી જુએ છે, તેમાં સિલક કેટલી છે તે જાણે છે ખ્યાલમાં લે છે, પણ તે સિલકને પોતાની પૂંજી માનતો નથી; પણ બીજા સાથે જે લેવડ-દેવડ બાકી હોય તેની ગણતરી કર્યા પછી જે શેષ બચે તેને પોતાની પૂંજી માને છે. તે મુજબ મોક્ષનો સાધક શરીરાદિ સમસ્ત પરસંયોગો તથા રાગાદિ વૈભાવિક ભાવોને બાદ કરતાં માત્ર જ્ઞાન-દર્શનનો જે પિંડ બચે તેમાં પોતાપણું નિજતા સ્થાપે છે. તે સ્વરૂપનો નિર્ણય કરતાં વિચારે છે કે પંચ ભૂતોનું બનેલું શરીર તે હું નહીં; સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દને ગ્રહણ કરનારી ઇન્દ્રિયો તે હું નહીં; શ્વાસોચ્છ્વાસ કે પ્રાણ તથા વિચાર કરતું મન તે હું નહીં; હર પળે અનુભવાતા વિકાર પણ હું નહીં. સર્વ ઉપાધિઓને બાદ કરતાં કરતાં જે તત્ત્વ રહે છે હું છું. હું સત્, ચિત્ અને આનંદસ્વરૂપી આત્મા છું.' બુદ્ધિના સ્તરે આ નિર્ણય દૃઢ થયા પછી, જે જ્ઞાન-ઉપયોગ બહાર ભટકે છે તેને ત્યાંથી હટાવીને, એટલે કે પોતાની આત્મશક્તિને શરીર, ઇન્દ્રિય, વિચાર અને વિકલ્પોથી હટાવીને તેને તે જ્ઞાનના અખંડ પિંડની સન્મુખ કરતો રહે છે અને
Jain Education International
–
For Private & Personal Use Only
-
www.jainelibrary.org