Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૪૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પળે પળે જે લહેર ઉત્પન્ન થાય છે તેનો ઉત્પાદ પણ છે અને વ્યય પણ છે. જો લહેર પોતા સાથે તાદામ્ય કરે તો ઉત્પાદ-વ્યયના વેદનથી દુઃખી જ રહે, પણ જો તે સમુદ્ર સાથે તાદામ્ય સાધી લે તો ઉત્પાદ-વ્યય થતા હોવા છતાં નિત્ય સ્વભાવની ખુમારીથી તે સભર બની ઊઠે છે. તેમ આત્માનો જે ત્રિકાળી સ્વભાવ છે તેમાં ઉત્પાદ પણ નથી અને વ્યય પણ નથી, પરંતુ આત્મામાં સમયે સમયે જે પર્યાય ઉત્પન્ન થાય છે તેનો ઉત્પાદ પણ છે અને વ્યય પણ છે. જો પર્યાયમાં ઐક્યભાવ કરે તો આત્મા દુઃખી જ રહે છે અને ત્રિકાળી ધ્રુવ સ્વભાવમાં ઐક્યભાવ કરે તો સમયે સમયે ઉત્પાદ-વ્યય થતા હોવા છતાં પણ ધ્રુવ સ્વભાવની ખુમારીથી તે સભર બની ઊઠે છે અને જન્મમરણનાં કે અન્ય સંયોગજન્ય દુઃખોથી ઉપર ઊઠી તે પોતાના સ્વાધીન સુખને ભોગવે છે. સદ્ગુરુના બોધ અને સમાગમના બળ વડે વિભાવભાવ સાથેનું અનાદિ ઐક્ય મિટાવી, તેની સાથે ભિન્નતા સધાતાં તથા નિજસ્વરૂપમાં ઐક્ય સધાતાં પર્યાય પણ પોતાને ધ્રુવ માનવા લાગે છે, અર્થાત્ ત્રિકાળી સ્વભાવના અનંત ગુણનિધાન પર્યાયમાં પ્રગટી ઊઠે છે.
જ્ઞાનીને વિભાવ સાથેનું ઐક્ય તૂટી ગયું હોવાથી, ચારિત્રમોહનીયના ઉદયના નિમિત્તે જે વિભાવભાવો ઊપજે છે, તેને તેઓ પોતાનું મૂળ સ્વરૂપ માનતા નથી. તેમને વિભાવભાવ અને સ્વભાવભાવનું ભિનપણું સ્પષ્ટ રહેતું હોય છે. સ્વભાવની પ્રતીતિ એવી પ્રત્યક્ષ રહે છે કે કાળાંતરે કે ભવાંતરે પણ તે ભૂંસાતી નથી. ગમે તેવા ઉદયમાં તેમની આ પ્રતીતિ કાયમ રહે છે, ઉદયપ્રસંગમાં તેમનાં શ્રદ્ધા-જ્ઞાન ઘેરાઈ જતાં નથી. શુભાશુભ ભાવો ઉદ્ભવતા હોવા છતાં પણ તે શુભાશુભ ભાવોની તેમને રુચિ નથી અને પોતાની સર્વ શક્તિથી તેઓ વિભાવભાવોથી પાછા ફરવાનો પુરુષાર્થ કર્યા જ કરે છે. શુદ્ધ ભાવની પકડના કારણે સ્વરૂપમાં સ્થિર થવાના પ્રયત્નો નિરંતર ચાલુ રહે છે. સમ્યગ્દષ્ટિ જીવને ચિદાનંદતત્ત્વનું ભાન સતત રહેવાથી, સ્વરૂપમાં જ પ્રીતિ રહેવાથી, તેમાં જ તન્મયતા થવાથી, જગતના કોઈ પણ ક્ષણભંગુર અને તુચ્છ પદાર્થો મળવાથી કે વિખૂટા પડવાથી અંતરમાં હર્ષ-શોકના ભાવો થતા નથી. પરપદાર્થ પ્રત્યે ઇષ્ટ-અનિષ્ટપણું થતું નથી. તેઓ નિરંતર સમપરિણામે રહે છે. પરપદાર્થના માત્ર જ્ઞાતા-દ્રષ્ટા રહે છે.
જન્મ, જરા, મૃત્યુ, રોગ આદિ સર્વથી અબાધિત, અનંત અનંત ઐશ્વર્યના સોતરૂપ અને સંપૂર્ણ કૃતકૃત્યતારૂપ જેનો સ્વભાવ છે તેવા નિજ શુદ્ધાત્મપદને સ્વાનુભવથી જાણી-વેદી તેઓ કૃતાર્થ થાય છે, અર્થાત્ ભવનો અંત લાવીને તેઓ કૃતાર્થ થાય છે. એક વાર આત્માનો અનુભવ થાય છે પછી તેનું ખેંચાણ વધતું જાય છે. સ્વરૂપમાં સ્થિર થવાનું અદમ્ય આકર્ષણ જાગે છે. તેમને આત્મસ્થિરતાની ભાવના ઉપ થતી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org